Navalkatha - Read Stories, Poems And News

ત્રણ ના ટકોરે – ૬

“શારદાબેન, હિતેશ અને હેત્વી બંને સાથે બહાર રમતા હતા. એક્સિડન્ટનાં સમયે હેત્વી એ ચીસ પણ પાડી. ત્યારબાદ ની બધી વિગતો માત્ર હિતેશ વિશે મળી. હું માનું છું કે જ્યારે મેહુલભાઈ હિતેશ ને સાચવવામાં વ્યસ્ત હતા, ત્યારે તમે હેત્વી ને સાચવવામાં વ્યસ્ત હશો. હવે હેત્વી ની પરિસ્થિતિ વિશે તમે વિગતે જણાવો.”

ડૉ. મિસ્ત્રી ના શબ્દો એ જાણે શારદાબહેન ને એક ધક્કો માર્યો અને શારદાબહેન તેમના મૌનમાંથી બહાર ધકેલાયા. તેમણે સાડી ના પાલવથી આંસુ લૂંછીને મેહુલભાઈ સામે જોયું. મેહુલભાઈ હજુ પણ હથેળી મા ચહેરો ઢાંકીને બેઠા હતા. શારદાબહેને ડૉ. મિસ્ત્રી સામે જોઈને બોલવાનું ચાલુ કર્યું.

“સાચી વાત છે તમારી. હેત્વી અને હિતેશ બંને બેલડાંના… જે એક કરે તે બીજો કરે… જે એક ને ગમે તે બીજા ને ગમે… જે એક અનુભવે તે જ બીજુ પણ અનુભવે….. હસવું, રડવું, સુખ, દુઃખ, આનંદ, તકલીફ… બધાંમાં ખરા અર્થમાં સહભાગી… તે વખતે પણ એવું જ હતું. હેત્વી ની ચીસ સાંભળી ને અમે બધા બહાર દોડી આવ્યા. હું રસોડામાં હતી એટલે બધાની પાછળ પહોંચી. હજુ તો પરિસ્થિતિ સમજાય, એ પહેલાં પાછળ થી મારી સાડી નો પાલવ ખેંચાયો. આ હેત્વી ની જ રીત હતી મને બોલાવવાની… હૈયે થોડી ટાઢક થઈ કે ચાલો, હેત્વી સલામત છે! કારણ કે ચીસ હેત્વી ની જ સંભળાઇ હતી. હિતેશ નો તો કોઈ અવાજ જ નહોતો… હેત્વી ને તેડી ને બથમાં લઉં ત્યાં તો મારો ભાઈ – કલ્પેશ ઉતાવળ માં ગાડી લઈને નીકળ્યો… હિતેશ પર તો હજુ મારી નજર ગઈ જ નહોતી. મારી આગળ એટલા બધા માણસો ઊભા હતા કે મને ઘટનાસ્થળ નજરે જ નહોતુ પડતું. હિતેશ નું એક્સિડન્ટ થયું હશે એવો તો સ્વપ્ને પણ વિચાર ન આવ્યો. હું તો હેત્વી ને પૂછતી હતી કે હિતેશ ક્યાં છે? ”

આટલું બોલી તેમણે હાજર સહુ તરફ વારાફરતી જોયું. મિસિસ મિસ્ત્રી પણ ચા-નાસ્તો લઈ બધાની સાથે જોડાયા હતા. તે પણ તલ્લીનતા થી આખી વાત સાંભળતા હતા. શારદાબહેને કહેવાનું ચાલું કર્યું.

“હેત્વી સતત અને સખ્ખત રડતી હતી. કોઈ વાતે છાની નહોતી રહેતી… બસ એક જ રટણ… હિતેશ… હિતેશ.. હિતેશ… બંને સંતાકૂકડી રમતા હતા. હેત્વી મેઇનગેટ પાસે ના ખાંચામાં છુપાઈ ગઈ અને હિતેશ શોધતો શોધતો રોડ બાજુ જતો રહ્યો. હેત્વી એ ધસમસતી ટ્રક જોઇ અને જોરદાર ચીસ પાડી. હિતેશે પાછળ ફરીને જોયું તો ટ્રક એકદમ લગોલગ આવી ગઈ હતી. હિતેશ હેબતાઈ ગયો અને ત્યા ને ત્યાં સ્થિર થઈ ગયો. ડ્રાઇવરે બ્રેક મારી, પણ મોડું થઈ ગયું. હિતેશ બોલ ની જેમ હવામાં ફંગોળાઇ ગયો. આ બધું હેત્વી એ નજરે જોયું, અને અનુભવ્યું. હિતેશ જેટલી જ તકલીફ…. હા, એક ફરક હતો… હિતેશ બેહોશ હતો… જ્યારે હેત્વી…. બંને ની તકલીફ ને તે એકલી વાચા આપતી હતી…. તેને સંભાળવી અઘરી થઈ ગઈ હતી. એના પપ્પા હિતેશ માટે દોડધામ કરતાં હતાં અને હું હોસ્પિટલમાં એક બાંકડા પર… હેત્વી ની હાલત…. અંતે હેત્વી ને પણ ઓબ્ઝર્વેશનમાં રાખી. પણ ડોક્ટરો કરે તો કરે શું? બાહ્ય દ્રષ્ટિ એ તેની તકલીફ પકડાતી નહોતી. તેના શરીર ઉપર કોઈ જખમ નહોતા, છતાં હદબહારનો દુખાવો હતો. દોઢ વર્ષ નુ નાનકડું બાળક કેટલુંક સહન કરે? તો પણ તેણે સાંજ સુધી ઝીંક ઝિલી… અંતે બેભાન થઈ ગઈ… જીવ અધ્ધર થઈ ગયો… જે ઘવાયેલો છે, જેનો ઈલાજ થાય છે, તેના તરફથી કોઈ રિસ્પોન્સ નહોતો અને જે તકલીફ વર્ણવતી હતી તેનો કોઈ ઈલાજ નહોતો. ”

શબ્દો ની સાથે સાથે શારદાબહેનની આંખમાંથી સતત આંસુ સરી રહ્યા હતા. બધા સહાનુભૂતિથી તેમની સામે જોઈ રહ્યા. મેહુલભાઈ પણ થોડા સ્વસ્થ થયા અને શારદાબહેન નો વાંસો પસવારી રહ્યા હતા. નાનકડા વિરામ બાદ શારદાબહેને ફરી વાત નું અનુસંધાન કર્યું.

” હોસ્પિટલમાં…. બંને હાથે હેત્વી અને હિતેશ નો એક એક હાથ પકડી સતત મહામૃત્યુંજય જાપ કરતાં કરતાં ભગવાન ને એકજ પ્રાર્થના કરતી હતી કે મને અખોવન રાખે… મારા બંને સંતાન સહી સલામત રહે.. અડધી રાત વીતી ગઈ… બધા જંપી ગયા, પણ અમને ઊંઘ કેવી રીતે આવે? અમે તો અપલક નયને બસ બે મશીન પર એક સરખી વધઘટ દર્શાવતા હાર્ટ-બીટ જોતા હતા…. ઊંચી નીચી રેખાઓ ધીમે ધીમે સપાટ થતી ગઈ… બંને મશીન મા બીપ… અવાજ આવ્યો અને મારી રાડ ફાટી ગઈ. દોડાદોડ આવતા ડોક્ટર ના પગલાંના અવાજ ની સાથે ઘડિયાળ માં પડતાં ત્રણ ડંકા એકાકાર થઈ ગયા… મારો હિતેશ તો ન બચી શક્યો, પણ ડોક્ટરો ની મહેનત અને ભગવાન ની કૃપાથી મારી હેત્વી મને પાછી મળી ગઈ. ”

આખા રૂમમાં ચુપકીદી છવાઈ ગઈ. મેહુલભાઈ અને શારદાબહેનની સાથે સાથે રમેશ અને મિસિસ મિસ્ત્રી ની આંખો પણ ભીની હતી. એક માત્ર ડૉ. મિસ્ત્રી સ્વસ્થ હતા. ટિપોય પર રહેલા ચા-નાસ્તા ને ન્યાય આપવાનું કોઈ ને ન સૂઝ્યું. ના તો યજમાન આગ્રહ કરી શક્યા અને ના તો મહેમાન વિવેક કરી શક્યા. વાતાવરણ જ એવું ઊભું થઈ ગયું હતું કે….

શરૂઆત ડૉ. મિસ્ત્રી એ કરી. અત્યાર સુધી સોફાચેર આરામથી ટેકો દઈને, પગ પર પગ ચડાવીને બેઠા હતા. તેઓ પગ નીચે ઉતારી થોડા આગળની બાજુ ઝૂક્યા અને ચા નો એક કપ ઉપાડી મેહુલભાઈ ની સામે ધર્યો અને આંખો થી જ લઈ લેવા માટે ઇશારત કરી. મેહુલભાઈ એ પણ વાતાવરણ હળવું કરવા એ કપ લઈ શારદાબહેન ના હાથમાં આપ્યો. પછી એક કપ પોતાની માટે લીધો. ત્યારબાદ રમેશ, મિસિસ મિસ્ત્રી અને ડૉ. મિસ્ત્રી એ પણ પોતાના કપ લીધા. ચા ના કપ ખાલી થયા એટલે ફરી ડૉ. મિસ્ત્રી એ જ પોઝિશન માં બેસી ગયા. ફરી તેમણે સવાલ કર્યો,

“હિતેશ ના મૃત્યુ પછી હેત્વી ની શું પરિસ્થિતિ હતી? ”

“હિતેશ ના મૃત્યુ પછી હેત્વી ની શું પરિસ્થિતિ હતી? ”

નાસ્તા ને રાહ જોવડાવી, માત્ર ચા ને ન્યાય આપ્યા બાદ ડૉ. મિસ્ત્રી એ પુનઃ ત્રીજી વાર પોતાનો પ્રશ્ન પૂછ્યો. મેહુલભાઈ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા. તેમણે ડૉ. મિસ્ત્રી ની સાથે સીધી નજર મેળવી જવાબ આપ્યો.

“બહુ જ ખરાબ, સાહેબ…. હેત્વી અને હિતેશ વચ્ચે નો એ લાગણીનો તંતુ ખુબ મજબૂત હતો. પણ હિતેશ ના જવાથી એક ઝાટકે તૂટી ગયો. હેત્વી ને બૌ આઘાત લાગ્યો. એની પીન એકજ જગ્યાએ ચોંટી ગઈ. હિતેશ… હિતેશ…. ભાનમાં હોય ત્યાં સુધી હિતેશ ના નામની બૂમ પાડતી જાય અને આખા ઘરમાં હિતેશ ને ગોતતી જાય. બંનેને સંતાકૂકડી રમવાનો બૌ શોખ, સાહેબ. અને ઢીંગલાનો પણ. તે ઇવડી ઇ હિતેશ નું ઢીંગલુ હાથ મા લઈ આખો દિવસ હિતેશ ના છુપાવાની જગ્યાએ જઇ જઇ ને એને ગોત્યા કરે. પછી નો મળે એટલે કજીયે ચડે. નંઇ ખાવું, નંઇ પીવું, બસ આખો દિવસ રડ્યા જ કરે. છેવટે રડી રડી ને થાકે એટલે જ્યાં હોય ન્યાં સૂઈ જાય. ક્યારેક લવારીએ ચડી જાય… ”

આટલું કહી મેહુલભાઈ શ્વાસ લેવા રોકાયા. એક સરસરી નજર બધા પર ફેરવી આગળ બોલ્યા,

“અધૂરા માં પૂરૂં તે મારી શારદું ડિપ્રેશન મા સરી પડી. તદ્દન
સૂનમૂન. એક બાજુ હેત્વી ના ઊધામા, તો બીજી બાજુ શારદું નો સૂનકાર…. ઉપરવાળો મારો ભગવાન બરાબર નો રૂઠ્યો હતો. કપરો કસોટી કાળ હતો. એવા દિવસ તો કોઈ દુશ્મન ને પણ જોવા ન મળે…. ”

હવે ડૉ. મિસ્ત્રી ની ધીરજ જવાબ દેતી હતી. તેમણે મેહુલભાઈ ની ચાલુ વાત પૂરી થાય એ પહેલાં જ, શક્ય એટલા સંયત અવાજે પૂછ્યું,

“પોતાના દુશ્મન માટે પણ તમે ઘણી સારી લાગણી ધરાવો છો, મેહુલભાઈ…. પણ આપણે ત્યારના હેત્વી ના ઈલાજ અંગે વાત કરતા હતા. ”

આ શબ્દો બોલતી વખતે તેમનું ધ્યાન રિસ્ટ-વૉચ મા હતું. તેમણે ધાર્યું હતું કે ચાલુ દિવસ હોવાથી વધીને કલાક મા તો હેત્વી ના પેરેન્ટ્સ પાસે થી જરૂરી માહિતી મળી જશે, પણ મુલાકાત લંબાતી ગઈ. તેમણે બીજા પેશન્ટ ને આપેલી અપોઈન્ટમેન્ટ નો સમય નજીક હતો અને તેમનું સમયસર ક્લીનીક પહોંચવું જરૂરી હતું. એટલે આગળ નું વાક્ય પૂરું કરી ને તરતજ ઉમેર્યું,
“આઇ એમ સોરી મેહુલભાઈ, પણ મારે અત્યારે જ નીકળવું પડશે. કાલે આપણે ફરી આ ટાઈમે જ મળીયે. આશા રાખું છું કે કાલે ટુ ધી પોઈન્ટ વાત થશે. યાદ રાખજો કે મે હેત્વી ને રવિવારે પાછી બોલાવી છે, હિપ્નોટિઝ્મ ના સમયે કરેલું રેકોર્ડીંગ સાંભળવાના બહાને…. અને રવિવાર હવે દૂર નથી. તે પહેલાં ઝીણામાં ઝીણી વિગતો જાણી ને મારે તેના ઇલાજ માટે એક રૂપરેખા તૈયાર કરવી પડશે અને એ માટે મને થોડો સમય પણ જોઈશે. આઇ હોપ યુ બોથ અંડરસ્ટેન્ડ માય પોઈન્ટ. ”

પછી મિસિસ મિસ્ત્રી ને બીજી વાર ચા મૂકવાનું કહી મેહુલભાઈ સાથે શેકહેન્ડ કરતાં કરતાં ફરી આગ્રહ કર્યો…
“તમે લોકો ચા-નાસ્તો કરીને જજો, બટ મારે અત્યારે જ નીકળવું પડશે. ”

આટલું કહી ડૉ. મિસ્ત્રી એ વિદાય લીધી અને બીજી મિનિટે મિસિસ મિસ્ત્રી ચા ની ટ્રે સાથે બેઠકખંડમા આવ્યા. ચા-નાસ્તા ને ન્યાય આપી એ ત્રણેય ત્યાંથી નીકળી ગયા. રમેશ મેહુલભાઈ ની સાથે સાથે તેમના ઘરે જ ગયો એટલે મેહુલભાઈ એ પૂછ્યું,

“શું થયું બેટા? તારે કંઈ કહેવું છે? ”

પ્રત્યુત્તર મા રમેશે હકાર મા તેનું મસ્તક હલાવ્યુ.

“બોલ બેટા, શું વાત છે? ”

રમેશ કંઇ જવાબ આપે એ પહેલા તો પાછળ થી હેત્વી નો અવાજ આવ્યો…

“એલા તબિયત ને બહાને રખડી ખાય છે તે કોલેજભેગો થા કે નંઇ..”

“બધાની “નજર એકસાથે ઘડિયાળ માં ગઇ અને ત્રણેય ના મનમાં એક જ સવાલ ઉઠ્યો… હેત્વી… આટલી વહેલી???

“એલા તબિયત ના બહાને રખડી ખાય છે તે કોલેજ ભેગો થા કે નંઇ. ”

હેત્વી નો અવાજ સાંભળતાં જ મેહુલભાઈ, શારદાબહેન તથા રમેશ – ત્રણેય ની નજર એકસાથે ઘડિયાળ સામે ગઈ. કોલેજ છૂટવાને તો હજુ વાર છે. પછી હેત્વી વહેલી કેમ?… બધાના મનમાં સવાલ ઉઠ્યો – બધું બરાબર તો છે ને? થોડીક ક્ષણો ના સૂનકાર પછી રમેશ નો અવાજ સંભળાયો,

“એ વાયડી, તારી વાત કર ને! તું કેમ આટલી વહેલી આવી ગઈ? હજુ તો બે લેક્ચર બાકી છે.. ”

“અરે! આજે તો જબરુ કૌતુક થયું. કોલેજ ની ટેરેસ પર વાંદરાઓનું ટોળું ભેગું થયું. ખસવાનું નામ ન લે. જે ચિચિયારી કરે… જે ચિચિયારી કરે… મજાલ છે કોઈ પ્રોફેસર નો એક શબ્દ પણ સંભળાય…. આખી કોલેજ કેમ્પસ મા ભેગી થઇ ગઇ… ”

હેત્વી ની વાત સાંભળતાં સાંભળતાં બધા સોફા પર ગોઠવાયા. શારદાબહેન પાણી લઈને આવ્યા એટલે હેત્વી એ વાત આગળ વધારી.

“પહેલા તો કારણ કાંઈ સમજાયું નહીં. પછી નટુભાઈ પ્યુન ક્યાકથી એક મોટો ફૂગ્ગો લઈ આવ્યા. એ ફૂગ્ગો ફોડ્યો ને એના અવાજ થી બધાં વાંદરા આઘાપાછા થયા કે તરત ગોપાલ કાકા એ ઉપર જઈને જોયું તો ટાંકી નું ઢાંકણ ખૂલ્લું હતું અને અંદર એક બચ્ચું પડી ગયું હતું… ”

આટલું સાંભળીને શારદાબહેન થી રહેવાયું નહિ. તે ચિંતિત સ્વરે વચ્ચે જ બોલી પડ્યા,

“હાય… હાય… પછી શું થયું? ”

“પછી તો ગોપાલ કાકા મુશ્કેલી માં મૂકાઈ ગયા. ”

“લે! કેમ વળી? ” – મેહુલભાઈ ને પણ જાણવાની ઇંતેજારી થઈ.

“કેમ તે…. ગોપાલ કાકાને ટાંકી પાસે જોઈને બચ્ચા ની મા પાછી દોડી આવી…. એની પાછળ બીજા વાંદરા પણ…ગોપાલ કાકા એકલા બધા વાંદરાઓ વચ્ચે ઘેરાઇ ગયા… ”

આટલું બોલીને હેત્વી પાણી પીવા રોકાઈ. હવે રમેશે પૂછ્યું,

“પછી શું કર્યું? ગોપાલ કાકા સેફ તો છે ને! ”

“પછી….. બૂમ્મ્મ્ બીજો ફૂગ્ગો… ” બોલતા હેત્વી ખડખડાટ હસવા માંડી.

” પછી બચ્ચાનું શું થયું? બચી ગયું કે…. “. શારદાબહેને સચિંત પૂછ્યું.

“અરે હા મમ્મા. ફાયર બ્રિગેડ ને બોલાવવી પડી. અને એ લોકો આવ્યા ત્યાં સુધીમાં તો એટલા બધા ફૂગ્ગા ફોડ્યા છે કે… બસ મજા આવી ગઈ. ફૂગ્ગો ફૂટે ને વાંદરા ભાગે…. વળી જરાક ટાઈમ જાય એટલે ફરી બધા ટોળું વળી જાય… પાછો ફૂગ્ગા નો અવાજ અને પાછી દોડાદોડી… ઓહ ગોડ! ધેટ વોઝ સો ફની…. બટ યુ નો મમ્મા, પાપા, એક વાંદરી ત્યાથી ખસતી જ નહોતી… એક ખૂણામાં બેસીને બધુ જોતી હતી… એ પેલા બચ્ચા ની મા હતી… ”

હસતાં હસતાં અચાનક હેત્વી સિરિયસ થઈ ગઈ. તેના ગળે ડૂમો બાઝી ગયો. પાંપણની ધાર પર આંસુ આવી ને લટકી ગયું, બસ ટપકવાની વાર… હેત્વી ના મૂડમાં આવેલા પરિવર્તન થી રમેશ સભાન થઈ ગયો. તેણે તરતજ વાત બદલી…

“ચાલો! બચ્ચુ સ્વિમિંગ કરતાં શીખી ગયુ. પણ અફસોસ , હવે એ પાણી આપણે વાપરવું પડશે… ”

“અરે હોય કાંઈ! તરતજ ‘ટોટલ ક્લીન’ માં ફોન કરી દીધો. આમ તો એમની પાસે બુકીંગ કરાવવું પડે, પણ સમયની માંગ પ્રમાણે તરતજ આવી ગયા. અત્યારે ટાંકી ની સફાઈ નું કામ જ ચાલે છે. એટલે કોલેજ મા રજા ડીક્લેર કરી દીધી છે. ”

હેત્વી ને ફરી હળવા મૂડમાં જોઇ રમેશે વિદાય માંગી. હેત્વી ને પણ નોટ્સ કમ્પ્લીટ કરવાના બહાને સાથે આવવા કહ્યું. હેત્વી તૈયાર જ હતી.

“તું પહોંચતો થા, હું ફ્રેશ થઈને આવું છું. “. એમ કહી હેત્વી વોશરૂમ તરફ ગઈ. હેત્વી દૂર ગઈ એટલે રમેશ ઉતાવળે બોલ્યો,

“ડૉ. મિસ્ત્રી ની ખાસ સૂચના છે કે હેત્વી ને વધુ પડતી ઈમોશનલ ન થવા દેશો. એટલે થોડું ધ્યાન રાખજો. ”

આટલું કહીને રમેશ ફટાફટ જતો રહ્યો. એકલા પડ્યા એટલે મેહુલભાઈ શારદાબહેન સામે જોઈને બોલ્યા,

“હા શારદું, ધ્યાન તો રાખવુંજ પડશે. ખબર છે ને કે આ રવિવારે જ હિતેશ ની પુણ્યતિથિ છે… અને દર વર્ષે આ દિવસ હેત્વી માટે કેટલો અઘરો હોય છે!!! “

Subscribe for our new stories / Poem

અમિષા શાહ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com