Navalkatha - Read Stories, Poems And News

રબને બના દી જોડી

સિલ્વર જ્યુબિલી…. પચ્ચીસમી વર્ષગાંઠ…
પચ્ચીસ વર્ષ લગ્ન ના અને પચ્ચીસ વર્ષ સંયુક્ત કુટુંબના… છેલ્લા પચ્ચીસ પચ્ચીસ વર્ષો થી જે સવાલ તે હસીને ટાળી દેતી, તે સવાલ આજે જાહેરમાં, સ્ટેજ પર સજોડે બેસાડીને ફરી પૂછાયો,

“આજે સગા ભાઇઓ પણ સાથે નથી રહી શકતા અને તમે બે મિત્રો ના પરિવાર પચ્ચીસ વર્ષ થી કોઇ પણ ખટરાગ વિના…. કેવી રીતે?”

આશ્ચર્યથી પહોળી થયેલી કેટલીય આંખો તેમની તરફ જ મંડાયેલી હતી. માઈક ‘પતિદેવ’ ને સોંપ્યુ. અને તે ખોવાઈ ગઈ પચ્ચીસ વર્ષ પહેલાંની એ રાતમાં… મધુરજની ની વાત માં…

“હું એક્ચ્યુઅલી… આમ … ટોમબોય ટાઇપની” તેણે હળવેથી વાત ની શરૂઆત કરી હતી. પછી પ્રત્યાઘાત જોવા ક્ષણેક અટકી, પરંતુ કોઇ પ્રતિક્રિયા ન થઈ. વળી આગળ કહ્યું,

“મુશ્કેલી માં ફસાયેલી છોકરીઓને મદદ કરવાનું બહુ ગમે… આઇ મીન, મને છોકરીઓ જ બહુ ગમે… આઇ મીન, ડુ યુ અંડરસ્ટેન્ડ?”

હિંમત કરીને બોલી તો દીધું, પછી ઝુકેલા ચહેરે, ખાલી નજર ઉઠાવીને જોયું તો અણધાર્યો પ્રતિસાદ મળ્યો. ‘પતિદેવ’ ની આંખમાં આંસુ હતાં અને મુખ પર આનંદ. અણધાર્યા શબ્દો કાને પડ્યા…

“હાશ! મારા દિલનો બોજ ઊતરી ગયો. છે તારે કોઈ સાથીદાર… મારી જેમ?”

સંમતિ મા ડોક નમી ગઈ અને બંનેના સાથીદાર પણ પરણી ગયા. ત્યારથી ચારેય સાથે જ રહે છે… એકજ ઘરમાં…

‘પતિદેવ’ એ શું જવાબ આપ્યો… ખબર નહી, પણ તાળીઓ ના ગડગડાટે તે વર્તમાન મા ખેંચાઈ આવી. લોકો ના ચહેરા પરનો આદર જોઈ તે સમજી ગઈ… રાઝ અભી બરકરાર હે…

અમિષા શાહ _અમી

Subscribe for our new stories / Poem

અમિષા શાહ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com