Navalkatha - Read Stories, Poems And News

ત્રણ ના ટકોરે ૧૧

બાથરૂમ નો દરવાજો ખૂલ્યો એ સાથે જ આખાય રૂમમાં આછું અજવાળું ફેલાઈ ગયું. દરવાજામાંથી બહાર નીકળેલી વ્યક્તિ ને જોઈને ડૉ. મિસ્ત્રી અને રમેશ બંને અવાક્ થઈ ગયા. જીન્સ નુ પેન્ટ, ઢીલોઢાલો ફુલ સ્લીવ શર્ટ, સ્હેજ ત્રાંસી ટોપી અને ટોપી ની અંદર છુપાઈ ગયેલા લાંબા વાળ… બસ બે ચાર સેકંડ, પછી તો બાથરૂમ નો દરવાજો અને લાઇટ બંને બંધ થઈ ગયા. ફરી રૂમમાં અંધારપટ છવાઈ ગયો. છતાં કેમેરા ની તીક્ષ્ણ દ્રષ્ટિ એક એક હિલચાલ ઝીલતી હતી.

ડૉ. મિસ્ત્રી એ નોંધ્યું કે એ ઓળો પલંગ પાસે જઈને સ્હેજ ખચકાયો, પછી પલંગ પરથી બ્લેન્કેટ લઇ દિવાલના ટેકે બેઠા બેઠા જ સૂઈ ગયો. ત્યારબાદ ક્યાય સુધી કોઇ જ હિલચાલ ન થઈ. આ બાજુ રમેશ ને પણ ઝોકાં આવવાના ચાલું થઈ ગયા હતા. તેની જાગતા રહેવાની નિષ્ફળ કોશિશો જોઈને ડૉ. મિસ્ત્રી એ તેને થોડી વાર આરામ કરવાનું સૂચવ્યું અને પોતે જાગતા રહેવા માટે મિસિસ ખન્ના ની ફાઇલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ફાઈલ ની સાથે સાથે એક નાનકડી પોકેટ ડાયરી પણ ડૉ. મિસ્ત્રી ના હાથમાં હતી, જેમાં મિસિસ ખન્ના ને લગતી મહત્ત્વની વિગતો તેઓ નોંધતા હતા. ડૉ. મિસ્ત્રી એ પોકેટ ડાયરી મા જરૂરી વિગતો નોંધીને ફાઈલ બંધ કરી. હવે તેમને ફાઈલ ની જરૂર નહોતી. મોટી દળદાર ફાઈલ એક નાનકડી ડાયરી મા સમાઈ ગઈ હતી. ડૉ. મિસ્ત્રી એ શરૂઆત થી ડાયરી વાંચવાનું ચાલુ કર્યું.

મિસિસ રાગિણી ખન્ના… ઉંમર વર્ષ ૨૫…
સિમ્પટમ્સ ઓફ એક્યુટ ડિપ્રેશન વીથ સ્યુસાઇડ મેન્ટાલીટી…
થોડા થોડા ટાઈમે જુદી જુદી શારિરીક તકલીફો…
ઇલાજ કરવા છતાં પરિણામ શૂન્ય….
થોડા સમય પછી આપમેળે તકલીફ દૂર થવી…
અને પછી મોટા અક્ષરે છેલ્લી નોંધ હતી,
કન્ટેમ્પ્ટ સ્યુસાઇડ આફ્ટર મિસકેરેજ…

ડાયરી ની સાથે કેટલાક ફોટો પણ હતા – મિસિસ ખન્ના એ વ્હાઇટ રૂમની દિવાલ પર પોતાના લોહી થી જે ચિત્રો બનાવ્યા હતા તેના… ડૉ. મિસ્ત્રી માટે એ ચિત્રો હજુ વણઉકેલ્યા હતા. જોકે હજી મિસિસ ખન્ના સાથે ફેસ ટુ ફેસ વાત પણ ક્યા થઈ હતી! હજુ તો મિસિસ ખન્ના ના ઝનૂન ને બહાર કાઢવાનું કામ ચાલુ હતું. એક વાર અંદર ધરબાયેલી બધી લાગણીઓ બહાર ઠલવાઈ જાય, મિસિસ ખન્ના એકદમ હળવા થઈ જાય, પછી જ કાઉન્સેલિંગ ના સેશન્સ નુ યોગ્ય રીઝલ્ટ મળે. ત્યા સુધીમાં ડૉ. મિસ્ત્રી માટે જરૂરી હતું કે મિસિસ ખન્ના નો સંપૂર્ણ ભુતકાળ જાણી લે… લગ્ન પછી નો અને લગ્ન પહેલાંનો પણ…

***********

ઉષાના રંગોથી આકાશમાં રંગોળીની અવનવી ભાત પડી હતી. એકદમ ખુશનુમા વાતાવરણ હતું. સુરજના કિરણો હળવે હળવે સમગ્ર પૃથ્વી પર પોતાનું આધિપત્ય જમાવવાની કોશિશ માં હતા. બસ, એવા જ સમયે અચાનક મીનાની આંખ ખૂલી ગઈ. તેણે બાજુમાં જોયું તો હેત્વી ત્યાં નહોતી. એક ઝાટકા સાથે તે બેઠી થઈ ગઈ. આછા અજવાસ માં તેણે દિવાલના ટેકે કોઈ યુવકને સુતેલો જોયો. તેની ડોક નીચે નમેલી હતી અને મીના માત્ર ટોપી જોઈ શકી. પહેલા તો મીના રૂમમાં કોઈ યુવકને જોઈને ડઘાઈ ગઈ અને પછી દોડતી શારદાબહેન ને ઊઠાડવા ગઈ.

હેત્વી ના રૂમ માં થી બહાર નીકળે એટલે એક નાનકડો
પેસેજ આવે કે જેની એક બાજુ મેઇનડોર હતો તો બીજી બાજુ ડ્રોઇંગરૂમ. ડ્રોઇંગ રૂમમાં બીજો એક દરવાજો હતો જે બાલ્કની મા ખૂલતો હતો. બાલ્કની હેત્વી ના રૂમ ને સમાંતર હતી. બરાબર સામે ની તરફ ડાઇનિંગ ટેબલ અને તેની પાછળ રસોડું. ડાઇનિંગ ટેબલ અને રસોડાની વચ્ચેથી બીજો એક પેસેજ હતો જેના બીજા છેડે મેહુલભાઈ અને શારદાબહેન નો બેડરૂમ હતો. હેત્વી ના રૂમ થી બીજા બેડરૂમ સુધી પહોંચવાના એ વીસ ડગલાં મીના ને બહુ લાંબા લાગ્યા. એ બે મિનિટ જાણે બાર મિનિટ જેટલી લાંબી બની ગઈ! મીના દોડતી ગઈ તો ખરી, પણ બંધ બારણું જોઈને તેના પગને બ્રેક લાગી ગઈ. તેણે ધીરે થી દરવાજા પર નોક-નોક કર્યું. એ સાથે જ શારદાબહેને દરવાજો ખોલ્યો. કેમ જાણે દરવાજો ખખડવાની રાહ જોઈને ન બેઠા હોય!

દરવાજા માં શારદાબહેન ને જોઈને મીના નો સંકોચ કંઈક અંશે દૂર થયો, પણ હજીય તેના શબ્દો તેને સાથ નહોતા આપતાં. તે વારંવાર પાછળ જોતી હતી અને હાથથી હેત્વી ના રૂમ તરફ ઇશારો કરતી હતી. શારદાબહેન સમજી ગયા કે હિતેશ આવી ગયો છે….

મીના ની હાલત જોઈ મેહુલભાઈ પણ તેને શાંત કરવા બહાર આવ્યા. મીના સ્ટેબલ થઈ પછી ત્રણેય જણાં હેત્વી ના રૂમ તરફ ગયા. હળવે રહીને દરવાજો ખોલ્યો તો હિતેશ હજુ પણ એમજ બેઠા બેઠા સૂતો હતો. શારદાબહેને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો, એ સાથે જ હિતેશે આંખ ખોલી અને સૌથી પહેલું કામ ટોપી સરખી કરવાનું કર્યું. શારદાબહેને એ જ મૃદુ સ્મિત સાથે પૂછ્યું,

“આવી ગયો બેટા? ક્યારે આવ્યો? ”

“બસ, રાત્રે જ. ”

મીના ના આશ્ચર્ય વચ્ચે હેત્વી નો અવાજ પૌરૂષી સંભળાયો. તે મનોમન પોતાની જાતને એક પછી એક સરપ્રાઇઝ માટે તૈયાર કરી રહી.

હજી રૂમમાં આછું અંધારું હતું. મેહુલભાઈ એ લાઈટ ચાલુ કરી અને અચાનક થયેલા પ્રકાશ ને કારણે હિતેશે પોતાની આંખો ઢાંકી દીધી. એ સાથે તેનો ચહેરો પણ તેના હાથ પાછળ ઢંકાઈ ગયો. પ્રકાશ થી ટેવાઈ જતાં હળવે રહીને હિતેશે હાથ ખસેડ્યો અને મીના એ તેનો ચહેરો જોયો.

મીના ની આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ. આ શુ? રંગે રૂપે એકદમ હેત્વી જેવો ચહેરો પણ… આછા દાઢી અને મૂછ…. જાણે મૂછનો પહેલો દોરો ફૂટયો હોય એવા!

આશ્ચર્ય તો મેહુલભાઈ અને શારદાબહેન ને પણ એટલું જ થયું કારણ કે હિતેશ ના ચહેરા પર દાઢી-મૂછ નો અણસાર તો આ વખતે પહેલીજ વાર આવ્યો હતો. ગયા વર્ષ સુધી તો માત્ર પહેરવેશ બદલાતો. પરંતુ આજનો આ બદલાવ તેમની ધારણા બહાર નો હતો. વળી, શારદાબહેન એક સ્ત્રી તરીકે હેત્વી માટે વધુ ચિંતિત બન્યા, પણ અત્યારે તેમણે પોતાની જાતને નોર્મલ રાખવાની પૂરી કોશિશ કરી.

આ સિવાય સી સી ટીવી સામે તકાયેલી ચાર આંખો પણ અચરજમા ડૂબી ગઈ હતી. ડૉ. મિસ્ત્રી નો જમણો હાથ તેમની જાણ બહાર જ માથું ખંજવાળવા માંડ્યો હતો. ધીમે ધીમે જમણા હાથે વાળ છોડી ને કાન પર પક્કડ જમાવી. આખો કાન મસળાઈને લાલચોળ થઈ ગયો. પછી ડૉ. મિસ્ત્રી એ ‘હેત્વી’ લખેલી ડાયરી પોકેટમાંથી કાઢી ને આ બાબત નોંધી અને સાથે લાવેલી રેફરન્સ બુક નો આશરો લીધો. સાથે જ રમેશ ને સ્ક્રીન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સુચના આપી. એક પણ સેકન્ડ ધ્યાન બહાર રહી જાય તે પાલવે એમ નહોતું.

રમેશ નું સંપૂર્ણ ધ્યાન સ્ક્રીન પર જ હતું. જુદા જુદા કેમેરા ને કારણે એક પણ ખૂણો તેના ધ્યાન બહાર નહોતો. વળી, માઇક્રોફોન ના કારણે તે સહેલાઈથી બધું જ સાંભળવા સક્ષમ હતો. ડૉ. મિસ્ત્રી ના ફર્ધર રેફરન્સ માટે બધું રેકોર્ડ પણ થતું હતું.

રમેશ એક એક શબ્દ ધ્યાન થી સાંભળતો હતો. મીના મૂકપ્રેક્ષક બનીને ઊભી હતી. મેહુલભાઈ, શારદાબહેન અને હિતેશ વચ્ચે વાતચીત ચાલુ હતી. તેમના શબ્દે શબ્દે આશ્ચર્ય નુ પ્રમાણ વધી રહ્યું હતું. રમેશ ને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો…

“અરે બાપુ, આમ અચાનક લાઈટ ચાલુ કરાય કે? ”

હિતેશ અકળાઈ ને બોલ્યો. સામે મેહુલભાઈ એ હસતા હસતા જવાબ આપ્યો..

“ઓ મારા લાલા, વર્ષે એકવાર માંડ તારૂ મોઢું જોવા મળે છે. એમાંય તુ રાત્રે છાનોછપનો આવી ને સૂઈ જાય! કેટલી વાર કહ્યું છે, જગાડતો હોય તો… ”

“એ તો તમારી ઊંઘ ન બગડે એટલે. બોલો, આ વખતે ક્યાં ફરવા જવું છે? ”

તેઓ દરવર્ષે હિતેશ ને લઈ અજાણ્યા સ્થળે જતા રહેતા એટલે હિતેશે લાગલું જ પૂછી લીધું. પણ આજે ડૉ. મિસ્ત્રી ની સુચના પ્રમાણે અહીં જ રહેવાનું હતું. શું જવાબ આપવો એ શારદાબહેન ને સમજાયું નહિ. પણ મેહુલભાઈ એ વાત સંભાળી લીધી.

“લાલા, આજે તો જોરદાર પ્રોગ્રામ બનાવ્યો છે. જો, તું થાકી ને આવ્યો છે તો અડધો દિવસ આરામ કર. આમપણ આજે આપણા ઘરે સ્પેશિયલ ગેસ્ટ આવવાના છે. બપોર પછી બધા સાથે મસ્ત ક્રિકેટ રમવા જઈશું. ડન? ”

“સ્પેશિયલ ગેસ્ટ? એ વળી કોણ? એન્ડ મમ્મા, આ મારા રૂમમાં કોણ ચિબાવલી સૂતી’તી? ખબર છે, આખી રાત બેઠા બેઠા કાઢી… આહ! મેરી કમર… ”

હિતેશ લહેકો કરતા બોલ્યો અને બધા હસી પડ્યા. અત્યાર સુધીમાં મીના પણ સ્ટેબલ થઈ ગઈ હતી. તે પણ મસ્તી ના અંદાજમાં બોલી,

“જા જા વાયડા, ચિબાવલી હશે તારી બહેન, મારૂ નામ મીના છે મીના.. શું? ”

“હવે હાલતીની થા., બવ વળી… મારી બહેન ને શું લેવા વચ્ચે લાવે છે? ”

બોલતા બોલતા હિતેશ શારદાબહેન તરફ ફરીને બોલ્યો,

“આ હેતુડી કેમ દેખાતી નથી? જ્યારે પણ હું આવું ત્યારે ગાયબ જ થઈ જાય છે… કેટલા વર્ષોથી મળી નથી! ”

ફરી મેહુલભાઈ એ વાત સાંભળી લીધી..

“લાલા, આજે તો હેત્વી પણ તને મળશે. અત્યારે કામ થી બહાર મોકલી છે પણ બપોર સુધીમાં આવી જશે. પછી આપણે સાથે જ ક્રિકેટ રમશું. ચાલ, હવે તુ ફટાફટ ફ્રેશ થઈ જા, મહેમાન આવતાં જ હશે. ”

મેહુલભાઈ ની વાત સાંભળીને શારદાબહેન અને મીના – બંને ના કાન ચમક્યા પણ મેહુલભાઈ એ આંખ ના ઈશારે બંને ને શાંત રહેવા જણાવ્યું. જેવો હિતેશ વોશરૂમ મા ગયો કે તરત જ મેહુલભાઈ અત્યંત ધીમા અવાજે બોલ્યા,

“ડૉ. મિસ્ત્રી એ કહ્યું છે. “

Subscribe for our new stories / Poem

અમિષા શાહ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com