Navalkatha - Read Stories, Poems And News

ધક્કો

વૈભવશાળી લગ્નોત્સવ કે મોટા સામાજિક પ્રસંગોમાં ચાનો કોન્ટ્રાક એનો જ જોવા મળતો. એ અને એનો મદદનીશ બે જણ ગમે તેટલા માણસોને સંતોષકારક ચાની સેવા પૂરી પાડી દેતા. મહેમાનોને ઈર્ષા આવે એવો એનો ભાતીગળ પહેરવેશ આખાય ઉત્સવમાં અનોખી ભાત પાડતો.
કાયમ ઓર્ડર રહેતા એના કારણોમાં તેની એકધારી ચા અને સ્વચ્છતા હતા. પોતે પાકા ચાના પાકા બંધાણી હતા એટલે ચાનો ટેસ્ટ જાળવી શકતા. ઘણી વખત નુકસાની સહન કરી લેતા પણ છાપ ખરડાવા ન દેતા.
શહેરની મોટી પાર્ટીને ત્યાં આજનો ઓર્ડર હતો. રામુની સાથે વહેલી સવારથી સામાન એકઠો કરવામાં લાગી ગયા હતા. રામુ કાકાની સાથે જ રહેતો અને કામ કરતો . બાળપણમાં જ એક અકસ્માતમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેઠો હતો. કાકા પણ એકલા હતા એટલે રામુનો સથવારો મળી રહેતો. બન્નેએ ચાના ધંધામાં નામ કાઢ્યું હતું.
સૂર્યનારાયણના દર્શન થાય તે પહેલાં આ જુગલજોડીએ મંડપ નીચે પોતાની બેઠક જમાવી દીધી હતી. શિયાળાની ઠંડીમાં ચાની ખૂબ કદર થઈ. ચા ન પીતા હોય તેઓને કોફી પહોંચાડી દેતા. મહેમાનોમાં કાકો-ભત્રીજો છવાઈ ગયા.
ગાયકવૃંદે પોતાની કલાથી વાતાવરણને રંગીન અને સંગીન બનાવી દીધું. મહેમાનો મોંઘા નયનરમ્ય પોશાકમાં લગ્નોત્સવ માણી રહ્યાં હતાં. આ બધું ફોટોગ્રાફર પોતાના કેમેરામાં કેદ કરતો હતો.
ચોમાસામાં ઓચિંતું વાતાવરણ પલટાય તેમ રંગમાં ભંગ પડ્યો. વરરાજાના કાકાના શર્ટ પર રામુથી ચા ઢોળાઈ ગઈ. ‘કામચોર , આંધળો છો ? આ ડાઘનું મારે શું કરવું ? બોલાવ તારા શેઠને.’ અરૂણભાઈએ રામુને તતડાવી નાખ્યો. તે ડઘાઈ ગયો અને માફી માંગવા લાગ્યો. અરૂણભાઈ વધુ ગુસ્સામાં આવી ગયા. બધાનું ધ્યાન તે તરફ ખેંચાયું.
દૂરથી જોઈ રહેલા ભીખુકાકા ત્યાં આવ્યા અને રામુ વતી માફી માંગી. અરૂણકાકાએ ધક્કો મારતા કહ્યું,‘આને કંઈક સમજાવો, આવા જ માણસો મળે છે ? ’
ભીખુકાકાએ બે હાથ જોડી કહ્યું , ‘શેઠ, વર્ષોથી આ છોકરો મારી સાથે છે. તેના કામથી મને સંતોષ છે. એનાથી આજે જે ભૂલ થઈ છે તેની સજા હું ભોગવી લઈશ. મારા હિસાબમાંથી કાપી લેજો પણ રામુને ધક્કો ન મારશો. ’ભીખુકાકા અતિતમાં સરી પડ્યા.
વીસ વર્ષ પહેલા પત્નીએ એના સર્ટ પર ચા ઢોળેલી ત્યારે આજ રીતે ધક્કો મારેલો અને પત્ની અને તેના પેટમાં રહેલ…. ’
ભીખુકાકાથી મંડપ મધ્યે વર-કન્યાને જોવાય ગયું અને બંને આંખો છલકાઈ ગઈ.

Subscribe for our new stories / Poem

શૈલેષ કાલરીયા

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com