Navalkatha - Read Stories, Poems And News

મંગળયાત્રા

પ્રસ્તાવના,
આજ જીવનમાં પહેલી વખત એક વાર્તા લખી રહ્યો છું.પ્રસ્તુત વાર્તા એક કાલ્પનિક વાર્તા છે જેનું વાસ્તવિક જીવનમાં કોઈ અસ્તિત્વ નથી.પ્રસ્તુત વાર્તા મારી કાલ્પનિક દ્રષ્ટિએ લખાયેલી છે.જેમાં ગુજરાત ના પાંચ નમૂના મંગળની યાત્રાએ જાય છે. ત્યાં તેમનો એક મિત્ર ગૂમ થઈ જાય છે પછી તેને કેવી રીતે શોધે છે તે વાંચશો એટલે જાણ થશે.આ વાર્તાનો ઉદ્દેશ માત્ર મનોરંજન પૂરું પાડવાનો છે.આભાર.
-સાગઠીયા સચિન

અમારી સંસ્થા છેલ્લાં દસ વર્ષથી અવકાશ સંશોધન પર કામ કરી રહી હતી.છેવટે પહેલી જાન્યુઆરી,2017ના રોજ અમને સફળતા મળી .પણ મુખ્ય સંશોધન તો હજી બાકી હતું.હું અને મારા મિત્રો આ દસ વર્ષોમાં અવકાશ યાન બનાવવામાં મશગુલ હતા. આજ અવકાશ યાન તૈયાર થઈ ચૂક્યું છે.હવે મંગળ પર જવાની તૈયારી થઈ ચૂકી છે.5મી જાન્યુઆરી,2017 ના દિવસે મારો જન્મદિવસ છે પણ મારે મારો જન્મદિવસ મંગળ પર ઉજવવાનો છે તેથી હું મારો જન્મદિવસ મંગળ પર ઉજવવાનો છું.
2જી જાન્યુઆરીના દિવસે હું અને મારા મિત્રો અવકાશ યાનમાં બેઠા અને દસ મિનિટ બાદ અમારું ટેક ઑફ થયું.બધામાં એક અનોખો ઉત્સાહ હતો. ગુજરાતમાંથી અને એ વળી બોટાળવાળા નમૂના મંગળગ્રહ પર જવાના હતા.
અવકાશ યાનમાં ફક્ત પાંચ લોકો જ જઈ શકતા તેથી હું,ગમન,હસમુખ, ગૌતમ અને ઉમેશ આ પાંચ મિત્રો મંગળ પર જવા તૈયાર થયા.અમારું યાન પૃથ્વી પાર કરી ચકયુ હતું અને અમે બધા બ્રહ્માંડમાં દાખલ થયા.ત્યા અમે ઉડતી શિલાઓ અને નાના મોટા પત્થરો જોયા.તે ચમકતા હતા .ધરતી પરથી તેને બધા ‛તારા(star)’ કહે છે.હા,આ તારાઓ અમે નજરે નજર જોયા.મેં આપણી પૃથ્વી જોઇ.તે ખરેખર ગોળ છે!મારા મિત્રોએ અને મેં સાથે મળીને આ બધા દૃશ્યો નિહાળીયા.
3જી જાન્યુઆરી ના દિવસે અમે મંગળ પર પહેલી વાર અમારો પગ મૂક્યો. આ લાલ રંગના ગ્રહ પર ચારેકોર રણ જેવુ છે.ત્યાં બધી બાજુ પર્વતો જોવા મળે છે.અહીં લાલ રંગની રેતી છે જેને કાઠિયાવાડમાં ‛ભોગવા’ની રેતી કહીયે છીએ.ખરેખર મંગળ ગ્રહ ખુબજ દિલચસ્પ છે.અહીં ચારેકોર રહસ્યમય વાતાવરણ છે.ત્યાંની રાત આપણી સાંજ જેવી દેખાય છે.તમને લાગે જ નહિ કે અહીં રાત પડી હોય.આ ગ્રહ પર એકલુ કદી ન અવાય કેમ કે અહીં તમારા સિવાય કોઈપણ જોવા ન મળે.અહીં ફરવા માટે સ્પેસશૂટની જરૂર પડે જ એની વગર મનુષ્ય મૃત્યુ પામી શકે છે.અમે બધાએ સફેદ રંગના સ્પેસશૂટ પહેર્યા હતા.બધા એક જ જેવા લગે પણ બધા મને સરળતાથી ઓળખી લેતા કેમ કે મંગળ ગ્રહ પર જનારા લંબુ માત્ર હું અને ઉમેશ બે જ હતા એમાય વળી ઉમેશ મારા કરતા પણ ઊંચો હતો.
4થી જાન્યુઆરી થતા અમે બધા સંશોધન પર નીકળી પડ્યા. અમે માત્ર પાંચ હતા તેથી ગ્રુપ બનાવવામાં તકલીફ ઊભી થઈ પણ ઊમેશે કહ્યુ કે ‛હું અને સચિન પૂર્વમાં જઇએ તમે ત્રણેય (હસમુખ, ગમન,ગૌતમ) પશ્ચિમમાં જાઓ’.બધાએ માન્ય રાખ્યું.અમે બંને મંગળના વિશાળ રણમાં ચાલતા હતા અને એ અનુભવથી અમને કચ્છના રણની બહુ યાદ આવી. ત્યાં મને વીડિયો ગેમ રમવાની ફુરસદ ક્યાં હતી.અમે બંને સુખદુઃખની વાતો કરતા ચાલ્યા જતા‘તા એવામાં મને મશ્કરી સૂઝી મેં કહ્યું ‛એય હવે જનરલ નોલેજમાં એક નવો પ્રશ્ન આવશે’.આ સાંભળીને ઉમેશ બોલ્યો ‛કયો નવો પ્રશ્ન?’ મેં કીધું કે ‛હવે જનરલ નોલેજમાં પૂછાશે કે ‛મંગળ ગ્રહ પર જનાર સૌપ્રથમ ગાંડો કયો?’ ઊમેશે કહ્યું ‛તેનો જવાબ?’ મેં કીધું ‛ઉમેશ ગાંડો!’ આ સાંભળીને તે મારી પાછળ દોડ્યો મને કહે ‛હેં, હું તને ગાંડો દેખાવ છુ? ઊભો રે તને કવ કે કોણ ગાંડો છે’.
હું ભાગતો ભાગતો નાની અમથી ટેકરી પાછળ સંતાઇ ગયો.હું હાંફી ગયો હતો પણ ત્યાં પાણી ક્યાં હોય?થોડી વાર હું બેસી રહયો પણ મેં ઉમેશનો અવાજ સાંભળ્યો નહિ.મને ગભરાટ થવા લાગી કે એને વળી શું થયું?મેં તેને ઘણો ગોત્યો પણ તે મને ન જડ્યો.હું નિરાશ થયો મને લાગ્યું કે કદાચ તે કંટાળીને યાન તરફ પાછો ફર્યો લાગે છે.હું યાન તરફ ગયો. અમારા યાનમાં જઈને જોયું તો કોઇ નહિ.ઈશ્વરની કૃપાથી અમારા સ્પેસશૂટમાં વાયરલેસ ફિટ કરેલું હતું.તેથી અમે દૂરથી એક બીજાનો સંપર્ક સાધવા સક્ષમ હતા.
વાયરલેસ દ્વારા મેં ઉમેશને સંપર્ક કર્યો પણ તેમાંથી જવાબ ન‘તો આવતો.હવે મને ગભરામણ થવા લાગી અને અને આંખમાંથી આંસુ આવવા લાગ્યા.હું રડવા લાગ્યો પણ રડવાથી એનો ઉકેલ ન મળે. મેં મારા ત્રણ મિત્રો જે પશ્ચિમમાં ગયા હતા તેનો સંપર્ક કર્યો અને તેઓને પાછા બોલાવ્યા અને આખી ઘટના જણાવી. આ સાંભળી એ બધા મને ખીજાવા લાગ્યા કે ‛તારાથી આવડો મોટો માણસ કેવી રીતે ગુમ થઈ જાય?અહીં કાંઈક ગડબડ લાગે છે.આપણે તેને ગોતવો જ પડશે.ચાલો બધા પૂર્વ તરફ જઈએ’.ગૌતમ બોલી ઉઠયો. તેના કહેવા પ્રમાણે અમે પૂર્વ તરફ ગયા.ચાલતા ચાલતા અમે ત્યાં આવીને ઊભા રહ્યા જ્યાં ઉમેશ ગુમ થયો હતો.
ત્યાંથી થોડેક દૂર ચાલ્યા તો બે મોટા પર્વતો વચ્ચેથી એક નાનકડો માર્ગ સીધી રેખામાં જતો હતો.ત્યાં જોયું તો એવું લાગ્યું કે આ માર્ગ કુદરતી રીતે નથી બન્યો પણ માનવે બનાવ્યો હોય એવો આભાસ થયો.ત્યાં આગળ ચાલ્યા અને સવાર થવાની તૈયારી હતી.ગૌતમે કહ્યું ‛હવે આ સમયે આગળ ન જવાય બધા થાકી ગયા છે.ચાલો અહીં આરામ કરી લઈએ’.બધાએ ત્યાં આરામ કર્યો.સવારે મારી આંખ ઉઘડી ત્યાં ગૌતમ, હસમુખ અને ગમન બધા મારી સામે હાસ્ય અને ઉત્સાહની દ્રષ્ટિએ મને જોઈ રહ્યા મેં કહ્યું ‛ શું થયું,ઉમેશ મળ્યો?’ત્યાં તો બધા જોરથી બોલ્યા ‛હેપી બર્થડે’.ગૌતમે જન્મદિવસનું ગીત ઉપાડ્યું.એ સાંભળીને મને હર્ષના આંસુ આવી ગયા.મારા મનમાંથી જ નીકળી ગયું હતું કે 5મી જાન્યુઆરીએ મારો જન્મદિવસ છે.મારી ઈચ્છા પૂર્ણ થઈ.મેં ભગવાનનો આવા મિત્રો આપવા બદલ આભાર માન્યો.થોડોક ઉત્સવ મનાવ્યાં પછી યાદ આવ્યું કે હજી અમારો એક મિત્ર હાજર નથી.
તે રસ્તા પર અમે નજર મારી તો કંઈક નાનો પદાર્થ ચમકતો હતો.ત્યાં જઈને જોયું તો ઉમેશના ચેનમાંનો સૂર્ય ચમકતો હતો.તે તેને ગળામાં પહેરતો.મેં કહ્યું,‛‛આ પરથી સાબિત થાય છે કે ઉમેશ આ રસ્તે જ ગયો છે,ચાલો હવે થોડીક ઉતાવળ કરીએ”.
ઉતાવળે પગે ચાલતા,ભૂખ્યા અને તરસ્યા અમે એ માર્ગના છેડે આવી પહોંચ્યા પણ ત્યાં અમને ઈશ્વરે ઘણો ટેકો આપ્યો.ગમન જે બેગ લાવ્યો હતો તેમાં ખાવા જેવા પદાર્થો ‛સ્પેસફૂડ’ હતા(જેને ખાઇને પાણી પીવાથી બધી ભૂખ ગૂમ થઈ જાય) અને પાણી પણ હતું એટલે બધાએ પોતાની તરસ છીપાવી લીધી.બધાએ આરામ કરી ચાલવાનું શરૂ કર્યું.માર્ગને અંતે એક ગુફા આવી.એ ગુફામાંથી અમે બધા પસાર થયા.એ ગુફાને પાર કરી કે તરત જ એક ખુલ્લો પટ આવી ગયો.આ પટની ચારે બાજુ ગુફાઓ હતી.બધી બાજુ ભયંકર અવાજ આવતા હતા.કાન રાખીને સાંભળ્યું તો કોઈક ‛બચાવો………બચાવો……મને છોડો….કોઈક…કોઈક..મારી મદદ કરો…’એમ બોલતું હતું.‛નકકી આ ઉમેશનો જ અવાજ છે’-ગૌતમ બોલ્યો.અમે દોડીને ત્યાં ગયા તો જોયું કે કેટલાક જનાવર જેવા માનવી ટોળામાં ઉભા રહી ભયંકર અવાજો કાઢતા હતા.બધા લાલ રંગના હતા.બધાના ચહેરા પ્રાણી જેવા અને રાક્ષસ જેવા હતા.તેમના હાથ પાતળાં અને ત્રણ આંગળીવાળા હતા.તેમના પગ પણ હાથની જેમ ત્રણ આંગળીવાળા અને પાતળા હતા.માથે ઉભી ચોટલી હોય એવો પ્રકાશિત પદાર્થ હતો.તે ‛પરગ્રહવાસી’(એલિયન્સ) હતા.
તેઓને જોઈને મારા હૃદયના ધબકારા વધી ગયા.બીકના મારે હું બોલી ઉઠ્યો,‛……..ઉમેશ…ઉમેશનું આ રાક્ષસોએ શું કર્યું હશે?’પણ ત્યાં જ ઉમેશની ચીસ સંભળાય અને હું અને ગમન રડવા લાગ્યા.ગમન તો હાથમાં ન હતો રહેતો.કેમ ચૂપ બેસે?ઉમેશનો સગો ભાઈ હતો.મને પણ રડવું કેમ ન આવે?મારો પરમ મિત્ર હતો.મારી ફીલિંગ્સને માત્ર તે જ સમજી શકતો.આ બધું જોતા ગૌતમ ખીજાયો,‛તમે લોકો ચૂપ થાઓ નહિતર એ જાનવરો આપણને પણ પકડી લેશે’.એ સાંભળીને અમે બંધ થઈ ગયા અને એક ટેકરી પાછળ સંતાય ગયા.થોડીવાર થઈ વળી પાછી ભયંકર ચીસ સંભળાય અને પરગ્રહવાસીઓ ભયંકર અવાજ કાઢવા લાગ્યા.એક ટોળું ઉમેશને લાવી રહ્યું હતું.એ ટોળાના હાથમાં ધારદાર ,લાકડાને ચીરીને બે ભાગ કરી નાખે તેવી ધાતુની પટ્ટી હતી.ઉમેશને બેડીઓથી બાંધી દેવામાં આવ્યો હતો.તે શસ્ત્રોથી ઉમેશને મારવામાં આવ્યો હોય તેવું દેખાતુ હતું.તેના ચહેરા પર આંસુની ગંગા વહી રહી હતી.એ દ્રશ્ય જોઈ બધાની આંખમાં આંસુ આવી ગયા.ગૌતમે કહ્યું,‛આપણે ગમે તેમ ઉમેશને બચાવવો જ પડશે.આ પરગ્રહવાસીઓનો શો ભરોસો?કદાચ ઉમેશ આપણી વચ્ચે રહે પણ નહીં’.મેં કહું,‛ગૌતમ મહેરબાની કરીને હવે આ શબ્દ ફરી ના બોલતો.ઉમેશ આપણી સાથે જ પાછો ફરશે.પણ આપણે તેને કઈ રીતે બચાવીશું?’ઘડીક તો તેને વિચાર્યું અને પછી બોલ્યો,‛તારો મોબાઇલ સાથે લાવ્યો છો?’મેં હસતા મુખે કહ્યું,‛એતો મારુ સેકન્ડ હાર્ટ છે.એને કાંઈ થોડો હું ભૂલું?તેનું શું કામ છે?’જવાબમાં તેણે કહ્યું,‛તારા મોબાઇલની ફ્લેશ ત્યાં તે રાક્ષસો પર મારી જોતો.તે ડરે છે?’તેના કહેવા પ્રમાણે મેં મોબાઇલની ફ્લેશ મારી ત્યાંતો બધા એલિયન્સ આમ તેમ ભાગવા લાગ્યા.જાણે ભૂકંપ ન આવ્યો હોય.આ જોઈ ગૌતમ ઉત્સાહમાં આવી બોલ્યો,‛યસ.આઈડિયા ઇસ વર્કીંગ!(યુક્તિ કામ કરે છે).પણ આ એકથી કંઈ નહીં થાય’.ત્યાં હસમુખ બોલ્યો,‛હું પણ ફોન લાવ્યો છું ચાલ હું પણ ફ્લેશ ચાલુ કરું’.અમે બંનેએ ફ્લેશ દ્વારા એલિયન્સને ભગાડ્યા પણ એક એલિયન,જેણે ઉમેશને બાંધેલો હતો તેના પર ફ્લેશની અસર જ થઈ.તે રાક્ષસ જેવો અમિતાભ બચ્ચનથી પણ ઊંચો અને કદાવર હતો.
હું અને હસમુખ મુંઝાયા. હસમુખ કહેવા લાગ્યો,‛સચિન હવે શું કરશું,હવે….. હવે..આપણે ગયા’.મેં ઘણું વિચાર્યું અને હસતા હસતા કીધું,‛હસમુખ,યાર ગુજરાતી ક્યાંય પાછા પડ્યા છે?એક શેર બજાર સિવાય અને આ તો મંગળ છે.આ નડે એટલે આપણે તેના રંગનો નંગ પહેરીએ છીએ,અને તેના પર વસતા નંગથી આપણે બીકાવી?ચાલ,આજ ગુજરાતનું પાણી દેખાડી દઈએ.(નરેન્દ્ર મોદીનો અભિનય કરતા…)ગુજરાતનો વિકાસ’.
આ બધું ગૌતમ અને ગમન સાંભળી ગયા.એ બંને દોડી આવ્યા અને કહેવા લાગ્યા,‛મોદી સાહેબ, હવે શું કરવાનું છે?’મેં કહ્યું,‛ગુજરાતી બાજે ત્યારે શું કરે?’ગૌતમે જવાબ આપ્યો,‛દેવાવાળી(મારે)’.મેં કહ્યું,‛બસ એ જ’.ત્યાં તો બધામાં પાવર આવ્યો અને ચારેય થઈને ફેરવીને પાટું(લત) માર્યું કે પરગ્રહવાસીના ફ્યુઝ ઉડી ગયા.તે જમીન પર પટકાયો.ઉમેશ તેની આનંદરૂપી ચીસ પાડવા લાગ્યો,“ભાઈ!!!….ભાઈ!!!..શું વાત છે.વન્સ મોર!!! મેં કીધું,‛આમાં વન્સ મોર ન હોય હવે છટકવી’.ઉમેશને મેં છોડ્યો તેણે કહ્યું,‛મને ખબર હતી કે તમે મને બચાવવા જરૂર આવશો જ’.મેં રમૂજ કરતા કહ્યું,‛ચલ બસ કર,અબ રુલાએગા ક્યા પગલે?ઈમોશનલ મત કર’.ત્યાં તો તે હસતા હસતા બોલ્યો,‛તારી કોમેડી કોઈ દિવસ મારો પીછો નથી મુકવાની’.બધા ઉમેશને ભેટ્યા. અમે ચાલવાનું શરૂ કર્યું.બધા પોતાનો જીવ લઈને દોડીયા ત્યાં પેલા પરગ્રહવાસીઓ તેમના શસ્ત્રો લઈને આવી પહોંચ્યા. બધા મુંઝાયા. ગૌતમ કહે,‛હવે શું કરશું, સચિન’.મેં મોદીનો અભિનય કરતા હાથ ઊંચો કરી ગૌતમને ઈશારો કર્યો.ગૌતમ સમજી ગયો અને જોરથી બોલ્યો,‛ગુજરાતનો વિકાસ’.ત્યાં બધા ફોમમાં(ઉત્સાહ) આવ્યા અને આડેધડ દેવાવાળી કરી અને રસ્તામાં આવેલા પરગ્રહવાસીઓ જમીન પર પટક્યા અને બધા યાન તરફ દોડયા.
અમે પાંચેય ભાગતા ભાગતા યાને આવી પહોંચ્યા અને અંદર પ્રવેશ્યા. બધાએ ઈશ્વરનો આભાર માન્યો સૌએ પોતાના માતાજીને અને સુરાપુરા દાદાને યાદ કર્યા અને તેમનો આભાર માન્યો.ગૌતમે તાત્કાલિક યાન ચાલુ કર્યું અને બધા કુશળમંગળ પૃથ્વી પર પધાર્યા. ઉમેશને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યો.અમારા બાકીના મિત્રો અમને જોઈને ખુશ થઈ ગયા.તેઓ અમને ભેટી પડ્યા અને મંગળ વિશે પૂછવા લાગ્યા.છાપામાં આ ખબર બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ.બધા 4-5 દિવસમાં તેજસ્વી તારલા(સ્ટાર્સ) બની ટી.વી. પર છવાઈ ગયા.ગૌતમે રમૂજ કરતા કહ્યું,‛સચિન,હવે પાછું મંગળ પર જવું છે?’મેં કહ્યું,‛ના બાપ ના!મંગળનો ચાળો ના લેવાય.તોય ગુરુ શું કહે છે.ચાલ ત્યાં જઈએ’.ત્યાં તો બધા ઉત્સાહમાં આવી ગયા અને કહેવા લાગ્યા,‛ચાલો ચાલો ત્યાં તો મજા પડશે’.
26મી જાન્યુઆરીએ અમારા અવકાશયાને નવી ઉડાન ભરી અને ફરી એક વાર અમે પાંચેય બ્રહ્માંડમાં દાખલ થયા અને યાનમાં ક્યાંકથી જોરથી પાણી આવીને મારા મોઢા પર છટકાયું અને મારી આંખોમાં પડ્યું અને મેં મારી આંખ સાફ કરી આંખો ખોલી તો મારા ફુઈ મને જગાડતા હતા.તે કહેતા કે,‛સચિન,ઉઠ દસ વાગ્યા.આજ તારો જન્મદિવસ છે.આજ તો તારે વહેલા ઉઠીને બધા વડીલોના આશિર્વાદ લેવા જોઈએ.’

Thanks for reading

Subscribe for our new stories / Poem

સચિન સાગઠિયા

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com