Navalkatha - Read Stories, Poems And News

રાગસિદ્ધિ ૩

“આર્યને જ્ન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…” શૃંગારખંડમાં વસ્ત્રસજ્જા કરી રહેલા રજતસેનને જોઈ આરતીની થાળી લઈને આવતા કૌમુદીનીએ કહ્યું.
“અરે, ખૂબ ખૂબ આભાર દેવી…” આરતી લેતા રજતસેને પ્રેમપૂર્વક કહ્યું અને તેની નજર કૌમુદીનીના ચેહરા પર સ્થિર થઈ
“આજે પુર્ણિમાનો ચંદ્ર કેમ વિલીન અવસ્થામાં છે?” કૌમુદીનીની ચિબુક પકડી રજતસેને પૂછી બેઠા અને કૌમુદીનીએ અશ્રુભીની આંખે પોતાનું મસ્તક રજતસેનના ખભા પર ઢાળી દીધું.
“મારાથી કાકીશ્રીની તકલીફ હવે સહન નથી થતી આર્ય… ઉદયગીરી હવે રાજકુંવર વિના નહીં રહી શકે. કોઈક માર્ગ શોધોને આપ…” થોડીક્ષણોની ચુપકીદી પછી કૌમુદીનીએ રજતસેનની આંખોમાં આંખ પરોવતા કહ્યું. રજતસેને એકપણ ક્ષણ ગુમાવ્યા વિના તરતજ ત્યાં બાજુમાં પડેલું આસન નજીક લાવી કૌમુદીનીને તેના પર બેસાડી પાણી નો પ્યાલો તેના તરફ ધર્યો.
“દેવી એક માર્ગ છે… પણ સ્હેજ દુષ્કર છે.” પાણીનો પ્યાલો એક તરફ મૂકી કૌમુદીનીની બાજુના આસન પર બેસતા તેના ખભે હાથ મૂકી રજતસેને ધીમેથી વાત શરૂ કરી.
“શું આર્ય? હું ગમે તેવા દુષ્કર માર્ગ પર ચાલીને પણ ઉદયગિરિને રાજકુવર આપવા માંગુ છું. મારી કાકીશ્રીના ખોળામાં રમતો બાલગોપાલ જોવા માંગુ છું… આપ બસ મને માર્ગ બતાવો” આશાની કિરણોને સ્મિત અને હર્ષાશ્રુમાં સમાવતા કૌમુદીની બોલી ઉઠી
“કોઈ પદ્મિની નારી ના હસ્તે યોગ્ય વિધીથી પુત્રપ્રાપ્તિ યજ્ઞ કરવામાં આવેતો… જો યોગ્ય વિધીથી યજ્ઞ થશે તો કાકાશ્રીને પુત્ર પ્રાપ્તિ અવશ્ય થશે…” રજતસેન સાવચેતીથી વાત ગોઠવતા બોલ્યા
“પદ્મિની?? કઈ રીતે થશે આ યજ્ઞ?? આપે કોઈ અન્ય લોકો પાસેથી માહિતી એકઠી કરી?? હું કઈંજ સમજી નહીં આર્ય…” કૌમુદીની આશ્ચર્યવશ રજતસેનને જોઈ રહી
“હા, મે ઘણી જ તપાસ કરી છે વિગતવાર આ વિશે દેવી… વત્સદેશના રાજા મારા મિત્ર છે એમણે જ મને આ સંદર્ભે ઉપાય સુજાવેલો. ત્યારબાદ હું આ ઉપાયની પુષ્ટિ માટે આપણાં રાજગુરુ આચાર્ય ઉષાયનને પણ મળ્યો હતો. તેમણે પણ ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કર્યા બાદ કહ્યું કે અંતિમ માર્ગ તરીકે આપણે પદ્મિની દ્વારા યજ્ઞ કરાવી શકીએ. અને આજે સાયંકાળે ઉત્સવમાં જ્યારે આચાર્ય આવશે ત્યારે તે બધીજ વાત વિગતવાર કહેશે…” રજતસેન કહી રહ્યા અને કૌમુદીની હરખભેર તેમને જોઈ રહી…
*
નંદિનીના લગ્નની દરેક વિધિઓ ખૂબ સુંદર રીતે ચાલી હતી. દુલ્હનના પહેરવેશમાં અદભૂત લાગતી નંદિની અને તેને જ બંને હાથેથી ખભેથી પકડીને ચાલતી સમગ્ર ભારતવર્ષની બેનમૂન સુંદરી વૃશાલીને જોઈને અમરાવતીની પ્રજા નિશબ્દ થઈ ગઈ હતી. દેવદુર્લભ એવું રૂપ અને એમાં પણ ખૂબ માવજતથી થયેલા સોળે શણગાર…
લગ્નવેદી ના પ્રવેશ પર નંદિનીને સ્વ્પનદત્ત પાસે ઊભી રાખી વૃશાલી દૂર ખસી ગઈ.
અમરાવતીના સેનાપતિ જયવંત સાથેના નંદિનીના લગ્ન વૃશાલી માટે સ્વપ્નથી ઓછા તો નહોતા જ… તે લગ્નવેદીની એકતરફ ઊભી રહી બધા દ્રશ્યો નિહાળીજ રહી હતી કે એક અંગરક્ષિકા તેની તરફ આવી.
“દેવી માફ કરશો આમ આવવા માટે પણ આપે અત્યારે જ ભવનમાં આવવું પડશે…” સ્હેજ ગભરાહટમાં તે ફ્ક્ત વૃશાલીજ સાંભળી શકે તેટલું ધીમેથી બોલી.
“શું વાત છે? આટલી ગભરાયેલી કેમ છે તુ…” સ્વસ્થ રહેવાનો પ્રયાસ કરતી વૃશાલીના સ્વરમાં અનાયાસે જ ડરનો નાદ ભળી રહ્યો હતો…
“દેવી હું વધુ નહીં કહી શકું. કૃપયા આપ પધારો…” ખૂબ ધીમેથી ફ્ક્ત વૃશાલીજ સમજી શકે તેવા ભાવ સાથે તેણે હકારમાં માથું હલાવ્યું અને જાણે વૃશાલીના પગ તળેથી જમીન જ સરકી ગઈ…
તેના ફ્ક્ત હોઠ જ ફફડયા ”મા…?!!”
ત્યાં આવેલ અંગરક્ષિકાએ ફરી હકારમાં માથું હલાવ્યું. વૃશાલીનું ગળું સુકાવા લાગ્યું. માગશરના મહિનામાં પણ તેના તેજસ્વી કપાળ પર પ્રસ્વેદના બુંદો છવાઈ ગયા.
તેણે સરાસરી નજર હસ્તમેળાપ કરતી નંદિની પર નાંખી અને વળતી જ પળે ધીમા પગલે કોઈને અણસાર ના આવે તેમ તે ત્યાંથી સરકીને ભવનના અભયંતર ગૃહમાં આવેલ અંગરક્ષિકા સાથે ચાલી ગઈ.
*
ઉદયગિરીનો રાજમહેલ નાનીમોટી દીપમાલિકાઓ અને ભિન્ન ભિન્ન પ્રકારના મનમોહક પુષ્પોથી શણગારાયેલો હતો. નગરનું લગભગ પ્રત્યેક શ્રેષ્ઠીજન યુવરાજ રજતસેનના જન્મદિવસના ઉત્સવનો ભાગ બનવા ઉત્સાહી જણાઈ રહ્યા હતા.
રજતસેનની પડખે જ ઊભા રહીને દરેક વ્યક્તિનું અભિવાદન જીલી રહેલી કૌમુદીનીની વિશાળ મૃગનયની આંખો આ માનવ કોલાહલ વચ્ચે આચાર્ય ઉષાયનને જ શોધવા મથી રહી હતી. આચાર્ય ઉષાયન સાથે પુત્ર પ્રાપ્તિ યજ્ઞની શક્યતાની પુષ્ટિ કર્યા પછી જ તે રત્નવતીને કઇં પણ જણાવવા ઇચ્છુક હતી.
તે હજી કઇં આગળ વિચારે તે પહેલા જ દૈવીક ત્યાં આવી પહોંચ્યો
“આચાર્ય આપણને સહુને એકસાથે મળવા ઈચ્છે છે કુમાર…” સહેજ જુકીને તેણે રજતસેન અને કૌમુદીનીને સંભળાય તેવી રીતે જ કહ્યું.
પળનો ય વિલંબ કર્યા વિના તે ત્રણેય ઉદ્યાનથી સહેજ દૂર આવેલી ગ્રીષ્મ વાટિકામાં આવી પહોંચ્યા… કૌમુદીનીના આશ્ચર્ય વચ્ચે રાણી રત્નવતી અને ઉદયગીરીના મહારાજ ત્યાં પહેલેથી જ હાજર હતા.
“રાણી રત્નવતી આપની તપસ્યાનો અંત હવે નિકટ જ સમજશો… શિવ પાર્વતીની કૃપા અને આપના જમાઈ રજતસેનના અથાગ પ્રયત્નોથી એક માર્ગ મળ્યોછે જેનાથી ઉદયગીરીનો વારસ અવશ્ય આવશે.” આચાર્ય ઉષાયન બહુ ધીરજથી વાત ગોઠવી રહ્યા હતા.
“શું માર્ગ આચાર્યશ્રી? મને જલ્દી કહો…” રાણી રત્નવતી અધીરા થતાં બોલી ઉઠ્યા.
“પદ્મિનીની મદદથી થતો પુત્રપ્રાપ્તિ યજ્ઞ…” આચાર્યએ વાત મૂકી
“પદ્મિનીથી? પદ્મિની કઈ રીતે પ્રાપ્ત થાય ?” કૌમુદીનીએ પ્રશ્ન કર્યો.
“પદ્મિની એના સમયે પૃથ્વી પર અવતરિત થતી જ રહેછે અને સુકુમાર પદ્મિની દ્વારા જો વિધિવત યજ્ઞ કરવામાં આવશે તો રાણી રત્નવતીના ખોળામાં પુત્ર રમતો જોવા મળશે જ…” આચાર્યએ વિશ્વાસથી કહ્યું.
“પદ્મિનીનો અંહી ઉપયોગ કઈ રીતે હોય? મે આ વિષે પહેલા કેમ સાંભળ્યુ નથી આચાર્ય?” અત્યાર સુધી શાંત રહેલા મહારાજે પ્રશ્ન કર્યો.
“પરમકૃપાળુ, યુવરાજ રજતસેન જ્યારે આ માહિતી મારી પાસે લઈ આવ્યા ત્યારે મારા ધ્યાનમાં આ વાત આવી… રાજા દ્રુપદના પુત્રપ્રાપ્તિ યજ્ઞ વિષે આપણે સૌ માહિતગાર છીએ. દ્રૌપદી પોતે પદ્મિની હતી અને યજ્ઞનો ભાગ પણ હતી એટ્લે જ રાજા દ્રુપદ ધૃષ્ટધૂમ્નાની પ્રાપ્તિ કરી શક્યા હતા. આ વાત વત્સદેશના રાજા પણ જાણેછે. આ ઉપાયથી આપણે આપણી મનોકામનાની પૂર્તિ જરૂર કરી શકીશું.” આચાર્યએ વિગતવાર સમજાવ્યું.
કૌમુદીની અને રત્નવતી બંનેના મુખકમળો પર આશાની લાલીમા છવાઈ ગઈ.
“તો આપણે રાહ શાની જોઈએ છીએ આચાર્ય? શોધો કોઈ પદ્મિનીને…” પોતાના હર્ષમાંથી બહાર આવતા રત્નવતીએ કહ્યું.
“દેવી આપણે તો શોધવાની પણ જરૂર નથી. ઉદયગીરીના યુવરાજશ્રી એ ઉદયગીરીના ઉત્તરાધિકારી માટે પહેલેથી જ પદ્મિની પણ શોધી લીધી છે. આપણાં કુમાર દૈવીક તે કાર્ય અર્થે જ અમરાવતી ગયા હતા…” દૈવીક અને રજતસેન પર કૃતજ્ઞતા દર્શાવતા આચાર્ય બોલ્યા અને પછી સહેજ અટકી દૈવીકના હાથમાંથી ચિત્રનું કોકળું લઈ ઉપસ્થિતજનોની સામે ખોલી તેમને બતાવતા બોલ્યા…
“આ વૃશાલી છે. અમરાવતીની સર્વશ્રેષ્ઠ નર્તકી. તે સાક્ષાત પદ્મિની જ છે.”
થોડી ક્ષણો પૂરી ગ્રીષ્મકુટીરમાં ચુપકીદી છવાઈ ગઈ. કૌમુદીની અને રત્નવતી સહિત બધાજ વૃશાલીના ચિત્ર પર મોહિત થઈ ગયા.
ક્યાંક કોઈ ખૂણેથી કૌમુદીનીના અંદરની ઈર્ષ્યા વૃશાલીને ક્યારેય પણ ઉદયગીરી ના આવવા દેવા માટે પોકારી રહી. આ દેવદુર્લભ રૂપની સ્વામિની જો ઉદયગીરી પધારે તો શું થઈ શકે તેની કલ્પનાજ તેને ધ્રુજાવી ગઈ…
તે હજી પોતાના વિચારોના વમળથી બહાર આવે તે પહેલા જ તેના કાને રાણી રત્નવતીનો અવાજ પડ્યો.
“આજે જ વૃશાલી ને ઉદયગીરી લઈ આવવા માટે દુત રવાના કરો…”
કૌમુદીનીનું મન ચીસ પાડી રહ્યું પણ તેના ગળામાંથી એક શબ્દ પણ ના નીકળી શક્યો.

Subscribe for our new stories / Poem

દર્શીતા જાની

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com