Navalkatha - Read Stories, Poems And News

ત્રણ ના ટકોરે ૧૦

“તો પછી તમે કંઈ કર્યું કેમ નહીં, અંકલ? ”

ડૉ. મિસ્ત્રી ના પ્રશ્ન નો હકાર મા જવાબ મળતા મીના જરા ઊતાવળી થઈ ગઈ. તેની સમજ મા એ ન્હોતું આવતું કે મેહુલભાઈ એ હેત્વી ની વાત ને સિરીયસલી કેમ નહીં લીધી હોય! મેહુલભાઈ મીના ના પ્રશ્ન નો જવાબ આપે એ પહેલાં ડૉ. મિસ્ત્રી મીના સામે નજર નોંધી થોડા કડક અવાજે બોલ્યા,

“અત્યારે ફક્ત હું પ્રશ્ન પૂછીશ અને મેહુલભાઈ જવાબ આપશે. એ સિવાય શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે. ”

ડૉ. મિસ્ત્રી નો કડપ જોઈ મીનાની દ્રષ્ટિ એકદમ જમીન પર જડાઈ ગઈ. બે – પાંચ સેકંડ એમજ ભારેખમ પસાર થઈ. પછી ડૉ. મિસ્ત્રી એ મેહુલભાઈ પર જાણે ત્રાટક કરતા હોય એમ ડાયરેક્ટ આંખો માં આંખ પરોવી બીજો પ્રશ્ન પૂછ્યો.

“હા તો મેહુલભાઈ, હેત્વી ની તકલીફ જાણ્યા પછી તમે શું રિસ્પોન્સ આપ્યો? ”

સ્હેજ ગળું ખંખારીને મેહુલભાઈ બોલ્યા,

“એમાં એવું છે ને સાહેબ, કે પહેલાં તો સમજાયું જ નહિં કે કેવી રીતે રીએક્ટ કરવું. થાકોડો, ટેન્શન, સ્ટ્રેસ… એવા બધા કારણો બતાવ્યા. પછી… મારી કરતાં શારદા પાસે વધારે ફરિયાદ કરતી, એટલે શારદાએ એક રસ્તો શોધી લીધો. જેટલી વાર હેત્વી ફરિયાદ કરે એટલી વાર શારદા તેની જોબ ના સ્ટ્રેસ ને નિમિત્ત બનાવી જોબ છોડવા સમજાવે. ”

આટલું કહી મેહુલભાઈ એ બધાના ચહેરા પર એક સરસરી નજર ફેરવી. ટીપોય પરથી ગ્લાસ લઈ એક ઘૂંટ પાણી પીધું. પછી ફરી વાત નું અનુસંધાન કર્યું.

“એક્ચ્યુઅલી, હેત્વી જોબ કરે તે વાત શારદા ને પહેલેથી પસંદ નહોતી. જ્યારે જોબ ચાલુ કરી ત્યારે આ બાબતે ખૂબ ચર્ચા થઈ હતી. છેવટે હેત્વી ની જીદ અને મારા આગ્રહ સામે તેને હથિયાર હેઠા મૂકવા પડ્યા. હેત્વી જોબ કરવા માંડી છતાં આજે પણ શારદા ની કોશિશ એવીજ હોય છે કે કોઈક રીતે હેત્વી તેની વાત માની જાય અને જોબ છોડી દે. એટલે જ જેટલી વાર હેત્વી ફરિયાદ કરે એટલી વાર શારદા તેને જોબ છોડવા સમજાવે. આનો ફાયદો એ થયો કે ધીમે ધીમે હેત્વી એ ફરિયાદ કરવાનું ઓછું કરી દીધું. ”

મેહુલભાઈ ની કેફિયત સાંભળી ને ડૉ. મિસ્ત્રી એ બે વખત ડાબે થી જમણે માથું હલાવ્યું. પછી એક નિ શ્વાસ સાથે બોલ્યા,

“ફાયદો? તમને અંદાજો પણ છે કે તમે અને તમારા મિસિસે શું કર્યું? તમે લોકોએ ઉત્સાહ થી થનગનતી તમારી જ છોકરી નો આત્મવિશ્વાસ સાવ તોડી નાંખ્યો. તમારી ભાષા મા કહું ને તો… ભાંગી ને ભૂક્કો કરી નાંખ્યો. અરે! નસીબદાર હોય એ માવતર કે જેના જુવાન સંતાન તેમની સાથે પોતાની લાગણી શેર કરે. ”

ડૉ. મિસ્ત્રી ની વાત સાંભળીને મેહુલભાઈનો ચહેરો ઓઝપાઈ ગયો. તેમના મનમાં પસ્તાવાની લાગણી વ્યાપી ગઈ. પોતાના શબ્દો ની ધારી અસર જોવા મળી એટલે ડૉ. મિસ્ત્રી એ સમજાવટના સૂરમાં આગળ કહ્યું,

“જુઓ મેહુલભાઈ, તમારા બંને ની બેદરકારીને કારણે હેત્વી ના મનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ, જેના કારણે તે મનમાં ને મનમાં મૂંઝાવા માંડી. એટલે સુધી કે તેના મિત્રો પાસે પણ તેણે મન હળવું ન કર્યું. એની ગુંગળામણની જરા કલ્પના કરી જુઓ… ”

ડૉ. મિસ્ત્રી એ નોંધ્યું કે મેહુલભાઈ ની આંખ ભીની થઈ રહી છે. એટલે લાગણીશીલતામાં વાત આડેપાટે ચડે એ પહેલાં તેમણે ટોપિક બદલ્યો.

“વેલ, જે થઈ ગયું તે થઈ ગયું. ફરગેટ અબાઉટ ઈટ. ટેલ મી, હેત્વી ની જોબ સામે શારદાબહેન ના અણગમાનું કોઇ ખાસ કારણ? ”

મેહુલભાઈ એ આંખો પટપટાવીને બધી ભીનાશ પાછી અંદર સમાવી લીધી. પછી ડાબે – જમણે માથું હલાવી જવાબ આપ્યો.

“કશું ખાસ નહીં. મોઢા પર તો એમજ કહે છે કે કાલ સવારે સાસરે જશે તો સવારમાં ઊઠી ને કોઈ એમ નહિ પૂછે કે કેટલા ડ્રેસ ડિઝાઇન કર્યા…. એમ ચોક્કસ કહેશે કે વહુબેટા, ચા મૂકજો. ”

બોલતા બોલતા અનાયાસે મેહુલભાઈ થી રમેશ સામે જોવાઇ ગયું. કારણ કે શારદાબહેન ને સમજાવવામાં એણે પણ ખૂબ મહેનત કરી હતી. ફરી ડૉક્ટર સામે જોઈને મેહુલભાઈ બોલ્યા,

“શારદું ભલે મોઢે નો કે’, પણ મને ખબર છે. હિતેશ ના ગયા પછી એનો જીવ અધૂરીયો થઈ ગ્યો છે. તેને સતત એક જ ચિંતા સતાવે છે કે હેત્વી ને પણ કાંઈ થઈ જશે તો… તેના મનનો આ અજંપો હેત્વી ને છૂટી નથી મૂકી શક્તો. એટલે જ તો ઘણું સમજાવ્યા છતાં હેત્વી માટે એક ટુ-વ્હીલર વસાવવાની પણ તે ના પાડે છે. કોલેજમાં પણ તે રમેશ સાથે જ જાય છે. અને જોબ માટે પણ જ્યારે હેત્વી ની સેફ્ટી ની ગેરેન્ટી રમેશે આપી, પછી નાછૂટકે તેણે સંમતિ આપી. ”

ડૉ. મિસ્ત્રી એ રમેશ સામે જોયું તો રમેશે હળવેક થી હકાર મા માથું હલાવી મૂક સંમતિ આપી. મેહુલભાઈ એ આ જોયું એટલે ક્ષણેક ના વિરામ બાદ ફરી બોલ્યા,

“પૂછી જુઓ રમેશ ને, તે જ્યારે પણ હેત્વી ને લેવા આવે ત્યારે એક ની એક શિખામણોનુ લાંબુલચ લિસ્ટ તેણે સાંભળ્યે છૂટકો… બોલ તો રમેશ, તને તો હવે ગોખાઈ ગ્યુ હશે નંઈ. ”

આ વખતે રમેશ ના ચહેરા પર એક નાનકડું સ્મિત આવી ગયુ. એ સાથે ડૉ. મિસ્ત્રી ના ચહેરા પર નો કડપ પણ ઓસરી ગયો અને બાકી બધા પણ હળવું હસી પડ્યા. વાતાવરણ હળવું થતાં મીના પણ પાછી નોર્મલ થઈ ગઈ એટલે મેહુલભાઈ ને પણ સારું લાગ્યું. અત્યાર સુધી તેમનો જીવ બળતો’તો કે જે છોકરી મારી હેત્વી માટે આટલું કરે છે તેને આમ ઠપકો સાંભળવો પડ્યો…

“ફક્ત રમેશ ને જ નહીં, મારે પણ દરવખતે સાંભળવું પડે છે. એનું પણ કારણ છે. અમારા ઘર પાસે ડીવાઇડર એટલું વિચિત્ર રીતે છે કે લોકો આખું ફરવા કરતાં રોંગ સાઈડમાં જવાનું વધુ પ્રિફર કરે છે. વળી, હાઈવે નજીક હોવાથી મોટી મોટી ટ્રકો નો ટ્રાફિક પણ ફુલ હોય છે. અને તમે તો જાણો છો સાહેબ, આ ટ્રક ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ….. કેટલું રફ! એકાંતરે દહાડે એક્સિડન્ટનાં બનાવ બનતાં જ હોય છે. પછી શારદું બિચારી ચિંતા નો કરે તો બીજું શું કરે! ”

ડૉ. મિસ્ત્રી ને લાગ્યું કે વાત ફરી ડાયવર્ટ થઈ રહી છે એટલે વિષયાંતર રોકવા ફરી પ્રશ્ન પૂછ્યો,

“ઓકે. લેટ્સ રીટર્ન ટુ ધ પોઇન્ટ…. જ્યારે હેત્વી ને તકલીફ ચાલુ થઈ તો તમે એને હિતેશ ની હકીકત કેમ ન જણાવી?”

“કેવી વાત કરો છો સાહેબ… ”

મેહુલભાઈ અધીરા થઈ બોલ્યા.

“ઊલ માં થી ચૂલ માં પડત તો બાવા ના બેય બગડત. ”

બોલતા તો બોલી જવાયું પણ બધાના એક્સપ્રેશન પરથી લાગ્યું કે કોઈ ને કંઈ સમજાયું નથી. એટલે મેહુલભાઈ એ કહ્યું,

“નો સમજાણું? જુઓ, હું સમજાવું. હેત્વી નું જીવન તકલીફ વગર શાંતિથી પસાર થાય એટલે અમે હિતેશ નું અસ્તિત્વ જ મિટાવી દીધું હતું. હેત્વી માટે પણ અને બાકી બધા માટે પણ. હવે અચાનક જ હિતેશ વિશે જણાવીએ તો શું થાય? તમે જ વિચારી જુઓ. એક તો બિચારી ઓલરેડી ડિસ્ટર્બ હોય એમાં આવું જાણવા મળે… ”

મેહુલભાઈ એ અનુભવ્યું કે બોલતાં બોલતાં તેમનો અવાજ જરૂર કરતા કંઈક વધારે જ મોટો થઈ ગયો છે એટલે વાત વચ્ચે થી જ અટકાવી ને તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો.

મેહુલભાઈ નું વ્યક્તિત્વ જનરલી શાંત અને મિતભાષી, પણ ક્યારેક લાગણી ના અતિરેક મા હાયપર થઈ જવાય, ત્યારે તેઓ આમજ ડીપ બ્રીધીંગ કરતાં અને પાણી ના ઘુંટડે ઘુંટડે પુનઃ લાગણીઓ પર કાબુ મેળવી લેતા. આજે પણ તેમણે એ જ કર્યું. જ્યારે તેમને લાગ્યું કે હવે તેમનો અવાજ ફરી નોર્મલ નીકળશે, ત્યારે બોલ્યા…

“બીજો અમારો એક અંગત સ્વાર્થ પણ હતો. આખા વર્ષ માં એક દિવસ માટે મળતો હિતેશ નો સહવાસ અમે ગુમાવવા નહોતા માંગતા. ”

“અને હેત્વી ની તકલીફ? ”.

ડૉ. મિસ્ત્રી બોલ્યા.

”જાણું છું સાહેબ. એ પણ સહન નોતી થતી. મેં કહ્યું એમ એની માટે ડૉક્ટર પણ બોલાવ્યા, પણ… ”

મેહુલભાઈ એ હતાશા સાથે માથું હલાવ્યું.

“જુઓ મેહુલભાઈ, મને લાગે છે કે જનરલ પ્રેક્ટીશનર ને બદલે તમે કોઈ સાઇકીયાટ્રીસ્ટ ને કન્સલ્ટ કર્યા હોત તો…”

”સાવ સાચી વાત તમારી, સાહેબ. આ જુઓ… ”

મેહુલભાઈ એ પોકેટમાંથી એક નાનકડી ડાયરી બહાર કાઢી ને ડૉ. મિસ્ત્રી ને આપી. ડૉ. મિસ્ત્રી એ જોયું તો એમા આખા શહેરના બધાં સાઇકીયાટ્રીસ્ટ ના નામ, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર લખેલા હતાં. પહેલા ચાર નામ સામે નિશાની કરેલી હતી અને પાંચમા ક્રમે તેમનું પોતાનું નામ હતું… ડૉ. મિસ્ત્રી.

તેમણે મેહુલભાઈ સામે સૂચક દ્રષ્ટિએ જોયું એટલે મેહુલભાઈ બોલ્યા,

“આ ચાર ડોક્ટરો નો સંપર્ક સાધી ચૂક્યો છું. બધાએ એક જ વાત કરી કે હેત્વી ને પર્સનલી મળ્યા પછી જ કંઈ પણ કહી શકાય. હેત્વી ને મારે કશું પણ જણાવવું નહોતું એટલે વાત આગળ વધતી નહોતી. હવે હું તમારોજ કોન્ટેક્ટ કરવાનો હતો. જુઓ નસીબ ની બલિહારી, હું તમારી પાસે આવું એ પહેલાં હેત્વી તમારી પાસે આવી ગઈ અને કુદરત નું કરવું તે તમે હેત્વી ની મદદ પણ કરવા માંડ્યા. મને ભગવાન પર પૂરો ભરોસો છે. આ પરિસ્થિતિ એણે જ ઉભી કરી છે અને એનો રસ્તો પણ એ જ કાઢશે. ”

ડ્રોઇંગરૂમમાં હાજર બધા એક ધ્યાન થી મેહુલભાઈ ની વાત સાંભળી રહ્યા હતા. પણ, મેહુલભાઈ ને જાણે બોલવાનો થાક લાગ્યો હોય એમ આંખો બંધ કરીને સોફાબેક પર માથું ઢાળી દીધું. સમય વર્તીને મિસિસ મિસ્ત્રી પાણી નો જગ લઈ આવ્યા. તેમણે મેહુલભાઈનો ગ્લાસ ફરી થી ભરી દીધો.

બે મિનિટ એમજ પસાર થઈ. ફરી મેહુલભાઈ એ પાણીનો ઘુંટડો ભરી બોલવાનું ચાલુ કર્યું.

“આમાં તો કેવું સાહેબ, ટ્રાયલ એન્ડ એરર મેથડ જ અપનવવાની હતી. બે વર્ષ પહેલાં હિતેશ સ્વરૂપે હેત્વી નો તરફડાટ જોયો, ત્યારે તો અમે બંને તદ્દન અસહાય હતા. માત્ર જોઇ રહેવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો અમારી પાસે. અને એટલે જ ગયા વર્ષે અમે ડૉક્ટર ને હાજર રાખ્યા હતા, છતાં કોઈ ફાયદો થયો નહીં. આ વર્ષે પણ… ”

મેહુલભાઈ એ ડાયરી દર્શાવી.

“આશા છે કે આ વર્ષ તેની પીડા નું છેલ્લું વર્ષ હોય. છતાં… જેવી ઉપરવાળાની મરજી… ”

“જુઓ મેહુલભાઈ, હતાશ થવાની જરૂર નથી. આ વર્ષ ચોક્કસ હેત્વી ની પીડા નું છેલ્લું વર્ષ બની રહેશે. પણ એ માટે મારે હિતેશ ને પણ મળવું પડશે. ”

ડૉ. મિસ્ત્રી ની વાત સાંભળી બધાની આંખોમાં ચમક આવી ગઈ. તેઓ બધા પણ હિતેશ ને મળવા આતુર હતા. પણ મેહુલભાઈ ના મનમાં એક જ સવાલ રમતો હતો કે આ કેવી રીતે શક્ય બનશે?

—————-

ઓપરેશન થિયેટર… લાલ રોશની થી ઝગમગતું બોર્ડ બધાની આંખો માં અંકાઈ ગયું હતું. એક સાથે કેટલીય નજરો એ બોર્ડ નીચેના દરવાજા પર જડાઈ ગઈ હતી…. છેલ્લા ચાર કલાક થી!

હા, ચાર કલાક… પૂરા ચાર કલાક થી હેત્વી ઓપરેશન થિયેટરમાં હતી… જુદાજુદા ક્ષેત્રોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ની ટીમ મથી રહી હતી એક્સિડન્ટમા થયેલી ઈજાઓની ભરપાઈ કરવા. નર્સોની આવન જાવન સતત ચાલુ હતી. દર પંદર – વીસ મિનિટે નવું પ્રિસ્ક્રિપ્શન હાથ માં આવતું અને રમેશ ફાર્મસી ડિપાર્ટમેન્ટ તરફ દોટ મૂકતો. તેના મનમાંથી અપરાધ ભાવ કેમેય કરીને જતો નહોતો. કેટલીય વાર તે શારદાબહેન અને મેહુલભાઈ ની માફી માંગી ચૂક્યો હતો, પણ…

મેહુલભાઈએ દરવખતે એક જ જવાબ આપ્યો,

“જે થવાકાળ હતું તે થઈ ગયું. એમાં તારો વાંક નથી બેટા, પરિસ્થિતિ મને ખબર છે. એક્સિડન્ટ મેં નજરે જોયો છે. તે તો તારા તરફથી પૂરતી કોશિશ કરી હતી. પણ નસીબ મા માંડ્યું હોય ઈ થોડું બદલાય? ”

ખભો થપથપાવીને મેહુલભાઈ એ કહેલા શબ્દો થી પણ રમેશ નું મન શાંત નહોતું થયું. શાંત તો મેહુલભાઈ નું મન પણ ક્યા હતું? શુક્રવારે રાત્રે ડૉ. મિસ્ત્રી ના ઘરેથી નીકળ્યા પછી બધી ઘટનાઓ ખૂબ ઝડપથી બનતી ગઈ. ઓપરેશન થિયેટર નો દરવાજો જાણે ટીવી સ્ક્રીન હોય તેમ બધી ઘટનાઓ એક પછી એક તાદૃશ થઈ રહી હતી મેહુલભાઈ ની નજર સામે!

“” “” “” “” “” “” “”

“મારે હિતેશ ને મળવું પડશે… ”

ડૉ. મિસ્ત્રી ના શબ્દો મેહુલભાઈ ના કાનમાં પડઘાઈ રહ્યા. શું કરવું… કેમ કરવું… પહેલા તો કશું સમજાયું જ નહીં. પણ જેમ જેમ ડૉ. મિસ્ત્રી એ પોતાની યોજના સમજાવી તેમ તેમ સૌના ગળે વાત ઉતરતી ગઈ. છતાં મેહુલભાઈ હજુ શ્યોર નહોતા… પણ… ડૉ. મિસ્ત્રી પર ભરોસો મૂક્યા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં હતો!

“” “” “” “” “” “” “” “” “”

સી સી ટીવી ની સ્ક્રીન પર જુદા જુદા એંગલ્સ કવર કરીને એક આખો રૂમ દેખાતો હતો. એક પણ ખૂણો દ્રષ્ટિ થી ઓઝલ નહોતો. હા, એ વાત અલગ છે કે રૂમમાં અત્યારે અંધકાર છવાયેલો હતો, ગાઢ અંધકાર. ડૉ. મિસ્ત્રી એ બધાજ કેમેરા નાઇટ મોડ પર રાખ્યા હતા એટલે આટલા અંધારામાં પણ બધીજ હિલચાલ સ્પષ્ટ જોઈ શકાતી હતી.

શનિવાર નો આખો દિવસ બધું સેટ અપ કરવામાં જ ગયો. હેત્વી ને આખો દિવસ બીઝી રાખવાની જવાબદારી મીના ને સોંપવામાં આવી. જેવી મીના હેત્વી ને લઈને ગઈ કે તરતજ રમેશે મેહુલભાઈ ની પરવાનગી સાથે, ડૉ. મિસ્ત્રી ના ગાઈડન્સમા, જુદા જુદા એંગલ સેટ કરી મેહુલભાઈ નું આખું ઘર કવર કરી લીધું. સી સી ટીવી ની સ્ક્રીન રમેશ ના ઘરે ગોઠવી દીધી હતી. પ્લાન એવો હતો કે રમેશ ના ઘરેથી ડૉ. મિસ્ત્રી હેત્વી ની બધી જ હિલચાલ પર નજર રાખી શકે અને જરૂર પડે તરતજ હેત્વી ની મદદ માટે હાજર થઈ શકે. બધું સેટ થઈ ગયું એટલે રમેશે મીના ને મિસ્ડકૉલ આપ્યો, જે સિગ્નલ હતું ઓલ સેટ નું. હવે મીના ગમે ત્યારે હેત્વી સાથે પરત આવી શકે…

બરાબર દસ વાગ્યે હેત્વી અને મીના કાબરની જેમ કલબલ કલબલ કરતી ઘરમાં આવી. રસોડામાં વાસણ ઉટકતા શારદાબહેન ની સાડીનો પાલવ ખેંચી ને અટકચાળો કરતાં કરતાં હેત્વી બોલી,

“મજ્જા આવી ગઈ આજે તો. વ્હોટ અ વન્ડરફુલ ડે ઈટ વોઝ! ખબર છે આજે કેટલું બધું ફર્યા? થાકી ને ઠેં થઈ ગયા. આ મીનુડીએ તો ચલાવી ચલાવી ને પૂરો કસ કાઢી નાંખ્યો. ”

લ્હેરમાં આવી જઈ ને હેત્વી એ શારદાબહેન ને બાવડે થી પકડીને ગોળ ફુદરદી ફરવા માંડી.

“અલી ગાંડી છોકરી, જરા જો તો ખરી. મારા હાથ સાબુવાળા છે. આ બધે છાંટા ઉડ્યા. ”

શારદાબહેન બાવડું છોડાવતા બોલ્યા. પછી હાથ ધોઈ, પાણી નો ગ્લાસ મીનાને આપતાં પૂછ્યું,

“કેમ મીના, એવા તે કેવા જલસા કરી લીધા એક દિવસમાં? ”

શારદાબહેન ના હાથમાંથી ગ્લાસ લઈને મીના એક જ ઘુંટડે પી ગઈ. વાતાવરણમાં ઓગળેલો અજંપો તે અનુભવી શકતી હતી. આજે સવારથી જ તે હેત્વી સાથે હતી અને નોર્મલ હોવાનું નાટક કરતાં કરતાં તે હવે થાકી ગઈ હતી. તેને એક નાનકડા બ્રેક ની જરૂર હતી. એટલે એકશ્વાસે પાણી પીધા પછી તે બાથરૂમ તરફ દોડી ગઈ. શારદાબહેન નો સવાલ એમજ હવામાં તરતો રહી ગયો.

શારદાબહેન ફરી હેત્વી ને સંબોધીને બોલ્યા,

“અલી, ચકલી ની જેમ ચૈડ ચૈડ જ કર્યા કરીશ કે કાંઈ બોલીશ પણ ખરી? ”

ત્યાં જ મેહુલભાઈ પણ આવી ગયા. હેત્વી ને ખુશ જોઇને તેઓ પણ આનંદિત થઈ ગયા.

“ઓહો! મારી ચકલી તો બવ ખુશ છે ને કાંઈ! કેવું રહ્યું આઉટિંગ? ”

“જબ્બરદસ્ત પપ્પા. ”

પોતાની માટે લીધેલો પાણીનો ગ્લાસ મેહુલભાઈ ને આપતા હેત્વી બોલી.

“પહેલા તો બસ પકડી ને સીધા ગાંધીનગર. ત્યાંથી રીક્ષામાં અક્ષરધામ મંદિર… શું મંદિર બનાવ્યું છે! કેટલું ભવ્ય! અનુપમ…. અદ્વિતીય….. આહા! ”

“બવ ચાંગલું ચાંગલું બોલવા માંડી ને કાંઈ… ”

એટલી વારમાં મીના પણ ફ્રેશ થઈ ને આવી ગઈ. પછી તો એણે પણ હેત્વી ના સૂર માં સૂર મેળવી અક્ષરધામ મંદિર ના ગુણ ગાવા માંડ્યા. કલાકેક સુધી આમજ વાતો થતી રહી. પછી શારદાબહેને કહ્યું,

“મીના, તે કીધું તો આખો દિવસ હેત્વી ને તારી સાથે મોકલીને. તો જો, હવે આટલું મોડું થઈ ગયું છે તો રાત અહીં જ રોકાઈ જા આમ પણ કાલે રવિવાર જ છેને. ”

“હું તો રોકાઈ જાઉં, પણ પપ્પા પાસે પરમિશન… ”

મીના હજી પૂરું બોલે એ પહેલા મેહુલભાઈ એ મીના ના ઘરે ફોન પણ કરી દીધો અને પરમિશન પણ લઈ લીધી.

બધું ધાર્યા પ્રમાણે થઈ રહ્યું હતું. સૌ પોતપોતાનો પાઠ બરાબર ભજવતા હતા. હેત્વી ને જરા પણ શંકા ન ગઈ કે સવારથી જે કંઈ બની રહ્યું છે તે બધું જ પૂર્વ આયોજિત છે. સવારના પહોરમાં મીના નું અચાનક આવી ચડવું , હેત્વી ને ફરવા માટે સાથે લઈ જવા જીદ કરવી અને સૌથી મહત્વનું, મમ્મીએ મંજૂરી આપી…. હેત્વી ને નવાઈ તો લાગી, પણ ફરવા જવાના હરખમાં એ અજુગતી લાગણી નજરઅંદાજ થઈ ગઈ.

વાતમાં ને વાતમાં બાર ક્યાં વાગી ગયા ખબર જ ન પડી. પછી બધા સૂઈ ગયા. મીના હેત્વી સાથે તેના રૂમમાં સૂતી. અહીં બધા સૂઇ ગયા અને ત્યાં, રમેશ ના ઘરે ડૉ. મિસ્ત્રી અને રમેશ જાગૃત થઈ ગયા. બંને નું સંપૂર્ણ કોન્સન્ટ્રેશન સ્ક્રીન પર હતું. ભુલથી પણ ઊંઘ ન આવે તેની બધી વ્યવસ્થા રમેશે કરી હતી. ચા નું થરમોસ ભર્યું, નાસ્તા ના ડબ્બા સાથે રાખ્યા, દર અડધા કલાકે એલાર્મ વાગે એવી વ્યવસ્થા કરી, ધીમા અવાજે ડિસ્કો સોંગ ચાલુ કરી દીધા, મનગમતી નોવેલ સાથે રાખી…. અને ડૉ. મિસ્ત્રી – તેમના હાથમાં એકજ વસ્તુ હતી… એક દળદાર ફાઈલ, જેની ઉપર નામ લખેલું હતું – મિસિસ રાગિણી ખન્ના.

ડૉ. મિસ્ત્રી અને રમેશ બંને પોતપોતાની રીતે ઊંઘને ખાળી રહ્યા હતા. બરાબર રાતના પોણાત્રણ વાગ્યા અને હેત્વી ના રૂમમાં હરકત થઈ. રૂમમાં અંધારપટ હોવા છતાં નાઈટમોડ ઓન હોવાથી બધી જ ગતિવિધિ કેમેરા માં કેદ થઈ ગઈ.

ડૉ. મિસ્ત્રી અને રમેશ એકદમ સાવધ થઈ ગયા. ઝીણી આંખે સ્ક્રીન પર તાકી રહ્યા. તેમણે જોયું કે હેત્વી તેની પથારી માં બેઠી થઈ ગઈ છે. રૂમમાં ગોઠવેલા માઇક્રોફોન દ્વારા હેત્વી ના ધીમા ડુસકાં ડૉ. મિસ્ત્રી સુધી પહોંચી ગયા. હેત્વી થોડી વાર એમજ રડતી રહી. તેના છુટ્ટા વાળ વિખેરાઈને તેના ચહેરા પર ફેલાઈ ગયા હતા. તે ધીમેથી બેડ ઉપરથી ઊભી થઈ અને કબાટ પાસે ગઈ. તેની ચાલ થોડી વિચિત્ર લાગતી હતી. કબાટમાંથી કશુંક લઈ તે અટેચ્ડ બાથરૂમમાં ગઈ.

હેત્વી બહાર ન આવે ત્યાં સુધી રાહ જોવા સિવાય રમેશ અને ડૉ. મિસ્ત્રી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કારણ કે બાથરૂમ માં કેમેરા ફીટ નહોતા કર્યા.

આમ ને આમ રાહ જોવામાં સાડાત્રણ થઈ ગયા. ફરી હરકત થઈ. બાથરૂમ નું બારણું ખૂલ્યું અને….

આ શું? હેત્વી બાથરૂમ માં ગઇ ત્યારે નાઈટ ગાઉન માં હતી અને બહાર આવી ત્યારે…
” “” “” “” “” “” “” “” “” “” “

Subscribe for our new stories / Poem

અમિષા શાહ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com