Navalkatha - Read Stories, Poems And News

ત્રણ ના ટકોરે ૯

કોણ હતો એ યુવાન?

કોણ હોઇ શકે એ યુવાન?

ડૉ. મિસ્ત્રી ના મગજના ચક્રો બેવડી ગતિ થી દોડવા માંડ્યા. તેમણે સૌથી છેલ્લા ફોટા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એમાં ક્રિકેટ રમી રહેલો એક થનગનતો નવજુવાન હતો. લાલ ચેક્સવાળો ફુલ સ્લીવ શર્ટ, બ્લ્યુ જીન્સ, એવી જ બ્લ્યુ ટોપી, વ્હાઇટ સ્પોર્ટ્સ શૂઝ, હવામાં ઝળુંબતો બોલ અને એ બોલને ફટકારવા માટે અધ્ધર ઉંચકાયેલું બેટ… નિશાન પર તકાયેલી આંખો… ચહેરા પર હળવી મુસ્કાન… બેકગ્રાઉંડમા હરિયાળો ગાર્ડન… હેટ્સ ઓફ ટુ ધ ફોટોગ્રાફર… એકદમ પરફેક્ટ શોટ !!!

ડૉ. મિસ્ત્રી એ ચહેરા પર ઝૂમ કર્યું. ધીમે ધીમે ચહેરા ની એક એક રેખા તપાસવાનું ચાલુ કર્યું. તેમણે નોંધ્યું કે ટોપી સ્હેજ વાંકી છે અને કપાળ નો થોડોક ભાગ ટોપી માં દબાઈ ગયો છે. શર્ટ નો કોલર ઊભો રાખેલો છે. બાકી નયન-નક્શ એકદમ હેત્વી જેવા છે. લાંબુ નાક… એક કાનમાં કડી… હોઠ ઉપર ગુલાબી સુરખી…

ધીરે ધીરે સ્ક્રીન સ્ક્રોલ ડાઉન કરતાં બેટ પર હાથ ની પક્કડ દેખાઈ. આંગળીઓ પણ નાજુક દેખાઈ. ઢીલા શર્ટ માં પણ એકવડીયો બાંધો નજરે પડતો હતો. ડૉ. મિસ્ત્રી નું મગજ ચકરાઈ ગયું. સ્ક્રીન પર ઝૂમ કરેલો ફોટો એમજ રાખી ને તેમણે પેપર્સ હાથમાં લીધા અને અધૂરી વાત નું અનુસંધાન કર્યું.

“બૌ અઘરો હતો સાહેબ, એ સમયગાળો…. પણ દિવસ પસાર થતા ગયા એમ પરિસ્થિતિ થાળે પડતી ગઈ. છતાં હજુ એક મુશ્કેલી હતી… શારદા સંપૂર્ણપણે હિતેશ ને ભુલાવી નહોતી શક્તી. એટલે એ આંતરે દિવસે હેત્વી ને હિતેશ બનાવતી અને પોતાના મન ને સાંત્વના આપતી. થોડો સમય આવું ચાલ્યું, પછી એક દિવસ અચાનક….

અચાનક હેત્વી જાતે જ હિતેશ બનીને અમારી સામે ઉભી રહી. અમે બંને અવાચક્… શું બોલવું – શું કરવું – કાંઈ સુઝ્યું જ નહીં. એકદમ હિતેશ જેવું જ વર્તન… એવી જ રીતે મારી આંખે હાથ દાબવા…. એવી જ રીતે પાછળ થી આવીને શારદા ની ડોકે ટીંગાવું… હિતેશ ની જેમ જ સ્હેજ વાંકી ટોપી… જાણે સાક્ષાત હિતેશ જ અમારી સામે હતો. હા, તેનું વર્તન દોઢ વર્ષ નહીં પણ પાંચ વર્ષ ના બાળક જેવું હતું. જાણે તે ક્યાંય ગયો જ નહોતો… અમારી સાથે જ હતો…

એ દિવસે હિતેશ ની પુણ્યતિથિ હતી.

ત્યાર પછી દરવર્ષે પુણ્યતિથિના રોજ અચૂક એક દિવસ માટે હેત્વી હિતેશ બની જાય છે. રાત્રે સૂવે હેત્વી અને સવારે ઊઠે હિતેશ… આખા વર્ષ નો પ્રેમ એક જ દિવસમાં અમારી ઉપર ઠલવી દેતો હિતેશ … વધતા વર્ષોની સાથે મેચ્યોર થતો હિતેશ… રાત્રે અમને સૂવડાવી ને પછી જ સૂતો હિતેશ … અને બીજી સવારે ફરી હેત્વી… અને કમાલ ની વાત તો એ છે કે હેત્વી ને આ કશું જ ખબર નથી હોતી. ઇન્ફેક્ટ, હેત્વી માટે તો હિતેશ નું અસ્તિત્વ જ નથી. હેત્વી સંપૂર્ણપણે હિતેશ ને ભૂલી ચૂકી છે.

હેત્વી વધારે ડિસ્ટર્બ ન થાય એટલે દર વર્ષે અમે આ સમયે બે ત્રણ દિવસ ના વેકેશન પર જતા રહીએ છીએ. દૂર… અજાણી જગ્યાએ કે જ્યાં કોઈ અમને ઓળખતું ન હોય, હેત્વી મા આવેલ પરિવર્તન પર ધ્યાન આપવા કોઇ નવરૂં ન હોય અને હિતેશ ના ગયા પછી પ્રશ્નો પૂછી ને હેત્વી ને પરેશાન કરવાવાળા કોઇ ન હોય એવી જગ્યાએ જઈને હિતેશ નો સાથ માણીએ છીએ.

બધું બરાબર ચાલતું હતું સાહેબ, પણ તકલીફ ક્યાં થઈ કે બે વર્ષ પહેલાં હિતેશે માન્યું કે અમે સૂઈ ગયા છીએ, એટલે તે તેના બેડ પર ગયો. પણ નસીબે હું જાગતો હતો. બસ આંખ મીંચી ને મીઠો આનંદ લેતો હતો તે અચાનક મેં કણસવાનો અવાજ સાંભળ્યો. હવે રૂમમાં તો અમારા ત્રણ સિવાય કોઈ હતું નહીં, અને શારદા ભરઊંઘમા હતી તે કણસવાનો અવાજ સાંભળીને મારા કાન ચમક્યા. મેં ઝીણી નજરે જોયું તો મારૂં હૈયું એક ધબકારો ચૂકી ગયું.

મારો હિતેશ… મારી નજર સામે તરફડતો હતો… ડચકાં ખાતો હતો…પરસેવે રેબઝેબ… જીભ તાળવે ચોંટી ગઈ હતી… ડોળા ઊંચા ચડી ગયા હતા…પગ ગોઠણથી ઊંચા કરીને વારે ઘડીએ નીચે પછાડતો હતો…. હાથની મુઠ્ઠી મા ઓછાડ ભીંસાય ગયો હતો…. દોઢ વર્ષ ની ઉંમરે આ રીતે જ હિતેશે દેહ છોડ્યો હતો…મારી નજર સામે જ… અને આજે ફરી એક વાર… એજ તકલીફ… એજ તરફડાટ… જાણે ફરી મૃત્યુ સામે બાથ ભીડી હતી! મેં તરતજ શારદાને ઉઠાડી, પરંતુ તે પણ મારી જેમ જ અસહાય હતી. માત્ર જોઈ રહેવા સિવાય અમે કશું જ કરી શકીએ એમ નહોતા.

ઘડિયાળ માં ત્રણ ના ડંકા પડ્યા… એનો તરફડાટ ચરમસીમાએ પહોંચ્યો અને એક ઝાટકા સાથે એનું શરીર શાંત થઈ ગયું… એકદમ શાંત…. એના શ્વાસ હજુ ચાલુ હતા, હાંફી ગયેલું શરીર થાકી ગયું ‘તુ.. પણ ચહેરા પર નો તણાવ સંપૂર્ણ દૂર થઈ ગયો હતો. ધીરે ધીરે ઊંઘનું શરણ મળી ગયું જાણે! પણ અમારી તો ઊંઘ ઊડી ગઈ ને સાહેબ. હવે અમને સમજાયું કે હિતેશ કેમ દર વખતે અમને સૂવાડાવ્યા પછી જ સૂવાનો આગ્રહ રાખતો…

બીજે દિવસે હેત્વી ખૂબ થાકેલી હતી, દર વર્ષની જેમ. પણ એને થાકોડાનું કારણ ખબર નહોતી. બપોર સુધીમાં એ ફરી ફ્રેશ થઈ ગઈ અને બીજે દિવસે અમે ફરી અમારા ઘેર. પછી આખું વર્ષ હિતેશ નો કોઈ કરતાં કોઈ અણસાર નહીં.

ફરી ગયા વર્ષે હિતેશ સાથે એક દિવસ ની જિંદગી જીવવા અમે પ્રવાસમાં નીકળી ગયા. આ વખતે અમે બંને બરાબર સચેત હતા. બાર વાગતાં સુધીમાં અમે ઘસઘસાટ સૂઈ જવાનો ડોળ કર્યો. છતાં હિતેશ ક્યાંય સુધી અમારી પાસે જ બેસી રહ્યો. કલાક – દોઢ કલાક થઈ હશે પછી તે તેના બેડ પર ગયો. પાંચેક મિનિટમાં જ કણસવાનો અવાજ શરૂ થયો. અમે તરતજ તેની પાસે પહોંચી ગયા. આ વખતે તો મેં ડૉક્ટર ને પણ બોલાવી રાખ્યા હતા. તે પણ તરતજ બાજુ ના રૂમમાંથી આવી ગયા.

ડૉક્ટરે પોતાનું કામ ચાલુ કર્યું. હિતેશ ના બીપીમાં ભયજનક ઉતાર ચઢાવ હતા. હાર્ટ-બીટ એકદમ જ વધી ગયા હતા. એનો વલવલાટ ચાલુ જ હતો. ડૉક્ટરે કંઈ કેટલાય દવા – ઇંજેક્શન આપ્યા પણ પરિસ્થિતિ મા કોઈ ફેરફાર નહીં… અંતે ડૉક્ટર પણ થાક્યા. હોસ્પિટલમાં ફેરવવાની તૈયારી કરતાં હતાં ત્યાં જ ત્રણ ના ટકોરા પડ્યા અને એક ડચકાં સાથે એકદમ શાંતિ છવાઈ ગઈ. બધોજ વલવલાટ શમી ગયો. બીપી નોર્મલ… હાર્ટ-બીટ નોર્મલ અને થોડી વાર પછી શ્વાસોચ્છવાસ પણ નોર્મલ!!!

ડૉક્ટર પણ હતપ્રભ થઈ ગયા. કશું જ સમજાયું નહીં. બીજા દિવસે નબળાઈ ના બહાને હેત્વી નું એ જ ડૉક્ટર પાસે ફરી ચેક અપ કરાવ્યું. અને ડૉક્ટર વોઝ સ્પીચલેસ…

ફરી અમે અમારી રૂટિન લાઈફ મા આવી ગયા. આમ પણ હવે એક વર્ષ માટે અમારે હિતેશ નું નામ પણ નહોતું લેવાનું… પણ સમયને જતાં ક્યા વાર લાગે છે?

આ રવિવારે હિતેશ ની પુણ્યતિથિ છે…

સાહેબ, મારે કહેવાનું બધું મેં આમાં લખી દીધું છે. છતાં તમે વધુ કાંઈ જાણવા ઇચ્છો તો મારો ફોન નંબર નીચે લખ્યો છે. તમે ઇચ્છો તો રૂબરૂ પણ મળી જઈશ.

આભાર. ”

પત્ર પૂરો કરી ને ડૉ. મિસ્ત્રી એ ઘડી વાળી ટેબલ પર મૂક્યો. ખુરશી ના બેકરેસ્ટ પર માથું ઢાળીને જમણા હાથ ની પહેલી બે આંગળી લમણે ટેકવી. બે – ચાર ક્ષણ એમ જ પસાર થઈ હશે ત્યાં ઝાટકા સાથે એકદમ ટટ્ટાર થઈ ને ફરી પેપર્સ હાથ માં લીધા. ફરી એક વાર બધું જ વાંચી ગયા. પછી લેપટોપ ની ઝૂમ કરેલી સ્ક્રીન પર નજર નોંધી મનોમન બોલ્યાં,

“હવે તો હિતેશ ને મળવું જ પડશે… ”

“હવે તો હિતેશ ને મળવું જ પડશે….”

મનોમન બોલી ને ડૉ. મિસ્ત્રી એ ફોન હાથમાં લીધો. ફટાફટ મેહુલભાઈ નો નંબર ડાયલ કરીને ઉચાટ પૂર્વક સામેથી રિસ્પોન્સ મળે તેની રાહ જોઈ રહ્યા. જેવું મેહુલભાઈ નું “હલો… ઓ.. વ.. ” સંભળાયું કે તરત જ ડૉ. મિસ્ત્રી એ બોલવાનું શરૂ કરી દીધું…

“સાંભળો મેહુલભાઈ, તમારી વાત તદ્દન સાચી હતી. આઇ થિંક વી શુડ મીટ. ફોન પર બધી વાત શક્ય નથી. વહેલી તકે મળવું પડશે. ”

” જ્યારે તમે ક્યો સાહેબ, હું તો તૈયાર જ છું. ”

મેહુલભાઈ ના અવાજ મા એક ધરપત હતી. ડૉ. મિસ્ત્રી એ જે રીતે વાત કરી એ પરથી તેઓ એટલું સમજી ગયા હતા કે ડૉક્ટર વાત ની ગંભીરતા સમજી ગયા છે. સામેથી ડૉ. મિસ્ત્રી નો અવાજ સંભળાયો…

“સાંજે સાડા સાતે… મારા ઘરે. ”

“ઠીક છે સાહેબ. હું આવી જઈશ. ”

મેહુલભાઈ નો કોલ કટ કરીને ડૉ. મિસ્ત્રી એ ખુરશી ના બેકરેસ્ટ પર માથું ટેકવ્યું. આંખો બંધ કરીને બે મિનિટ શાંતિ થી પસાર થવા દીધી. ફરી ફોન હાથમાં લઈને એક નંબર ડાયલ કર્યો. સામે છેડે પ્રો. જે. કે. એમ. હતા.

“હલ્લો પ્રોફેસર, હાઉ આર યુ? ”

ડૉ. મિસ્ત્રી ના અવાજ માં મિત્ર સાથે વાત કરવાનો ઉમળકો દેખાઈ આવતો હતો.

“આઈ એમ ફાઈન ડૉક્ , હાઉ અબાઉટ યુ? ”

પ્રો.જે.કે.એમના અવાજ મા પણ એ ઉમળકા નો પડઘો પડ્યો.

“અત્યારે અચાનક… ઈઝ એવરીથીંગ ઓલરાઇટ… ” પછી સ્હેજ અટકી ને ઉમેર્યું… “અબાઉટ હેત્વી…. ”

“નથીંગ ટુ વરી. બસ જરા તમને મળવાની ઇચ્છા થઈ એટલે… આજે સાંજે સાત વાગ્યે… મારા ઘરે… ડોન્ટ બી લેટ. અને હા, હેત્વી ના પેલા બંને ફ્રેન્ડ્સ… રમેશ અને મીના ને પણ સાથે લેતા આવજો….વિધાઉટ ફેઇલ. ”

આટલું કહીને ડૉ. મિસ્ત્રી એ કોલ કટ કર્યો. પ્રોફેસરે ઘડિયાળ મા નજર કરી. એક્ઝેક્ટ પાંચ વાગ્યા હતા અને અજંપાથી ભરેલા બે લાંબા કલાક હજુ પાસ કરવાના હતા. તેમણે પહેલું કામ રમેશ ને કોલ કરવાનું કર્યું. ડૉ. મિસ્ત્રી ના કોલ ની વાત કરી શાર્પ સાત વાગ્યે મીના સાથે ડૉ. મિસ્ત્રી ના ઘરે પહોંચી જવા કહ્યું. પ્રોફેસર નો કોલ કટ થયો એટલે તરતજ રમેશે મીનાને કોલ કરી બધી માહિતી આપી.

ત્રણેય ની નજર વારેવારે ઘડિયાળ પર અટકવા માંડી. મીનાએ તો એક વાર ઘડિયાળ બરાબર ચાલે છે કે નહીં તે ચેક પણ કરી જોયું. રોજ ઊડી જતો સમય આજે જાણે કે થીજી ગયો હતો!

અંતે, સાત માં પાંચે તો ત્રણેય જુદી જુદી દિશામાંથી એક સાથે ડૉ. મિસ્ત્રી ના ઘર પાસે ભેગા થઈ ગયા. એક બીજા સામે સ્મિત ની આપ-લે કરી બધા સાથે જ ઊંબરે આવી ઊભા રહ્યાં. મીનાએ ડોરબેલ વગાડી અને મિસિસ મિસ્ત્રી એ દરવાજો ખોલ્યો. સસ્મિત આવકાર આપીને મિસિસ મિસ્ત્રી બધાને ડ્રોઇંગ રૂમમાં લઈ આવ્યા. અહીં ડૉ. મિસ્ત્રી સિરિયસલી કોઈ પેપર્સ વાંચતા હતા. પ્રોફેસર સાથે શેકહેન્ડ કરીને તેમણે પોતાના હાથમાં રહેલા પેપર્સ સીધા પ્રોફેસર ને થમાવી દીધા અને આંખો થી જ વાંચવાનો ઈશારો કર્યો.

એ મેહુલભાઈ એ લખેલ પત્ર હતો, જે પ્રોફેસર વિસ્મયપૂર્વક વાંચવા માંડયા. પ્રોફેસરે સ્ટેપ્લરમાંથી પાનાં છુટ્ટા કરી દીધા. હવે એક એક પાનું વાંચીને પ્રોફેસર રમેશ ને તથા રમેશ મીના ને પાસ કરવા લાગ્યા. થોડા સમયમાં બધું વંચાય ગયુ એટલે ડૉ. મિસ્ત્રી એ મેહુલભાઈ અને શારદાબહેન સાથેની મુલાકાત ટૂંક મા વર્ણવી. રમેશે પણ એમની વાત માં સાથ પુરાવ્યો.

હવે સંપૂર્ણ પરિસ્થિતિ થી બધાં જ અવગત હતા. મીના ની આંખ મા આંસુ તગતગતા હતા તો રમેશ અને પ્રોફેસર પણ ગળગળા થઈ ગયા હતા. પાણી ના ઘુંટડા સાથે બધાએ પોતાની જાત પર કંટ્રોલ મેળવવાની કોશિશ કરી. બરાબર સાડાસાતે ડોરબેલ વાગી. ફરી મિસિસ મિસ્ત્રી એ દરવાજો ખોલ્યો અને મેહુલભાઈ સાથે ડ્રોઇંગ રૂમમાં આવ્યા. મેહુલભાઈ એ બધાનું અભિવાદન કરી સોફા પર બેઠક લીધી. તેમના ચહેરા પર ઉચાટ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. વળી, રમેશ ની સાથે મીના અને પ્રોફેસર ને જોઈને તેઓ થોડા કન્ફ્યુઝ પણ થઈ ગયા. ડૉ. મિસ્ત્રી એ આવકાર આપીને પ્રોફેસર તથા મીના નો પરિચય આપ્યો અને વાત ની શરૂઆત કરી.

“આવો મેહુલભાઈ, તમારી જ રાહ હતી. આ પ્રો. જે. ક્રિષ્નામૂર્તિ અને આ મીના. એક્ચ્યુઅલી પ્રોફેસરે જ હેત્વી બાબતે મને વાત કરી હતી અને રમેશ તથા મીના હેત્વી ની વધારે ક્લોઝ છે, તો હેત્વી વિશે જે પણ જાણકારી મળી, તે એ બંનેને આભારી છે. ”

મેહુલભાઈ એ એક સ્મિત સાથે બધાનો આભાર માન્યો. ડૉ. મિસ્ત્રી એ આગળ કહ્યું,

“હવે આપણે બધા જાણીએ છીએ કે આ રવિવાર આપણા બધા માટે, અને ખાસ કરીને હેત્વી માટે કસોટી નો દિવસ છે. આપણી પાસે સમય ખૂબ ઓછો છે. પણ સૌથી પહેલાં, મેહુલભાઈ, તમારે મારા કેટલાક સવાલોના જવાબ આપવા પડશે. પછી જ આપણે આગળ વધી શકીશું. ”

“ચોક્કસ સાહેબ. મારી ચકલી… આઇ મીન હેત્વી ને સારૂં થતું હોય તો મારે બીજું શું જોઈએ? પૂછો તમતમારે. ”

મેહુલભાઈ ની વાત સાંભળીને ડૉ. મિસ્ત્રી એ પહેલો પ્રશ્ન પૂછ્યો.

“હેત્વી એ તેની રાતના જાગી જવાની તેની તકલીફ તમને જણાવી હતી? ”

“હા સાહેબ. ”

“તો પછી તમે કંઈ કર્યું કેમ નહીં, અંકલ? ”

મીના થોડી ઉતાવળી થઈ ગઈ. એની નજર સામે અત્યારે હેત્વી નો આંસુ થી ખરડાયેલો ચહેરો તરવરતો હતો… જ્યારે માઉન્ટ આબુ
ની હોટલમાં હેત્વી એ મીનાને બધી વાત કરી હતી ત્યારે તેના વાક્યે વાક્યે એક જ સૂર નીકળતો હતો કે જ્યારે મારા મમ્મી – પપ્પા પણ મારી તકલીફ નથી સમજી શક્યા, તો બીજા પાસે શું આશા રાખવી?

Subscribe for our new stories / Poem

અમિષા શાહ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com