Navalkatha - Read Stories, Poems And News

કોણ હશે હત્યારો? ૧

રાજકોટ જિલ્લાના એક વિસ્તારના પોલિસ સ્ટેશનની બહાર લોકોનું ટોળું જામેલું છે. આસપાસ ટ્રાફિક જામ છે. લોકો જાણે કોઈ અભિનેતા આવ્યું હોય એમ એક વ્યક્તિને જોવા તડપી રહ્યા છે. હા તમે સાચું જ વિચારો છો. ત્યાં કોઈ અભિનેતા નથી પણ એક ગુનેહગાર છે. તમને સવાલ થશે કે એ માણસે શુ અપરાધ કર્યો હશે કે તેને જોવા આટલી પબ્લિક જમા થઈ છે. આ વ્યક્તિ પર રાજકોટના લોક લાડીલા અને સત્ય વક્તા એવા પત્રકાર જગદીશ કુમારની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે પત્રકાર જગદીશ કુમારે તેની પુત્રી સ્વીટીની છેડતી અંગે આ અપરાધી સામે ફરિયાદ કરેલી તેથી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
આ અપરાધીનું નામ શ્યામ છે અને તેને રાજકોટની સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યો છે. તે જાણીને મૃત પિતાની દીકરી સ્વીટી આ અપરાધી પાસે આવે છે અને કહે છે, “તને થતું હશે કે હું તને પ્રેમ કરું છું એટલે તારી પાસે આવી છું. અરે તારી જેવા નિર્દયી સાથે પ્રેમ કરીને મને મારી જાતથી નફરત થઈ ગઈ છે. મારા પપ્પાએ તારું શુ બગાડ્યું ? મને એમ હતું કે તું આપણા લગ્ન માટે મારા પપ્પાને મનાવી લઈશ. પણ તે મને પામવા મારા પપ્પાને મારી નાખ્યા. હટ…. તારું મોં જોઈને મને ઘીન આવે છે. યાદ રાખજે હું પત્રકાર જગદીશની દીકરી છું. તને તો આ કેદમાંથી હું બહાર તો નહીં આવવા દઉં. બસ અહીં જ સડજે.”
સ્વીટીની વાત સાંભળી શ્યામની આંખમાં આંસુ આવી ગયા. તે જેલના સળિયા પકડી કરુણ અવાજે બોલ્યો, “પ્લીઝ સ્વીટી મને સમજવાની કોશિશ કર. મેં તારા પપ્પાને નથી માર્યા. તને ખબર છે મને ફસાવવામાં આવ્યો છે. મારી પાસે અત્યારે કોઈ સબૂત નથી તેથી હું જેલમાં છું. હું મજબુર છું. યાર તું તો મારી માટે કઈ પણ કરવા તૈયાર હતી અને આજે તારા મોઢે આવી વાતો? મારા પ્રત્યે આટલી નફરત? શા માટે સ્વીટી? શા માટે? તને મારા પર વિશ્વાસ નથી?”
સ્વીટીએ તેની વાતનો જવાબ ન આપ્યો અને ત્યાંથી નીકળી ગઈ. તે ગયાની કલાકમાં જ એક કુણાલ જેવડો એક યુવાન જેલમાં શ્યામની મુલાકાતે આવ્યો. તે શ્યામની હાલત જોઈ રડવા લાગ્યો. તેને રડતો જોઈ શ્યામ બોલ્યો, “યાર સલીમ. મને ખબર હતી જ કે તું મને મળવા જરૂર આવીશ. આ અનાથનું તારી સિવાય કોણ છે?” તે સાંભળી સલીમ બોલ્યો, “અય.. હવે ક્યારેય અનાથ બોલ્યો છેને તો તને જાનથી મારી નાખીશ. તું અનાથ નથી તારો ભાઈ સલીમ હજી જીવે છે. તું ચિંતા ન કર. આ ચાર દિવાર વધુ તને નહીં રાખી શકે. હું તને ગમે તેમ છોડાવી લઈશ. તું મને સાચી ઘટના જણાવ.”
શ્યામે વાત શરૂ કરી, “સલીમ એ દિવસે લગભગ 2 વાગ્યા હતા. હું રેલવે સ્ટેશનથી આવી રહયો હતો. હું રોડ પર આવ્યો કે સ્વીટીના પપ્પા ત્યાં બાઇક લઈને નીકળ્યાં. તેમણે મને જોઈને ઓળખી ગયા. તેમણે બાઇક ઉભી રાખી અને મને બેસી જવા કહ્યું. તેમણે સ્વીટીની છેડતીને લઈને મારી ફરિયાદ થોડા દિવસ પહેલા કરી હતી એટલે હું થોડો ઘબરાયો પણ તેમણે મને ગુસ્સેથી બેસવા કહ્યું એટલે હું બાઇકમાં બેઠો. બજારમાં એન્ટર થયા કે તેમણે મને કહ્યું, “પોલીસની માર ખાઈને કેવું લાગે છે? પ્રેમનો કીડો જપ્યો કે નહીં?” મેં તેમને જવાબમાં કહ્યું, “સર. તમને મારો પ્રેમ ખોટો લાગતો હશે. પણ હું સ્વીટીને બહુ પ્રેમ કરું છું. તેની માટે કઈ પણ કરી શકું છું. તેને મેળવવા જે કરવું પડે એ હું કરીશ. પણ તેને નહિ ભૂલું.” મારો જવાબ સાંભળી તે બોલ્યા, “સ્વીટી માટે પોતાનું ઘર લઈ શકીશ? નોકરી તો તારી પાસે છે જ.” મેં જવાબ આપતા કહ્યું, “સર. એના માટે ઘર નહીં પણ મહેલ બનાવી શકું છું. તમે ખાલી મને સ્વીકારી લો.” તેમણે કહ્યું, “મહેલ બનાવવું નથી. તું આ 1 મહિનાની અંદર ઘર લઈને બતાવ. જે દિવસે તારું પોતાનું ઘર મને બતાવીશ ત્યારે હું મારી દીકરી તને આપીશ. પણ ત્યાં સુધી તેની આસપાસ ફરકતો પણ નહીં. ઓકે.” હું તેમની સાથે સહમત થયો. પણ યાર એના બીજા દિવસે તેમની લાશ મારા ભાડાના ઘરમાંથી મળી અને પોલીસે મને પકડી લીધો. મને કંઈ સમજાતું નથી કે આ કેમ બન્યું. મારી પાસે કોઈ સબૂત નથી કે હું તને મારી નિર્દોષતા બતાવી શકું. પ્લીઝ મારો વિશ્વાસ કર મેં જગદીશ અંકલને નથી માર્યા. મને નથી ખબર મારા રૂમમાંથી તેમની લાશ કેમ મળી.”
સલીમ શ્યામની બધી વાત સમજી ગયો અને કહેવા લાગ્યો, “શ્યામ મને તારા પર વિશ્વાસ છે. તું માત્ર 15 દિવસ રાહ જો. હું તને 15 દિવસમાં છોડાવી લઈશ. પણ આ 15 દિવસ તારે વેઠવા પડશે. હવે હું તને છોડાવવા આવીશ ત્યારે જ તને મોઢું દેખાડીશ. મને સમ છે આપણી દોસ્તીના. યાર મારા પર ભરોસો રાખજે અને મારી રાહ જોજે. તારો આ ભાઈબંધ જરૂર આવશે.” આટલું કહી સલીમ ત્યાંથી નીકળી ગયો.
કોણે કરી હશે પત્રકાર જગદીશ કુમારની હત્યા? કેવી રીતે મળી તેમની લાશ શ્યામના રૂમમાંથી? કેવી રીતે સલીમ શ્યામને નિર્દોષ સાબિત કરશે? આ બધા પ્રશ્નોનો જવાબ આવતા પ્રકરણમાં મેળવીશું.

Subscribe for our new stories / Poem

હાર્દિક વી પટેલ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com