Navalkatha - Read Stories, Poems And News

ત્રણ ના ટકોરે – ૮

કેબિન ના દરવાજે ઊભેલી નર્સે જ્યારે સી સી ટીવી સામે જોવા ઇશારો કર્યો ત્યારે જ ડૉ. મિસ્ત્રી ને ખ્યાલ આવ્યો કે હેત્વી ની હિસ્ટ્રી વાંચવામાં ને વાંચવામાં મિસિસ ખન્ના ધ્યાન બહાર રહી ગયા. છેલ્લે મિસિસ ખન્ના ને બેહોશીમાં ઇંજેક્શન આપ્યું ત્યારે નર્સ ને સુચના આપેલી કે તેમના હાથ પગ ખોલી નાંખે. જ્યારે તે હોંશમા આવે ત્યારનુ તેમનુ વર્તન જોઈને જ ઈલાજ ની રૂપરેખા તૈયાર કરવાની હતી.

સી સી ટીવી મા દ્રશ્યમાન મિસિસ ખન્ના અત્યંત ઝનૂન પૂર્વક દિવાલ પર પોતાના નખ ઘસતા હતા. કોઈ ચિત્રકાર પોતાના ચિત્ર ની રૂપરેખા તૈયાર કરે એમ જ! ઘસાવાને કારણે નખમાં થી લોહી નીકળતું હતું અને લાલ રંગ થી સફેદ દિવાલમાં કશુંક ઊઘડી રહ્યું હતું…

નર્સે પાટાપીંડી માટે પૂછ્યું તો ડૉ. મિસ્ત્રી એ ડોકી હલાવી ના પાડી. નર્સ ના વિસ્મય વચ્ચે ડ્રોઅર માં થી વ્હાઇટ બોર્ડ પર લખવાની માર્કર કાઢીને તે વ્હાઇટ રૂમ પાસે ગયા. બારણા નીચે થોડી વધારે જ જગ્યા રાખવામાં આવી હતી. ડૉ. મિસ્ત્રી એ ઘૂંટણભેર થઈ એ જગ્યામાં થી પેલી માર્કરનો એ રીતે ઘા કર્યો કે સીધી મિસિસ ખન્ના સાથે અથડાઇ. એ સાથે જ અત્યંત ઝનૂની બનેલ મિસિસ ખન્નાએ એક ઝાટકા સાથે માર્કર સામે જોયું અને પછી એ માર્કર લઈ ફરી બેવડા ઝનૂન થી દિવાલ ચિતરવાનું ચાલુ કર્યું.

ડૉ. મિસ્ત્રી એ નર્સ ને ત્યાં દરવાજા પાસે જ હાજર રહેવાનું કહ્યું અને પોતે કેબીનમાં જઈ સી સી ટીવી પર સ્થિર નજરે જોઇ રહ્યા. મિસિસ ખન્ના ની અત્યારની પરિસ્થિતિ જોતા ગાફેલ રહેવું પોસાય તેમ નહોતું. એટલે હેત્વી ના પેપર પાછા સાચવીને પરબિડીયામાં મૂકી દીધા.

એક બાજુ નજર સ્ક્રીન પર સ્થિર હતી તો મગજ આખી કેસહિસ્ટ્રી રિવાઇન્ડ કરતુ હતું. બરાબર બુધવાર ની બપોરે તેમના મિત્ર ડૉ. ભાવસાર નો ફોન આવ્યો હતો. એક સ્યુસાઇડ ના કેસ માટે તાબડતોબ આવવા જણાવ્યું. ડૉ. ભાવસાર ના અવાજ પરથી પરિસ્થિતિ ની ગંભીરતા પારખી પોતે પણ બનતી ત્વરાથી તેમની હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. જોયું તો પેશન્ટે કાંડા ની નસ કાપી નાંખી હતી. સમયસર ટ્રીટમેન્ટ મળતા શારિરીક જોખમ ટળી ગયું હતું, પરંતુ…

ડૉ. ભાવસારે એક તગડી ફાઈલ ડૉ. મિસ્ત્રી ના હાથમાં પકડાવી દીધી.

“મિસ્ત્રી ભાઈ, તમે આ ફાઇલ સ્ટડી કરો ત્યા હું રાઉન્ડમાં જઈને આવું. પછી ડિટેઇલ મા વાત કરીએ. ”
“શ્યોર. તમે પતાવો ત્યાં હુ આ જોઇ લઉં.”. ડૉ. મિસ્ત્રી એ ફાઇલ હાથ મા લેતા કહ્યું.

ફાઇલ ખાસ્સી દળદાર હતી. નામ લખેલું હતું…. મિસિસ રાગિણી ખન્ના. ડૉ. મિસ્ત્રી એ ફાઇલ છેલ્લા પાનાથી જોવાની ચાલુ કરી. ચાર વર્ષ પહેલાં ની તારીખ હતી. સિમ્પ્ટમ્સ હતા એક્યુટ અસ્થમા ડ્યુરિંગ થર્ડ મંથ ઓફ પ્રેગ્નન્સી… ડૉ. મિસ્ત્રી ના કપાળ મા સળ પડી ગયા. તે અનુમાન લગાવી શક્તા હતા કે પ્રેગ્નન્સી વખતે અસ્થમાનો અટેક આવે, શ્વાસ ચડે… ખૂબ ચડે… ખૂબ ખૂબ ચડે… અને એક સમય એવો આવે કે શ્વાસ લઇ જ ન શકાય… ગમે એટલા ટળવળો, ગમે એટલા તરફડો… પણ બહાર ની હવા અંદર ન પ્રવેશી શકે… ન નાક દ્વારા… ન મોઢા દ્વારા… ત્યારે આ ઓક્સિજન ની કમી ને કારણે મગજમાં થતાં નુકસાન ઉપરાંત ગર્ભસ્થ બાળક ને થતું નુકસાન.. શ્વાસ ચડવાને કારણે થતી માથા અને પેટ ની પીડા… છતાં સાચી ખબર તો જેને વીતે તેને જ પડે!

ડૉ. મિસ્ત્રી એ ત્યારની ટ્રીટમેન્ટ પર ઉપરછલ્લી નજર ફેરવી આગળનું પાનું જોયું. તેમાં તારીખ ત્રણ વર્ષ પહેલાંની હતી. તકલીફ હતી છાતી મા દુઃખાવો… બધા જ રીપોર્ટ નોર્મલ હતા, છતાં અસહ્ય દુઃખાવો થતો હતો. ચાર મહિના સુધી જુદા જુદા રીપોર્ટ અને જુદી જુદી દવાના પ્રિસ્ક્રિપ્શન હતા. ત્યારબાદ દોઢ વર્ષ નો લાંબો અંતરાલ અને ફરી નવી તકલીફ…

————–
“અરે શારદું, આ મારી ચકલી ક્યા છે? દેખાતી નથી. સવારે તો રજા નું બોલતી’તી ને! વાંદરું… ને ટાંકી…. ને ચેકીંગ…. ને રીપેરીંગ… કેટલું બધું બોલતી’ તી… તે અત્યારે કેમ દેખાતી નથી! ઓ શારદું, તને કંઉ છું. જવાબ તો દે. ”

હાથ – મોઢું ધોઈને ડાઇનિંગ ટેબલ પર પહોંચતાં સુધીમાં તો મેહુલભાઈએ સવાલોનો બોમ્બમારો કરી દીધો. શારદાબહેનના હોઠ મરકી રહ્યા. મેહુલભાઈ ની થાળીમાં પહેલી રોટલી પીરસતા બોલ્યા,

“આ તમારૂં પતે તો મારો વારો આવે ને! ”

“ઓકે. હવે તારો વારો, બસ. બોલ ક્યાં છે હેત્વી? ”

“હેત્વી રમેશ ના ઘરે ગઈ છે. કેતી’તી કે કાંઈક અસાઈન્મેન્ટ કરવાનું છે. સબમીશન ડેટ આવી ગઈ છે. આ તો રજા પડી એટલે થોડો ટાઈમ વધારે મળી ગયો.”

“ઠીક ત્યારે, બંને સાથે મળીને કરશે, એમજ ને. ”

ભાવતું ભીંડાનું શાક અને ગરમ ગરમ ફૂલકાં સાથે જમવાની મજા માણતા મેહુલભાઈ બોલ્યા.

“તંબુરો… સાથે મળીને…. ” શારદાબહેને લહેકો કરતાં કહ્યું… “રમેશે તો ક્યારનુંય કરી નાંખ્યું છે. આ તમારી ચકલી એનામાંથી ઉતારો કરવા ગઈ છે. ”

મેહુલભાઈ ખડખડાટ હસી પડ્યા. અચાનક બહારથી એક સાથે સતત જુદા જુદા હોર્નનો અવાજ સંભળાવા માંડ્યો. મેહુલભાઈ જમવાનું અધૂરૂ મૂકી હાથ લૂંછતા લૂંછતા બારી પાસે દોડી ગયા. ગેસ બંધ કરીને શારદાબહેન પણ પાછળ દોડ્યા. જોયું તો રોડ પર છેક ક્યાય ના ક્યાય સુધી ટ્રાફિકજામ હતો.

“લાગે છે પાછી કોઈ ટ્રકવાળાએ રોંગ સાઈડમાં ઘૂસ મારી… રોજનું થયું યાર. હવે તો બધાએ ભેગા મળીને કંમ્પ્લેઇન કરવી જ પડશે. ”

થોડી વાર બબડાટ કર્યા પછી મેહુલભાઈ પાછા જમવા બેઠા. શારદાબહેને થાળી માં થી ઠંડી રોટલી લઈને તેની જગ્યાએ ગરમ રોટલી પીરસી અને મેહુલભાઈ આદતવશ જમતા જમતા ફરી વાતે ચડ્યા.

“હું શું કંઉ શારદું, હેત્વી જમી કે નંઈ? ”

“એણે તો ક્યારનું જમી લીધું. એના રોજ ના ટાઈમે. આજે રજા હતી તો મને એમ કે થોડી મદદ કરાવશે. અમથા તો આખો દિવસ નવરી પડતી નથી. કો’ક દિવસ તો મને એમ થાય ને કે… ”

“હશે હવે. નાની છે હજી. ”

મેહુલભાઈ વચ્ચે જ બોલી પડ્યા. તો સામે શારદાબહેને છણકો કર્યો.

“બૌ ઊપરાણુ લેવાનું રે’વા દો હવે. કોલેજમાં તો આવી. કાલ સવારે સાસરે નંઈ મોકલવી પડે! ન્યા સવારમાં ઊઠીને કોઈ એમ નહીં પૂછે કે કેટલા કપડાં ડિઝાઈન કર્યા…. એમ કહેશે કે વહુબેટા, ચા મૂકો…”

“બસ બસ હવે. મને ખબર છે તું વાતને કઇ દિશામાં લઈ જાય છે. ફરી એની જોબનું ચેપ્ટર નો ઉખાડતી. આ બધી જ ચર્ચા આપણે પહેલાં કરી લીધી છે. ઊલટાનું એ જેટલી કામસગડ રહે એટલું સારું છે. ખબર છે ને, આ રવિવારે પાછો કસોટી નો દિવસ છે… ”

જમવાનું પતાવીને મેહુલભાઈ હિંડોળે બેઠા. શારદાબહેન પણ કામ પતાવીને સાથે બેઠા. પગની ધીમી ઠેસ થી ધીમું ધીમું હલન ચલન ચાલુ થયું. એક એક ઠેસ સાથે શારદાબહેન ના મુખભાવ બદલાતા હતા. ડર… ચિંતા… દુઃખ… બધું એકસાથે તેમના મનોમસ્તિષ્ક પર છવાઈ ગયું. તેમને બહાવરા બનેલા જોઈને મેહુલભાઈ એ તેમનો હાથ હળવેથી દબાવ્યો, જાણે ઊંડા કળણમા ધસી જતા રોકવા માટે હાથ પકડીને બહાર ખેંચી લીધા!

“શારદું, તું જ આમ ઢીલી પડી જઇશ તો હેત્વી ને કેવી રીતે સાચવશું? તને ખબર છે ને કે દર વર્ષે હિતેશ ની પુણ્યતિથિ નો દિવસ કેટલો કઠીન હોય છે… હેત્વી માટે… અને આપણી માટે પણ… ”

શારદાબહેનની આંખમાં આંસુ તગતગતા હતા. દાંત વચ્ચે નીચલો હોઠ દબાવી તેમણે પોતાની લાગણીઓ પર કાબુ મેળવવાની કોશિશ કરી. છતાં ગાલ ભીના થઈ ગયા. સ્હેજ ડૂમાયેલા અવાજે તેમણે પૂછ્યું,

“પછી ડૉ. મિસ્ત્રી નો કાંઇ ફોન આવ્યો? તમે પરબિડીયું તો હાથોહાથ આપ્યું હતું ને! ”

“હા. એમના હાથમાં જ આપ્યું’તું. અત્યાર સુધીમાં તો વાંચી લીધું હશે અને ફોટા પણ જોઈ લીધા હશે… લગભગ… ”

મેહુલભાઈ ની વાત સાંભળી શારદાબહેને સામેથી ડૉ. મિસ્ત્રી ને ફોન કરવા કહ્યું. પહેલા તો મેહુલભાઈ સહેજ ખચકાયા, પણ પછી ડૉ. મિસ્ત્રી ને ફોન જોડ્યો.

” “” “” “” “” “” “” “” ”
સી સી ટીવી ની સ્ક્રીન પર નજર નોંધીને બેસેલા ડૉ. મિસ્ત્રી મનોમન મિસિસ ખન્ના ની કેસહિસ્ટ્રી ચેક કરતા હતા. તેમના મગજમાં અત્યારે બુધવાર ના દિવસે સ્ટડી કરેલી દળદાર ફાઈલ ની ઝીણામાં ઝીણી વિગતો કૂદકા મારતી હતી. ડૉ. મિસ્ત્રી એ નોંધ્યું કે હવે મિસિસ ખન્ના નુ ઝનૂન ઓસરી ગયું હતું. તે દિવાલ પાસે જ ઢગલો થઈને ઢળી પડ્યા હતા. હવે નર્સ ને અંદર જઈને મિસિસ ખન્ના ને વ્યવસ્થિત સૂવડાવવાનું તથા લોહી નીંગળતી આંગળીઓમાં પાટાપિંડી કરવાનું કહ્યું.

મિસિસ ખન્ના ની સાથે નર્સ પણ અત્યારે સી સી ટીવી પર દ્રશ્યમાન હતી. ડૉ. મિસ્ત્રી એ ઓબ્ઝર્વ કર્યું કે નર્સે કેટલી નજાકત થી મિસિસ ખન્ના ને બેડ પર સૂવડાવ્યા અને ડ્રેસિંગ કરવાનું ચાલું કર્યું.

હવે ડૉ. મિસ્ત્રી એ દિવાલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમના માટે મિસિસ ખન્ના ના ઝનૂન ને ઓળખવું ખૂબ જરૂરી હતું. એ મિસ્ટિક પેઇન્ટિંગ ની મિસ્ટ્રી સોલ્વ થાય એ પહેલાં જ તેમના સેલફોન મા રીંગ સંભળાઇ… આજ ફીર જીને કી તમન્ના હે… આજ ફીર મરનેકા ઇરાદા હે…

ડૉ. મિસ્ત્રી જનરલી લાંબી રીંગ વાગવા દેતા અને એ બહાને પોતાનું ફેવરિટ ગીત સાંભળી ફ્રેશ થઈ જતાં. પરંતુ અત્યારે ધ્યાન ભંગ થવાથી થોડા ચિડાઈ ગયા. તેમણે કોલ રીસિવ કર્યો તો સામે છેડે મેહુલભાઈ હતા.

“હલો સાહેબ, મેહુલભાઈ બોલું. સોરી, તમને ડિસ્ટર્બ કર્યા, પણ શું છે ને કે આજે શુક્ર તો થયો. રવિવાર હવે દૂર નથી. ”

“એક મિનિટ મેહુલભાઈ, જરા શ્વાસ તો લો. સાંભળો, રવિવાર ની ચિંતા ન કરશો. એવું હશે તો રવિ ને બદલે સોમવારે કે મંગળવારે મળશું. માનું છું કે હેત્વી ને તકલીફ છે… બટ ઇટ ઇઝ નોટ ધ ક્વેશ્ચન ઓખ લાઇફ એન્ડ ડેથ.”

“કેમ સાહેબ આવું બોલો છો? તમે આખું.. બધું વાંચ્યું ને! અને ફોટા… ફોટા જોયા કે નહિ.. ”

મેહુલભાઈ વાત કરતાં કરતાં એકદમ અથરાં થઈ ગયા.

“રીલેક્ષ મેહુલભાઈ. જુઓ, હું અત્યારે એક ઈમરજન્સી કેસમાં બીઝી છું એટલે તમારો આખો લેટર હજી વંચાયો નથી. થોડું ઘણું વાંચ્યું છે અને ફોટા જોવાના પણ બાકી છે. એ બધું કમ્પ્લીટ થશે પછી જ ઈલાજ ની રૂપરેખા તૈયાર થશે. અને મને લાગે છે કે કદાચ રવિવાર સુધીમાં બધું પોસિબલ નહીં બને. બટ ડોન્ટ વરી, એક બે દિવસ વધારે… ”

“ના.. ના સાહેબ, તમે ભુલો છો. ધીસ ઈઝ ધ મેટર ઓફ લાઇફ એન્ડ ડેથ. ”

———————————————————————————

“ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ લાઇફ એન્ડ ડેથ ”

પોતાનો અવાજ કંઈક વધારે પડતો જ ઊંચો થઈ ગયો છે એનો ખ્યાલ આવતા મહામહેનતે અવાજ પાછો નોર્મલ કરી મેહુલભાઈ ફરી બોલ્યા,

“જુઓ સાહેબ, હું માનું છું કે તમારે બીજા પેશન્ટ પણ હોય, પણ એક વિનંતી છે સાહેબ. તમે એક વાર… ખાલી એક વાર આખો પત્ર વાંચી લો અને ફોટા જોઈ લો. મારી વાત તમને સમજાઇ જશે. તમને વાંચવાનો સમય નો હોય તો હું ફોન પર બધું જણાવી દઉં…”

એક સેકન્ડ માટે ડૉ. મિસ્ત્રી એ વિચાર્યું કે ફોન પર વાત સાંભળી લે, પરંતુ આગળ નો અનુભવ યાદ આવતા તેમણે વાંચવાનું જ વધુ અનુકૂળ લાગ્યું. મેહુલભાઈ ની વાત વચ્ચે જ અટકાવીને તેઓ બોલ્યા,

“ઓકે મેહુલભાઈ. તમે ઈન્સિસ્ટ કરો છો તો હું પહેલાં જ વાંચી લઉં છું. મને થોડોક ટાઈમ આપો. હું તમને કોલબેક કરૂં છું. જસ્ટ ડોન્ટ વરી. એવરીથિંગ વીલ બી ઓલરાઇટ. ઓકે. ”

કોલ કટ કરીને ડૉ. મિસ્ત્રી એ ફરી પરબિડીયું હાથમાં લીધું. પેપર્સ બહાર કાઢતી વખતે પણ તેમની નજર સામે સ્ક્રીન પર હતી. મિસિસ ખન્ના ની પાટાપિંડી થઈ ગઈ હતી અને તેમને સૂવડાવીને નર્સ બહાર આવી રહી હતી. ડૉ. મિસ્ત્રી એ એક ઊંડો શ્વાસ લીધો. મિસિસ ખન્ના બાબતે તેઓ હવે થોડી વાર માટે નિશ્ચિંત હતા. હવે પેપર્સ તેમના હાથમાં હતા અને નજર પેપર ઉપર. પેપરની સાથે એન્વેલપમા એક પેનડ્રાઇવ પણ હતી જે અત્યારે ડૉ. મિસ્ત્રી ની આંગળીઓ વચ્ચે રમતી હતી. ડૉ. મિસ્ત્રી કન્ફ્યુઝ હતા કે પહેલા પત્ર ને પ્રાધાન્ય આપે કે ફોટા ને? અંતે તેમણે પેનડ્રાઈવ લેપટોપ મા ઈન્સર્ટ કરી અને ફોલ્ડર ખોલ્યું.

તેમની નજર સામે નાનકડા બાળકો નો કલબલાટ જિવંત થઈ ગયો. કેટલા બધા ફોટા! હોસ્પિટલ ના નામ વાળા બ્લ્યુ અને પિંક ઝભલામા હસતા ગલગોટા જેવા ટ્વીન્સ… છ મહિના ની ઉંમરે અરસ પરસ રમત કરતાં બે એકસરખા દેખાતા ઢીંગલા… રંગબેરંગી ફુગ્ગા સાથે રમતા ક્યૂટ બચ્ચા…. ફૂલો વચ્ચે ખીલેલા ફુલગુલાબી ચહેરા… બધામાં એક વસ્તુ કોમન હતી… એક જ બાળક ના માથે ટોપી. ડૉ. મિસ્ત્રી એ અંદાજ લગાવ્યો કે એ ટોપીવાળું બાળક તે જ હિતેશ.

ડૉ. મિસ્ત્રી સ્લાઈડ શો ચાલુ કરીને આરામથી સામેના ટેબલ પર પગ ટેકવીને ફોટા જોતાં હતાં. શરૂઆતના થોડાક ફોટા જોઈને તેઓ મરકતા રહ્યાં, પછી અચાનક એક ફોટાને જોઇને તેમના પગ આપમેળે પાછા ખેંચાઈ ગયા. તેમનું શરીર એક ઝાટકા સાથે ટટ્ટાર થઈ ગયું. તેમણે સ્લાઈડ શો પૌઝ કરીને એક એક ફોટો ફરી ફરી ને એકદમ ધ્યાન થી જોવાનું ચાલું કર્યું.

શું હતું એ ફોટા માં? એ ફોટામાં બે ને બદલે એકજ બાળક હતું… ટોપીવાળું… છોકરા ના કપડાં માં! છોકરી ના તો અગણિત ફોટા હતા, પણ સાથે સાથે એક ફોટો છોકરાનો પણ હતો… બે વર્ષ.. ત્રણ વર્ષ… પાંચ વર્ષ… દસ વર્ષ… પંદર વર્ષ… સત્તર વર્ષ…. દરેક વર્ષનો એક ફોટો…. કોણ હતું એ? ચહેરો મહોરો હેત્વી જેવોજ પણ આંખો માં થી એક યુવતી ની ચંચળતા ગાયબ હતી. આખા વ્યક્તિત્વ મા એક નવયુવાન નો કોન્ફિડન્સ ઝળકતો હતો.

કોણ હોઈ શકે એ યુવાન?

Subscribe for our new stories / Poem

અમિષા શાહ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com