Navalkatha - Read Stories, Poems And News

ત્રણ ના ટકોરે ૨

ખેર, એક્સિડન્ટનાં સંકટમાંથી ઊગર્યા બાદ બસ થોડેક જ આગળ ગઈ હશે કે તેના એક સાથે ત્રણ ટાયરમાં પંચર પડ્યું. જંગલનો વિસ્તાર હતો. એક બાજુ જંગલ ઓઢીને ઊભેલો પહાડ અને બીજી બાજુ મોં ફાડીને બેઠેલી ભુખાળવી ખીણ. અને બરાબર ઢોળાવવાળા રસ્તા પર પંચર પડ્યું હતું. નસીબજોગે ડ્રાઇવર પૂરેપૂરો સજાગ હતો આથી કોઈ મોટી હોનારત સર્જાઈ નહીં. બધા વિદ્યાર્થીઓને લઈને પ્રો. જે. કે. એમ. બસની બહાર આવ્યા. જેમની પાસે ટોર્ચ કે બેટરી જેવા સાધન હતા તે ચાલુ કરી, આજુબાજુમાંથી થોડા લાકડા લાવી તાપણું કર્યું. આખરે., આદિમાનવ પણ તો જંગલી જાનવરો થી બચવા આજ ઉપાય અજમાવતો હતો. જ્યારે અહીં તો બંને બાજુ મોતનો ભય હતો. ભયાવહ જંગલ થી સજ્જ પર્વત પર થી ગમે ત્યારે, ગમે તેના પર, ગમે તે જંગલી જાનવર ત્રાટકી શકે અથવા ભયના માર્યા કે અન્ય કોઈ કારણસર કોઈ ખીણમાં ગબડી પડે, તો બંને તરફનો રસ્તો છેવટે તો સૌથી ઉપર ની અને છેવટની મંઝિલ તરફ જ લઈ જતો હતો. અને તેથીજ પ્રો. જે. કે. એમ. અને સહપ્રોફેસર પ્રો. બી. સી. પી. દરેક વિદ્યાર્થી બાબત વધુ સાવધ હતા. આ સાવધાનીભર્યા ભયના ઓથાર હેઠળ જ તેમણે તાપણું સળગાવ્યુ હતું. સૌથી મોટી મુશ્કેલી તો એ હતી કે બસમાં સ્પેરવ્હિલ માત્ર એક જ હતું અને પંચર ત્રણ ત્રણ ટાયરમાં પડ્યા હતા. અને એટલે જ ડ્રાઇવર કોઈ લિફ્ટ ની રાહ જોતો હતો, જેથી તે કોઈ નજીક ના ગેરેજ પર પહોંચી સારા વ્હીલ ની વ્યવસ્થા કરી શકે. પરંતુ સદ્ભાગ્યે ડ્રાઇવર ને લિફ્ટ તો મળી ગઈ, પરંતુ નજીક માં નજીક નું ગેરેજ પણ ઘણું દૂર હતું. બધા જ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ તથા બસને સંભાળવાની જવાબદારી પ્રો. જે. કે. એમ. ને સોંપી ને પ્રો. બી. સી. પી. ડ્રાઇવર સાથે ગયા. એ જ સમયે બધાના આશ્ચર્ય વચ્ચે ફરી હેત્વી ની ચીસ સંભળાઈ. બધા જ ચમકી ગયા અને હેત્વી તરફ ગયા. પ્રો. જે. કે. એમ. સૌથી મોખરે હતા. તાપણાના ફીક્કા પીળા પ્રકાશમા તેમણે જોયું કે હેત્વી નો હાથ કોઇક દિશાસૂચન કરતો અકડાઈ ગયો છે, તે ધીરે ધીરે બેહોશ થઈ રહી છે અને રમેશ તથા મીના જેમતેમ કરીને તેને સંભાળી રહ્યા છે. હેત્વી એ કરેલ દિશાસૂચન તરફ જઈ ને જોયું તો વધુ એક આશ્ચર્ય નો ઝટકો પ્રોફેસરે અનુભવ્યો. ત્યા કંઈ જ નહોતું માત્ર ખાલી – સૂમસામ રસ્તો તેમની સામે હસતો હતો. હેત્વી પાસે આવીને પ્રોફેસરે રમેશ તરફ એક પ્રશ્નસૂચક દ્રષ્ટિ કરી. રમેશ ના જણાવ્યા મુજબ એક સિંહણ તેના બે નાનકડા બચ્ચા ને લઈને આ તરફજ આવી રહી હતી. કદાચ એ કોઈ શિકાર ની તાક મા હતી. અથવા કદાચ, તે તેના બચ્ચાને તાલીમ આપી રહી હતી. આખરે, પ્રાણી ના મનની વાત જાણવા મનુષ્ય અસમર્થ જ છે ને! કારણ ગમે તે હોય, પણ સિંહણ હુમલા ની તૈયારી માં હતી.

એકદમ ઝીણો ઘૂરકાટ… જાણે બચ્ચાંને સતર્ક રહેવાનો ઇશારો… ઝીણી આંખો થી જાણે ત્રાટક રચ્યું… આગળના બંને પગ ટટ્ટાર કરી પણછની જેમ પાછળ ખેંચેલું શરીર… બસ હુમલો થયો કે થશે… અને એજ ક્ષણે રમેશ નું ટોર્ચ લઈ ને આવવું…

સિંહણ ના ત્રાટક થી હેત્વી મૂઢ શી ઊભી હતી. રમેશ ટોર્ચ લઈ અંધારામાં, બધાથી દૂર ઉભેલી હેત્વી તરફ જતો હતો ત્યારે અચાનક તેનુ ધ્યાન હેત્વી થી થોડાક જ અંતરે ઉભેલી સિંહણ પર ગયું. અંધારામાં તગતગતી એ આંખો… રમેશે તરતજ સમયસૂચકતા વાપરી ટોર્ચ નો પાવરફૂલ પ્રકાશ એ આંખો માં નાંખ્યો. સિંહણ ની આંખો અંજાઈ ગઈ. તેનુ શરીર ઢીલું પડ્યું છતાં તે એક ડગલું આગળ વધી. અચાનક હેત્વી એ જોરદાર ચીસ પાડી અને સિંહણ હેબતાઈ ગઈ. વળી, હાથમાં સળગતા લાકડા સાથેનું લોકટોળું જોતાં તે ખરેખર ખાસિયાણી પડી ગઈ. વળી પોતાની સાથે રહેલા બે નાના સિંહબાળ… અને એટલે જ પ્રોફેસર અને અન્ય વિદ્યાર્થીઓ આવી પહોંચે એ પહેલાં તો સિંહણ જાણે છૂ-મંતર થઈ ગઈ. તેના બચ્ચા નો પણ કોઇ પત્તો નહોતો. રમેશ નું ધ્યાન હેત્વી તરફ ગયું તો તે ધીમે ધીમે બેહોશીની ઊંડી ખીણમાં ગરક થઈ રહી હતી. તે હેત્વી ને સંભાળે – ન સંભાળે ત્યાં તો મીના આવી પહોચી. અને થોડીક જ ક્ષણોમાં બાકી બધા પણ પહોંચી ગયા.

સિંહણ અને તેના બચ્ચા… ઓહ! સાંભળતાં જ રૂંવાડા ઉભા થઈ ગયા. ફરી બધાની નજર બેહોશ હેત્વી ના નિસ્તેજ ચહેરા પર મંડાઈ. એ નજરમાં એક કૃતજ્ઞતા ની લાગણી હતી. આજે બીજી વાર હેત્વી ને કારણે જ તેઓ એક મોટી ઘાતમાંથી ઊગરી ગયા હતા. આ બનાવ બાદ બધા વધુ સજાગ બન્યાં અને ટાઇમપાસ માટે કેમ્પ ફાયર માણવા લાગ્યા. આ બધી ધાંધલ ધમાલ મા સવાર ક્યારે થઈ અને સૂરજ ક્યારે ઉગ્યો, એની કોઈને ખબર ન પડી. અને બપોરે બાર વાગતા સુધીમાં વ્હીલ પણ રીપેર થઈ આવી ગયા. પ્રવાસ સુખરૂપ આગળ વધ્યો. રાતના ઉજાગરા ને કારણે પ્રોફેસરો સહિત બધા ઝોકે ચડ્યા હતા. રાતે બેહોશ થયા પછી ટૂંક સમય મા જ હેત્વી હોંશમા આવી ગઈ હતી. પણ તેના મનની ફડક હજુ બેઠી ન હતી. જ્યાં સિંહણ સાથે તેના બે બચ્ચા હતાં, ત્યાં તેને બીજું જ કંઈક દેખાતું હતું…. રમેશ અચાનક આગળની સીટ પર બેસેલી હેત્વી પાસે જઈ ચડ્યો, તો તેની હાલકડોલક મનઃસ્થિતિ સમજી ગયો. હોંશમા આવ્યા બાદ પણ હેત્વી ની મૂઢતા અને માનસિક અસ્વસ્થતા જોઇને રમેશે તેને કંઇ જ ન પૂછવાનું વધુ મુનાસિબ માન્યું. તે આ અંગે મીના પાસે થી જાણકારી મેળવવાનુ વિચારતો હતો, ત્યાં મીના જ હેત્વી ની પરિસ્થિતિ અંગે પૂછપરછ કરવા આવી અને બંને ભોંઠા પડ્યા.

************
પ્રો. જે. કે. એમ. અત્યંત પ્રતિષ્ઠિત પ્રોફેસર હતાં. સમગ્ર કોલેજ મા તેમની છાપ એક કડક પ્રોફેસર છતાં એક સજ્જન માણસ ની હતી. તે કડક હોવા છતાં અત્યંત દયાળુ સ્વભાવના હતા. તેમની મદદથી જ અનેક વિદ્યાર્થીઓ નો વિકાસ ગરીબી કે અન્ય કોઇ કારણોસર રૂંધાતો બચી શક્યો હતો. કેટલાક હોંશિયાર અને કંઈક કરી બતાવવાની ઈચ્છા – ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ મા પર્સનલ ઇન્ટરેસ્ટ લઈ જરૂરી માર્ગદર્શન આપતા. જરૂર પડે અને યોગ્ય જણાય તો આર્થિક અને સામાજિક રીતે એ વિદ્યાર્થીઓને મદદ પણ કરતા. આજથી ચાર વર્ષ પૂર્વે તેમણે પોતાની સજ્જનતા ના બળે તથા વિદ્યાર્થી પ્રત્યેના પ્રેમ ના જોરે કમલ અને સોનાક્ષી ની જિંદગી બરબાદ થતા બચાવી લીધી હતી.

કમલ – એક મધ્યમવર્ગીય છોકરો અને સોનાક્ષી – ઉચ્ચતર મધ્યમ વર્ગ ની છોકરી.કોણ જાણે બંને વચ્ચે કેવી રીતે મુલાકાત થઈ, કેવી રીતે દોસ્તી થઈ અને ક્યારે તથા કેવી રીતે એ દોસ્તી પ્રણય મા પરિણમી? પણ આ બાબત પ્રો. જે. કે. એમ. થી છૂપી ન રહી. કમલ ટી. વાય. મા અને સોનાક્ષી એસ. વાય. મા ભણતા હતા. બંને હોંશિયાર હોવાથી પ્રોફેસર ની નજરમાં તો હતાં જ. પરંતુ અચાનક બંનેમાં પરિવર્તન આવતુ જોઇ તથા બંને ના રિઝલ્ટ ડાઉન થતાં જોઇ તેમને શંકા પડી. તપાસ કરાવતાં એ શંકા એ હકીકત નું સ્વરૂપ લીધું. કમલ અને સોનાક્ષી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. અને એ જ કારણે તેઓ ભણતરમા પૂરૂ ધ્યાન આપી નહોતા શક્તા. પ્રોફેસરે બંનેમાં પર્સનલ ઈન્ટરેસ્ટ લીધો અને કોણ જાણે શું જાદુ કર્યો કે બંને એ બેચલર ડીગ્રી ન મળે ત્યાં સુધી એક બીજા ને ન મળવાનું વચન આપ્યું. અરે! બેચલર ડીગ્રી પછી માસ્ટર ડિગ્રી માટે ફોર્મ પણ ભર્યું અને બંને ડીગ્રી ફર્સ્ટ ક્લાસ વિથ ડીસ્ટીંક્શન મા મેળવી પણ ખરી. આજે તેમના એક બીજા સાથે અરેન્જ્ડ મેરેજ થઈ ગયા છે અને બંને સુખી પણ છે. તેમને આર્થિક કે સામાજિક રીતે કોઈ તકલીફ નથી. આ વર્ષે ફરી પ્રો. જે. કે. એમ. ની નજર હોંશિયાર વિદ્યાર્થી રમેશ તથા ગ્રેજ્યુઅલી હોંશિયાર થઈ રહેલી બહેનપણીઓ હેત્વી અને મીના ઉપર ઠરી હતી. પ્રોફેસર અજાણતાં જ તેમનામાં પર્સનલ ઇન્ટરેસ્ટ લેતા થયા હતા. આથી જ જ્યારે તેમણે જાણ્યું કે રમેશ, હેત્વી અને મીના ત્રણેય પીકનીકમા જવાના છે તો તેઓ પણ પીકનીકમા જવા રાજી થઈ ગયા હતા.

પ્રો.જે.કે.એમના આ વિદ્યાર્થી પ્રેમનું એક બીજું પણ કારણ હતું. તેમના આંધળાં વિશ્વાસને કારણે તેમનો એકનો એક જુવાનજોધ દિકરો રવિન ડ્રગ્સના રવાડે ચડીને મૃત્યુ પામ્યો હતો. એ આઘાત ન જીરવાતા તેમના પત્ની કમલાદેવી પણ સ્વર્ગે સીધાવ્યા હતા. અને ત્યારબાદ તેમની ઓળખ પ્રો. જે. ક્રિષ્નામૂર્તિ માંથી માત્ર પ્રો. જે. કે. એમ. બની ગઈ હતી. તેમણે આબાદ રીતે પોતાના બધાં જ જખમ હસતાં ચહેરા પાછળ છુપાવી દીધા હતાં. અને એ જખમની મલમપટ્ટીનું કાર્ય તેઓ અન્ય વિદ્યાર્થીઓને મદદ કરીને કરતા હતાં.

અત્યાર સુધીના પ્રવાસ દરમિયાન પ્રો. જે. કે. એમ. ને એટલો ખ્યાલ આવી ગયો હતો કે હેત્વી કંઈક એવી મુશ્કેલીમાં છે જે તે કોઇને કહી શક્તી નથી;અથવા કોઈ તેને સમજી શકતું નથી. તેમને એ પણ સમજાયું હતું કે રમેશ અને મીના પણ હેત્વીની મુશ્કેલીને સમજવાનો પ્રયાસ કરતાં હતાં પરંતુ નિષ્ફળ જતાં હતા. આ બધું સમજવા છતાં, જ્યા સુધી રમેશ, મીના કે હેત્વી – ત્રણમાંથી કોઈ તેમની પાસે આવે નહીં, કંઈ પૂછે નહીં, એટલેસુધી કે કોઈ ઇશારો કે અંદેશો પણ ન આપે, ત્યાં સુધી તે પોતે તેમને કંઈ પણ મદદ કરવા અસમર્થ હતા. અને આથીજ, અત્યાર સુધી ના પ્રવાસ દરમિયાન પ્રો. જે. કે. એમ. સતત હેત્વી, રમેશ અને મીના પ્રત્યે જાગૃત રહ્યા હતા.

**********

આખરે હસતાં રમતાં બધા રાતના નવ વાગ્યે માઉન્ટ આબુ પહોંચી જ ગયા. અહીં હોટેલ મા રાત પસાર કરીને સવારે વહેલા અંબાજી ના દર્શને જવાનો પ્રોગ્રામ હતો. હેત્વી, મીના, પારૂલ અને સીમા એક રૂમમાં હતા તો રમેશ ની સાથે સુંદર, રવિ તથા ભાવિક તેના રૂમમાં હતા. અન્ય બધા ને પણ ચાર – ચાર ના જોડકાંમાં રૂમદીઠ ફાળવવામાં આવ્યા હતાં. જયારે એક રૂમ બંને પ્રોફેસરો માટે ફાળવવામાં આવ્યો હતો. ડ્રાઇવર અને તેના સાથીદાર તો જાણે બસના જનમ-જનમના સાથી હોય એમ બસમાં જ સૂવા ઇચ્છતા હતા. ખેર! જેવી જેની ઈચ્છા…

રાતના દસ સુધીમાં તો બધાજ ફ્રેશ થઈ ને મુસાફરી નો થાક ઉતારવા આરામ થી લંબાવીને સૂઈ ગયા. બસ માત્ર ત્રણ રૂમમાંથી ડીમલાઇટનો પ્રકાશ આવતો હતો. રૂમ નં 102, 103 અને 104,જે અનુક્રમે રમેશ, હેત્વી અને પ્રોફેસર ના રૂમ હતા. રમેશ ના રૂમમાં તેના સિવાય બધા જ સૂઈ ગયા હતા. બીજી તરફ પ્રો. જે. કે એમ પણ જાગતા બેઠા હતા. જયારે હેત્વી તો શાંતિ થી, ગાઢ નિંદ્રામાં સરી પડી હતી. જેમ જેમ રાત્રી પસાર થતી હતી, તેમ તેમ નિંદ્રાદેવીનુ સામ્રાજ્ય ફેલાતું જતુ હતું. અને અચાનક….

…. અચાનક એક જોરદાર ધમાકો થયો અને રમેશ તથા પ્રોફેસર બંને હેત્વી ના રૂમ તરફ ધસ્યા. રમેશે રૂમનો દરવાજો ખટખટાવ્યો પરંતુ કોઇ પ્રતિક્રિયા થઇ નહીં. આથી તે મૂંઝાયો. તેણે કી-હોલ મા થી જોવાની કોશિશ કરી પણ તેમાંથી આછો ધુમાડો નીકળતો હતો. વળી, કંઈક બળવાની ગંધ પણ આવતી હતી. તે ગભરાઈ ગયો. તેના પગ પાણી પાણી થઈ ગયા. અને ખરેખર થોડી જ ક્ષણોમાં તેના પગે કોઈ પ્રવાહી વસ્તુ નો સ્પર્શ થયો. તે હાંફળો-ફાંફળો થઇ ગયો અને આજુબાજુ ત્વરિત મદદ માટે જોયું. પણ અફસોસ! કોઈ હાજર જ નહોતું. એટલે સુધી કે પ્રો. જે. કે. એમ. પણ ગાયબ હતા. તે હતાશ થઈ હજુ તો તેના રૂમ ભણી ફર્યો કે હાથમાં ચાવી ના ઝૂડા સાથે મેનેજર ને દોડી આવતા જોયા. પાછળ જ પ્રોફેસર પણ દોડતા હતા.

મેનેજરે બનતી ઝડપે રૂમ ખોલ્યો તો આખા રૂમમાં ધુમાડો ફેલાયેલો હતો. દરવાજા પાસે જ હેત્વી બેહોશ થઈને પડી હતી. તેના હાથમાંથી લોહી વહેતું હતું. પ્રો. જે. કે. એમ. આ પરિસ્થિતિ સંભાળે ત્યા રમેશ પ્રો. બી. સી. પી. તથા બાકી બધાને બોલાવી લાવ્યો. હેત્વી ને પ્રાથમિક સારવાર આપવામાં આવી. તેની રૂમમેટ્સ સખત ધુમાડા ની ગૂંગળામણ ને કારણે હાલ કશું પણ બોલી શકે તેમ નહોતી. પરિસ્થિતિ ધીમે ધીમે કાબૂ મા આવી રહી હતી. મેનેજરે જોયું કે કોઈ કારણસર શોર્ટ સર્કિટ થવાથી ધુમાડો ફેલાયો હતો. એટલો ભગવાન નો પાડ કે આગ લાગી નહોતી. બસ વધુ પડતો ધુમાડો બધાને ગૂંગળાવી ગયો. ડીમ લાઇટ પણ બુઝાઈ ગઈ હતી અને ધુમાડા ને કારણે કશું સ્પષ્ટ દેખાતું નહોતું. હેત્વી ના હાથે ઈજા થવાનું આ જ કારણ હશે એમ બધાએ માની લીધું.

પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂ મા આવતા દોઢેક કલાક જેટલો સમય ગયો. હવે તો મીના, પારૂલ અને સીમા પણ મહદ્ અંશે સ્વસ્થ થઇ ચૂક્યા હતા. તેઓ એ જણાવ્યું કે જ્યારે ઊંઘ ઉડી ત્યારે આખા રૂમમાં ધુમાડો – ધુમાડો હતો અને સખત ગૂંગળામણ થતી હતી. જો કે હેત્વી હજુ હોંશમા આવી નહોતી. લોહી સારા પ્રમાણમાં વહી ગયું હતું, છતાં પ્રાથમિક સારવાર બાદ તેની પરિસ્થિતિ સુધારા પર હતી. આ બધી મથામણ બાદ પ્રો. જે. કે. એમ. એ ઘડિયાળ મા જોયું તો સવારના પોણા પાંચ વાગ્યા હતા. આથી તેમણે બધાને તૈયાર થઈ બસમાં આવવાની સૂચના આપી. સાડા છ એ તો બસ અંબાજી ના મંદિર તરફ દોડવા માંડી હતી. હેત્વી પણ ઘણી સ્ટેબલ દેખાતી હતી.

રાતના બનાવ પછી હેત્વી અત્યંત ગૂમસૂમ થઈ ગઈ હતી અને બસ હાથ ના પાટા ને તાકી રહી હતી. રમેશે જાણવાની ઘણી કોશિશ કરી કે તે શું વિચારે છે તથા રાત્રે ખરેખર શું બન્યું હતું.. પણ બધાજ પ્રયત્નો વ્યર્થ…. અંબાજી સુધી ના પ્રવાસ દરમિયાન ન’તો હેત્વી કંઈ બોલી કે ન’ તો કોઈ મજાકમાં ભાગ લીધો. બસ સૂનમૂન બેસી રહી. અંબાજી ના દર્શન સમયે પણ એ જ પરિસ્થિતિ… કોઈપણ જાતના ઉત્સાહ વિના, યાંત્રિક રીતે તે લાઇન મા ઊભી રહી, દર્શન કર્યા, પ્રસાદ ચઢાવ્યો અને બાકીનો પ્રસાદ લીધા વગર જ આગળ વધી ગઈ. તેની આ વર્તણૂંક જોઇને મીના પણ તેની માટે ચિંતાતુર બની. બીજા વિદ્યાર્થીઓ દર્શન કરતા હતા ત્યારે મીના અને રમેશ હેત્વી અંગે પરસ્પર ચિંતા વ્યક્ત કરતા હતા.

રાતની બીના પર ફરી ફરી વિચારતા રમેશ ને ખ્યાલ આવ્યો કે પ્રો. જે. કે. એમ. પણ તેની સાથે જ… એજ ક્ષણે બહાર ધસી આવ્યા હતા… એટલે કે પ્રોફેસર સાહેબ ત્યારે જાગતા હતા. આમ વિચાર મા ને વિચાર મા તેણે એક નિશ્ચય કર્યો. એ નિશ્ચય તેણે મીના સમક્ષ રજૂ કર્યો તો એણે પણ કંઈક રાહત અને કંઈક ખુશી ની લાગણી અનુભવી.

એ આખો દિવસ અંબાજી પર અને નખીલેક મા પસાર થઈ ગયો. રાત્રે જ્યારે બધા સૂઇ ગયા, ત્યારે રમેશ અને મીનાએ પોતાનો નિર્ણય અમલમાં મૂક્યો. બંને બિલ્લીપગે પ્રોફેસર ના રૂમ પાસે ગયા. તેમણે જાણીજોઇને કરેલો આછો ખખડાટ સાંભળી પ્રોફેસર તરતજ બહાર આવી ને સીધા હેત્વી ના રૂમ તરફ ધસ્યા. પરંતુ, ત્યાં કોઈ પણ જાતની હિલચાલ ના અભાવે પરત ફર્યા રસ્તા મા જ રમેશે તેમને આંતર્યા અને હોટેલ ના બાગમાં લઈ ગયો. ત્યાં મીના પણ તેમની રાહ જોતી હતી. પહેલા તો બંનેએ પ્રોફેસર ને ચકાસી જોવાનું નક્કી કર્યું.

” સર, તમે આટલી રાતે તમે કઈ બાજુ ગયા હતા? ”

“કંઈ નહીં. એ તો જરા ખખડાટ સંભળાયો એટલે જોવા ગયો હતો.”

“પણ સર, હેત્વી ના રૂમ તરફ જ કેમ? ”

“એ તો કાલની ઘટના ને કારણે ફરીથી જોવા ગયો હતો. ”

“સર, તમે તો કાલે રાત્રે પણ ઘટના સ્થળે તરતજ દોડી આવ્યા હતા. શું તમે જાગતા હતા? ”

“રમેશ, આ જ સવાલ હું તને પૂછું તો… “

Subscribe for our new stories / Poem

અમિષા શાહ

1 comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com