Navalkatha - Read Stories, Poems And News

કાદવમાં કમળ ખીલ્યુ.

આ કથા ત્રેતાયુગની છે. જ્યારે સમાજમાં લાકો આજના કરતા વધારે ધાર્મિક, પ્રમાણિક અને સત્યવાદિ હતાં. લોકોને ઇશ્વરમાં શ્રધ્ધા હતી. લુચ્ચાઇ, આડંબર અને સ્વાર્થનુ પ્રમાણ ઓછુ હતું. દરેક જાતીના લાકો પોતાની જાતી અને સંસ્કાર મુજબ કામ કરતા હતાં. લોકો સંતોષી હતાં. ઉંચ-નીચના ભેદ ન હતાં. બ્રાહ્મણનુ કાર્ય જ્ઞાન સંપાદન અને જ્ઞાન પ્રસારણ હતું. ક્ષત્રિયનો ધર્મ લોકોનુ રક્ષણ કરવાનો હતો, વૈશ્યનુ કાર્ય ખેતી અને વાણિજ્ય હતું. માણસની જાત તેના જન્મ પરથી નહી કિન્તુ તેના કાર્ય પરથી નક્કિ થતી.
સાંજનો સમય હતો. નદીમાં ખળખળ પાણી વહી રહ્યાં હતાં નદીનાં નિર્મળ જળમાં કિનારા પરના વૃક્ષોના પ્રતિબિંબ થકી એક અનેરી શોભા દ્રષ્ટીગોચર થતી હતી. વૃક્ષો પરના માળામાં રહેતા પક્ષીવૃંદના કલરવ થકી એક અનેરુ સંગીત પેદા થતુ હતું વાતાવરણ આહ્લાદક હતું. બન્ને કિનારા નિર્જન હતાં.
આ સમયે એક ઋષિ નદી કિનારે આવે છે. ઋષિનુ નામ છે પરાશર. પરાશર મુનિ મહાજ્ઞiની હતાં. તેમનુ સનાતન ધર્મ અને તેના શાસ્ત્રો વિષેનુ જ્ઞાન અદ્વિતિય હતું તે સમયનાં ઉચ્ચ કોટિના ઋષિઓમાં તેમનુ આગવુ સ્થાન હતું. પરાશર મુનિને નદી પાર કરીને સામે કિનારે જવુ હતું. નદીના જળ ઉંડા હોવાથી સાધન વગર નદી પાર કરવાનુ શક્ય ન હતું. મુનિશ્રીએ ચારેકોર નજર ફેરવી. ઉજ્જડ કિનારા ઉપર કોઇ દ્રષ્ટીગોચર થતુ ન હતું. .મુનિશ્રી નિરાશ થયા. એમને વિચાર્યુ કે રાત પડી ગઇ છે, કિનારો ઉજ્જડ છે, નદી પાર કરવાનુ કોઇ સાધન નથી. નક્કિ આજની રાત આ વગડામાં જ વિતાવવી પડશે.
મુનિશ્રીએ કિનારે કિનારે ચાલવા માંડ્યુ. થોડુક ચાલતા તેમણે જોયુ તો એક વૃક્ષ નીચે એક કન્યા બેઠી હતી. કન્યાનો વર્ણ શ્યામ હતો કિન્તુ સોળ વર્ષની કન્યા નમણિ હતી. તેના વસ્ત્રો ઉપરથી લાગતુ હતુ કે તે કોઇ ગરીબ ઘરની કન્યા હશે.
મુનિશ્રી ચાલીને કન્યાની પાસે ગયા. મુનિને જોઇને કન્યા ઉભી થઇ ગઇ અને તેમને નમસ્કાર કર્યા. કન્યા બોલી, “ મહારાજ, નમસ્કાર, આપ આવા સમયે શા માટે અત્રે પધાર્યા છો? આ વગડો નિર્જન છે, અત્રે રાતવાસો કરવો હિતાવહ નથી.”
“મારે સામે કિનારે પહોંચવુ છે, નદીના જળ ઉંડા છે, હું હોડી વગર નદી પાર કરી શકુ તેમ નથી.” મુનિશ્રીએ જવાબ આપ્યો.
“મહારાજ, મારી હોડી નજદીક જ છે, આપને વાંધો ન હોય તો આપ મારી હોડીમાં બિરાજો, હું આપને નિર્વિધ્ને નદી પાર કરાવી દઇશ.” કન્યાએ વિનંતિ કરી.
વાસ્તવમાં તે કન્યા માછીમારની દિકરી હતી. તેના પિતા અસ્વસ્થ હોવાથી હોડી હંકારવાની જવાબદારી તેના શિરે હતી. મુનિશ્રીએ કન્યાની વિનંતિનો સ્વિકાર કર્યો.
જે ઋષિ લોકોને ભવસાગર તરવાનો માર્ગ બતાવતા હતાં તેને આજે નદિ પાર કરવા માટે એક સામાન્ય માછણ કન્યાનો સહારો લેવો પડ્યો. મુનિશ્રીએ હોડીના એક છેડે પોતાનુ સ્થાન ગ્રહણ કર્યુ, હોડીને બીજે છેડે કન્યા બેઠી. કન્યાએ હલેસા મારવા માંડ્યા અને હોડી ધીમે ધીમે નદીમાં સરકવા માંડી.
સાયંકાળ હતો, વાતાવરણમાં ધુમ્મસ હતું, એકાન્ત હતું, એક સ્ત્રી અને એક પુરુષ એકલા હોડીમાં મુસાફરી કરી રહ્યા હતાં. કુદરતે પોતાની લીલા દેખાડી. નમણી મત્સ્ય-કન્યાએ મુનિના હ્રુદયમાં મોહ જગાડ્યો. આકરી તપસ્યા દ્વારા મુર્છિત કરેલો કામદેવ જાગ્રુત થયો. કામદેવે પોતાના તીર માર્યા. પુરુષ અને પ્રકૃતીનો સંયોગ થયો. મુનિશ્રીમાં રહેલા દિવ્ય તેજમાંથી એક નાનુ તેજ- બિન્દુ નીકળીને કન્યામાં સમાઇ ગયુ.
હોડી સામે કિનારે પહોંચી, કન્યાએ મુનિશ્રીને પ્રણામ કર્યા. કન્યાને આશિર્વાદ આપીને મુનિ પોતાને પંથે વળ્યા. કન્યાએ હોડીને કિનારે ઝાડ સાથે બાંધી. કન્યા આસ્તે આસ્તે પોતાની ઝુંપડીએ પહોંચી.
એક મત્સ્ય-કન્યા માટે આ એક અનેરો અનુભવ હતો. એક તેજસ્વી અને જ્ઞાની મુનીના ક્ષણિક સાનિધ્યે કન્યાને અલૌકિક અનુભવ કરાવ્યો. કન્યાના હ્રદયમાં એક અલૌકિક અને દિવ્ય તેજનો સંચાર થયો.
સમય વિતતો ગયો. કન્યા ગર્ભવતિ થઇ. એક કુમારી માછીમારની કન્યાએ ગર્ભ ધારણ કર્યો.
એ કાળની સમાજ રચના અને સંસ્કારો પ્રમાણે આ સહજ ઘટના હતી. મત્સ્ય-કન્યાનો કોઇએ તિરસ્કાર ન કર્યો, ન કોઇએ તેની નિંદા કરી. તેના માતા પિતાએ તેને સાચવી, તેની સંભાળ લીધી. પુરા માસે એક શ્યામ વર્ણના પ્રતિભાશાળી બાળકનો જન્મ થયો.
આ બાળક તેજસ્વી અને બુધ્ધિશાળી હતો. તેનો વર્ણ શ્યામ હોવાથી બધા તેને કૃષ્ણ કહેતા. તેનુ આખુ નામ હતુ કૃષ્ણદ્વૈપાયન. આઠ વર્ષની ઉમરે આ બાળકે તેના ઘરનો ત્યાગ કર્યો. કૃષણદ્વૈપાયનની ઇચ્છા સનાતન ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરવાની હતી.
આ બાળકે બહુ જ નાની ઉમરમાં સનાતન ધર્મના વેદો, ઉપનીશદો અને અન્ય સાહિત્યનો ઉંડો અભ્યાસ કર્યો. અનેક મહાનુભાવો સાથે આધ્યાત્મના ગહન વિષયો ઉપર ચર્ચા કરી, અને સનાતન ધર્મનુ ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું. .
એમણે વેદોની જુદી જુદી રુચાઓનો ઉંડો અભ્યાસ કરીને તેને વ્યવસ્થિત કર્યાં. તેમના વેદ ઉપરના મહાન કાર્ય થકી તેઓ વેદ-વ્યાસ કહેવાયા. પતંજલિ યોગ સુત્રનો ઉંડો અભ્યાસ કરીને તેમણે યોગ-ભાષ્યની રચના કરી.
આટલી શ્રેષ્ટ રચનાઓ કર્યા બાદ તેમણે જોયુ કે દેશનો સામાન્યજન જે ખેડુત કે શ્રમજીવી છે તેને માટે આ બધા શાસ્ત્રો ભણવાનુ કે સમજવાનુ અતિ કઠીન છે. તેમને એ પણ સમજાયુ કે સામાન્ય જનને આ જ્ઞાન આપવુ હોય તો કથાના રુપમાં આપવુ જોઇએ, જેથી તે ધર્મના સિધ્ધાંતોને સરળતાથી સમજી શકે. આમ વિચારીને તેમણે સામાન્ય માણસના લાભાર્થે વિવિધ પુરાણોનુ સર્જન કર્યુ.
સનાતન ભારતના બે મહાકાવ્યો, રામાયણ અને મહાભારત. મહાભારતનુ સર્જન મુનિ વેદ-વ્યાસે કર્યું. હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ એટલે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતામાં સનાતન ધર્મના સર્વ સિધ્ધાંતો અને જ્ઞાનને વણી લેવામાં આવ્યા છે. આ ભગવદ્ ગીતા વાસ્તવમાં મહાભારતનો જ એક ભાગ છે. આ ગીતા કુરુક્ષેત્રની લડાઇ વખતે ભગવાન શ્રીકૃષ્ણના મુખે કહેવાઇ છે. વાસ્તવમાં આ રચના મુનિ વેદ-વ્યાસની છે.
મુનિ!શ્રી વેદ-વ્યાસનુ સ્થાન તે સમયના ઋષિમુનિઓમાં ઘણુ ઉંચુ હતુ.
એક પછાત ગણાતિ કુંવારી કન્યાને જન્મેલા બાળકે તેના સ્વ-બળે અને પુરુષાર્થ વડે એવડુ મોટુ અને વિશાળ સર્જન કર્યુ કે ભારતવર્ષ આજે પણ તેને યાદ કરે છે.
મુનિશ્રી વેદ-વ્યાસને મારા શત શત પ્રણામ.

Subscribe for our new stories / Poem

ડૉ. સનત ત્રિવેદી

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com