Navalkatha - Read Stories, Poems And News

ગોવા – મારી નજરે

“ગોવા” – આ નામ પડતા જ આપણા મગજ માં પહેલો વિચાર “બીચ” અને “બીયર” નો જ આવે ! મારે પણ એવું જ થયું હતું. હું તો બીયર કે દારૂ પીતો નથી, તો મારા ઘણા મિત્રો કહેતા હતા કે, “ તું તો દારૂ, બીયર પીતો નથી, તો ગોવા જઈને તું શું કરીશ ?” સાલું પહેલી વાર તો મને પણ એમ થઇ ગયું કે વાત તો સાચી, હું ત્યાં જઈને કરીશ શું ? પછી થયું કે લેટ્સ ટેક અ ચાન્સ ! આમતો હું ફરવાનો જીવડો, એટલે કૈક ને કૈક રીતે તો એન્જોય કરીશું જ …
હવે અહી એક વાત ની ચોખવટ કરી દઉં, કે ગોવામાં બીચ અને દારૂ સિવાય પણ ઘણું જાણવા અને માણવા જેવું છે. તો આજે અહી હું મારા પર્સનલ અનુભવો ની જ વાત કરીશ. જો કોઈ મારા જેવા સીધા-સદા ( સોરી, એટલે કે પીતો ના હોય એવો ) માણસને જવું હોય તો ત્યાં શું કરી શકાય.
અમારી આણંદ થી સીધી ટ્રેન થીવીમની હતી. સવારે ૪.૩૦ વાગ્યે અમે થીવીમ ઉતર્યા. બહાર નીકળતા જ ટેક્ષી અને રીક્ષા વાળાઓનું ટોળું ઉભું હતું. અમારે ત્યાંથી ડોના પોઉલા, જ્યાં અમરી હોટેલ હતી, ત્યાં જવાનું હતું. થીવીમથી ડોના પોઉલા નું અંતર ૩૦ કી.મી. નું છે. પણ સવારનો સમય હતો એટલે રીક્ષા વાળાએ અમારી પાસેથી ૮૦૦ રૂપિયા ભાડું લીધું. ( ગોવાનું બજેટ બનાવતી વખતે ખાવા કરતા ટેક્ષી અને રીક્ષા ભાડા નું પ્રમાણ વધારે રાખવું હિતાવહ રહેશે ) લગભગ ૪૫ મીનીટે અમે હોટેલ પર પહોચ્યા, ત્યાં અમે પહેલીથી જ મેક માય ટ્રીપ પર બુકિંગ કરી રાખ્યું હતું, ( ગોવામાં દરેક જગ્યાએ ચેક ઇન સમય બપોરે ૨.૦૦ વાગ્યાનો છે, એટલે બુકિંગ વખતે ટ્રેનના સમયને અનુરૂપ બુકિંગ કરવું ) એ દિવસે ત્યાં ફ્રેશ થઇ અમે “બુલેટ” ભાડે લીધું.
હવે અહિયાં એક મારે આડ વાત કરવી છે, કે જો તમને ચાલવાનો કંટાળો નાં આવતો હોય તો, ડોના પોઉલા ટ્રાન્સપોર્ટ ની બસો ચાલે છે, એમાં એક થી બીજા સ્ટેશને જઈ, ત્યાં થોડું ચાલતા ફરવું. જયારે આપણે વાહન છોડી ને ચાલતા ફરીએ છીએ, ત્યારે જ આપણને કોઈ ગામ કે શહેર ની સાચી ફિતરત જાણવા મળે છે. હું તો આવું નથી કરી શક્યો, પણ જો કોઈને શક્ય હોય તો આવું કરવું એક સારો વિકલ્પ છે. જો સમય હોય તો ખાસ પંજીમ સીટી ફરવા જેવી છે. એ શહેર ના બજાર ની શોપ્સ નું બાંધકામ યુરોપિયન કલ્ચર ને મળતું આવે છે. ઉપરથી એ શોપ્સ કે ઈમારત ( ૨-૩ માળથી મોટી કોઈ ઈમારત સીટીમાં ભાગ્યે જ જોવા મળે ) નું કલર કોમ્બીનેશન પણ એકદમ આકર્ષક હોય. જો કોઈ મારા જેવો રખડવાનો અને ખાવાનો શોખીને હોય એના માટે આ શહેર મસ્ત છે. ત્યાં એક “કાફે ભોસલે” છે, ત્યાં ગોઅન વાનગીઓ જેવીકે ‘ઉસળ પાઉં’, ‘પૂરી ભાજી’, ‘ગોઅન સમોસા’, ‘પાતલ ભાજી’ ટ્રાય કરવા જેવી ખરી. પણ અહિયાથી ફરવા ગયેલા લોકો પંજીમ ની સામે માન્ડોવી નદીમાં ક્રુઝ અને કશીનો ની જ મજા માણતા હોય છે.
હવે વાત કરવી છે ત્યાના ચર્ચ ની. ગોઆ, બીચ અને દારૂ પછી ત્યાના ચર્ચ માટે પણ પ્રખ્યાત છે. ત્યાં યુરોપિયન ટાઇપ ના ચર્ચ ખુબ આકર્ષક લાગે છે. જેમ આપણે ત્યાં રોડ ઉપર નાના નાના દેરા હોય અને સિટીમાં એકાદ મોટું ચર્ચ હોય. એમ ત્યાં આનાથી એકદમ ઉલટું છે. ત્યાં તમને રોડ ની બાજુએ નાના નાના દેરા જેવા ચર્ચ ( આમતો નાની ઓરડી હોય અને એમાં ક્રોસ કાતો, જીસસ ની નાની મૂર્તિ હોય ) જોવા મળે. આ બધું વધારે તો Calangute જતા રસ્તામાં આવતા નાના નાના રસ્તાઓમાં વધારે જોવા મળે.
બીજું, મને ગોવા વિષે જે ગમ્યું એ ત્યાના મકાનો. હા, ત્યાં લાકડાના અને છાપરા વાળા મકાનો વધારે જોવા મળે. અને હું જાણું છું ત્યાં સુધી, ખ્રિસ્તીઓને ઘર શણગારવાનો ભારે શોખ હોય. ત્યાના દરેક ઘરમાં નાનું ગાર્ડન તો જોવા મળતું જ હતું. આગળ નાની બાલ્કની હોય, એમાં ડેકોરેશન અને લાઈટીંગ કરેલું હોય. મને તો ત્યારે એ વિચાર આવતો હતો, કે અત્યારે આ લોકો આવું કરે છે, તો નાતાલ પર કેટલું ડેકોરેશન કરતા હશે ?
છેલ્લે, એક વાત કરી દઉં કે, મને ત્યાના બીચ કરતા પંજીમ સીટી, ગોવાના અંતરિયાળ રસ્તાઓ, ત્યાના નાના નાના પણ આકર્ષક મકાનો વધારે ગમ્યા. આ વખતે તો નથી થઇ શક્યું પણ જો શક્ય બનશે અને ફરી જવાનો ચાન્સ મળશે તો હું એક પણ બીચ પર ગયા વગર, ત્યાના લોકલ ટ્રાન્સપોર્ટમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈ, એ આખો વિસ્તાર ચાલતા જ ફરીશ.

ટીપ : મારું પોતાનું એવું માનવું છે કે, જો તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોવ, તો ત્યાં શક્ય એટલો ઓછો વાહન નો ઉપયોગ કરો. બને તેટલું ચાલતા ફરો. લોકોને અને એ સિટીના વાતાવરણ ને ઓળખો. મજા આવશે. બીજું કે જે પ્રદેશમાં જાઓ ત્યાની વાનગીઓ ટ્રાય કરો. બધે જ થેપલા અને પનીર નાં શોધાય. આપને ઘરે પાછા આવીએ એટલે એ તો આપને રોજે જ છે!

Subscribe for our new stories / Poem

સુશાંત ધામેચા

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com