Navalkatha - Read Stories, Poems And News

રાગસિદ્ધિ ૪

ક્યાંક કોઈ ખૂણેથી કૌમુદીનીના અંદરની ઈર્ષ્યા વૃશાલીને ક્યારેય પણ ઉદયગીરી ના આવવા દેવા માટે પોકારી રહી. આ દેવદુર્લભ રૂપની સ્વામિની જો ઉદયગીરી પધારે તો શું થઈ શકે તેની કલ્પનાજ તેને ધ્રુજાવી ગઈ…
તે હજી પોતાના વિચારોના વમળથી બહાર આવે તે પહેલા જ તેના કાને રાણી રત્નવતીનો અવાજ પડ્યો.
“આજે જ વૃશાલી ને ઉદયગીરી લઈ આવવા માટે દુત રવાના કરો…”
કૌમુદીનીનું મન ચીસ પાડી રહ્યું પણ તેના ગળામાંથી એક શબ્દ પણ ના નીકળી શક્યો.
“દેવી એક ખૂબ મોટી સમસ્યા છે તેમાં… દૈવીકે મહારાજ અને મહારાણી સાંભળી શકે તે રીતે કહ્યું.
“હું પોતે જ આ પદ્મિની નારીને ઉદયગીરી આવવા નિમંત્રણ પાઠવવા ગયો હતો… પણ તેણે મને સાફ સાફ ઇનકાર કરી દીધો… તે કોઈજ વાત સાંભળવા તૈયાર નહોતી. રૂપના ઘમંડમાં અને ઐશ્વર્યના મદમાં સતત રાચતી આ નારી સીધી રીતે ઉદયગીરી આવવા તૈયાર નહીં થાય તેવું મારો અનુભવ છે.”
“તો આપણે રાજાજ્ઞાનો સહારો લઈ શકીએ. આપણે સીધો અમરાવતીના મહારાજને પત્ર મોકલી કહી શકીએ કે વૃશાલીને અંહી મોકલી આપે…” રત્નવતી તરત બોલી ઉઠી.
“દેવી, આમ કરવું અત્યારે યોગ્ય નથી લાગતું મને… આપણે ના કહી શકીએ કે રાજ્યના ભાવિ વારસદાર માટે પદ્મિની યજ્ઞ નિમિતે વૃશાલીને મોકલો… આપણે કોઈ મધ્યમ માર્ગ જ શોધવો રહ્યો આ સમયે. જો તે મધ્યમ માર્ગ વિફળ જાય તો અને તો જ આપણે રાજજ્ઞાનો ઉપાય અપનાવીશું.” અત્યાર સુધી મૌન રહેલા ઉદયગિરિના રાજા ચંદ્રસેન બોલ્યા.
*
ભિન્ન ભિન્ન આકારની દીપમાલિકાઓ, રત્નજડિત આસનો, નાના મોટા દર્પણો અને વિશાળ પલંગથી સુશોભિત વૃશાલીનો નયનરમ્ય શયનકક્ષ. આ શયનકક્ષમાં ભાગ્યે જ વૃશાલી સિવાય કોઈને આવવાની પરવાનગી હતી.
તે કક્ષના વાતાયન પાસે રાખેલા આસન પર એક જાજરમાન સ્ત્રી બિરાજમાન હતી. સાવ સામાન્ય વસ્ત્રોમાં અલંકાર રહિત હોવા છતાં તેનું રૂપ અને વ્યક્તિત્વ નીખરીને આવતું હતું.
તેને જોતાજ વૃશાલી તેની નજીક દોડી આવી અને તેને વળગી પડી…
“માં… તમે અત્યારે… પાંચ વર્ષ પૂરા થઈ ગયા કે શું?”
“હા, મારા દીકરા પાંચ વરસ પૂરા થયા… મારી તપસ્યાનો અંત આવ્યો… આજે હું તને જોઈ શકું છું.” વૃશાલીના માથા પર હાથ ફેરવતા તે સ્ત્રી બોલી. અને વૃશાલી નાના બાળકની જેમ તે સ્ત્રીને વળગીને રડી પડી…
“આ વખતે કેટલો સમય મારી પાસે રહેશો??” સહેજ અળગી થઈને વૃશાલીને પૂછ્યું.
“આજે એક જ દિવસ છું દીકરા…” તે સ્ત્રી બોલી રહી અને વૃશાલીની આંખોમાં ફરી જલજળિયા આવી ગયા.
“માં… હજી કેટલો સમય!!??” વૃશાલીની આંખોમાં કરોડો સવાલો દેખાતા હતા.
“વૃશાલી સ્વીકાર સિવાય કોઈ માર્ગ છે?!!” તે સ્ત્રીએ વૃશાલીના ગલ પર હાથ મૂક્યો ને વૃશાલી ત્યાંથી કક્ષના દ્વાર તરફ જવા લાગી…
“વૃશાલી હું તને તારા પિતા વિષે જણાવા આવીછું આજે…” તે સ્ત્રી એકાએક બોલી ઉઠી. વૃશાલીના પગ ત્યાંજ થંભી ગયા. તે ફરીને પાછી તેની માં પાસે આવી. અને તેની સામે જ ત્યાં આસન પર ચૂપચાપ બેસી ગઈ.
“હું અમરાવતીમાં જ જન્મેલી અને નૃત્ય શિખેલી. અંહિની રાજનર્તકીની શિષ્યા મેઘાવી છું. આ બધી જ સંપતિ મારા ગુરુમાતા સ્વર્ણપ્રભાની છે. જે હવે તને વારસા રૂપે મળેલી છે…
હવે મૂળ વાત પર આવું છું હું…
આજથી ઠીક 18 વર્ષ પહેલા જ્યારે હું સ્વર્ણપ્રભાની સર્વશ્રેષ્ઠ શિષ્યા હતી ત્યારે ગુરુમાતાની આજ્ઞાથી પ્રતિયોગિતા અર્થે હું વિરાટના એક રાજ્ય માધુપુરમાં ગઈ હતી.
ત્યાં ભારતવર્ષની પાંચ બેજોડ નર્તકીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા હતી જેમાં હું એક પછી એક વિજય હાસિલ કરી રહી હતી…
મારા રૂપ અને નૃત્યથી પ્રભાવિત થઈ એક બહુ સુંદર યુવક મારી તરફ આકર્ષાયો. હું પણ તેના યૌવન અને રૂપથી અંજાઈ ગઈ… સંયમનું સ્થાન એકજ ક્ષણમાં પ્રેમની રાગિણીઓએ લઈ લીધું. અને હું મારૂ બધુ જ તે યુવાનને સોપી દેવા તત્પર થઈ ઉઠી.
મારા મનના પ્રત્યેક ખૂણામાં તેની સુગંધ ભળી ચૂકી હતી. અને તેના વિષે કઈંજ વધુ પૃચ્છા કર્યા વિના હું તેની સાથે વિવાહ બંધનમાં બંધાવા વ્યાકુળ થઈ ગઈ હતી.” મેઘાવીની આંખોમાં વિષાદ છવાયો. તેના ગળે સહસા જ ડૂમો બાજયો અને બે અશ્રુ તેની આંખથી સરી ગાલ પર આવી ગયા… તે આગળ કઇંક બોલવાનો પ્રયાસ કરી રહી હતી પણ શબ્દો ને વાણીનો મેળ કોઈરીતે તે સાધી શકે તેમ નહોતી.
વૃશાલી તેની માતાની અવઢવ ખૂબ સારી રીતે સમજી ગઈ. તેણે તરત જ કક્ષની બહાર ઊભેલી અંગરક્ષિકાને અંદર આવવા હાકલ કરી,
“જી દેવી…”
“અત્યારે જ જળ મંગાવો અને શુભ્રાને કહો કે મગનું યુષ આપી જાય તત્કાળ…” વૃશાલી આદેશ આપતા બોલી ને અંગરક્ષિકા મસ્તક નમાવી ચાલી ગઈ.
“માં, તમને કષ્ટ પડતું હોય તો મારે કઈંજ જાણવું નથી ભૂતકાળ વિષે આપના કે પિતા વિષે મારા…” વૃશાલી મેઘાવીના ખભે હાથ મુક્તા બોલી.
“અરે વૃશાલી, આ ભૂતકાળ જ તો છે જે ટકાવી રાખે છે આ શરીર ને… સતત જીવતા રહેવાની ઈચ્છા અકબંધ રાખે છે. આ અધૂરી વાર્તાના જોરે જ તારી માં તારાથી પાંચ પાંચ વરસ દૂર રહે છે. હજી જીવંત રહે છે. બધુ જ ગુમાવીને પણ એક આશા જીવંત રાખી શકે છે…
હજી તો તું કેટલી બધી વાતો થી અજાણ છે… એ બધુ જ મારે તને જણાવવાનું છે. અને એ પણ આજે જ… સમય ખૂબ ટૂંકો છે અને વાત બહુ લાંબી છે મારી દીકરી…” અનંત તરફ જોતાં મેઘાવી બોલી રહી.
વૃશાલી કઈંજ બોલે તે પહેલા શુભ્રા ચાંદીની થાળીમાં મગ અને ભાત સાથે પાણી લઈ આવી પહોંચી.
“ચાલો હવે બધી જ વાતો પછી, પહેલા તમે ભોજન કરશો…” વૃશાલી અધિકારથી થાળી પોતાના હાથમાં લેતા બોલી અને ખુબજ ભાવ સાથે વૃશાલી મેઘાવીને શુક્તિ વડે મગ અને ભાત ખવડાવવા લાગી.
*
“કાકીશ્રી…” અત્યારસુધી મૌન સેવેલી કૌમુદીનીએ ધીમેથી રત્નવતીને બોલાવી આંખના ઇશારે એક તરફ આવવા વિનંતી કરી.
“હા, બોલને…” ઉદયગિરિના વારસ માટેના નિવારણ મળ્યાનો રાજીપો રત્નવતીના શબ્દે શબ્દમાં જળકતો હતો.
“કાકીશ્રી આપણે કોઈ બીજો માર્ગ ના શોધવો જોઈએ??” પોતાના ડરને શક્ય તેટલા અંકુશમાં રાખી દાંત તળે જીભ દબાવતા કૌમુદીનીએ રજૂઆત મૂકી
“તું શું બોલે છે એનું ભાન છે તને છોકરી???” રત્નવતીની આંખો વિસ્મય અને ગુસ્સાથી પહોળી થઈ રહી.
“ક્રોધિત ના થાઓ કાકીશ્રી… બસ એક વખત હું જે જોઈ રહી છું તે તમને બતાવવા માંગુ છું ફ્ક્ત… જો તમારી આજ્ઞા હોય તો…” શક્ય તેટલો અવાજ ધીમો રાખી કૌમુદીની બોલી અને રત્નવતીએ ફ્ક્ત હકારમાં જ મસ્તક નમાવ્યું
“આ સ્ત્રીની સુંદરતા અદભૂત છે. તેની હયાતી કોઈપણ પુરુષને પોતાના ધૈર્યથી વિચલિત કરી શકે તેવી પ્રભાવશાળી છે. આ સ્ત્રી પદ્મિની હોય તો પણ તેને અંહી નિમંત્રણ આપવું એ વિષેલા સર્પને નિમંત્રણ આપવા સમાન જ હશે…
પુરુષ પાસે સ્વર્ગની અપ્સરા ય જો સંગિની તરીકે હોય તો પણ તે થનગનતી યુવાનીનો સંગ માણવાનું ચૂકતો નથી. જ્યારે આ તો સ્વયં સુંદરતાની પરિભાષા છે. રાગ જન્માવનારી રાગિણી છે…
આર્ય અને કાકાશ્રી ઉત્તમ પુરુષો છે પણ આ સ્ત્રી ને કદાચ…” કૌમુદીની આગળ ના બોલી શકી. તે બસ દિગ્મૂઢ થઈ જોઈ રહી રત્નવતીને
“વૃશાલી પદ્મિની તરીકે યજ્ઞમાં તો સામેલ થશે જ… પણ કોઈ પુરુષના ભોગ્ય બનવા સમાન નહીં રહે…” કઇંક વિચારી રત્નવતી ગૂઢ સ્વરમાં બોલી અને તેના ચેહરા પર નાનકડું પણ ક્રૂર સ્મિત અંકિત થઈ ગયું.
*
(ક્રમશઃ)

Subscribe for our new stories / Poem

દર્શીતા જાની

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com