Navalkatha - Read Stories, Poems And News

રાગસિદ્ધિ ૫

“બસ વૃશાલી, હું કુશળ છું હવે… તું મારી વાત સાંભળી લે પહેલા.” મેઘાવી જળનો પ્યાલો હાથમાં લેતા બોલી રહી.
“માં હજુ થોડું જમી લો, પછી આપણે વાતો કરીશું જ ને…” વૃશાલી માં સામે જોઈ બોલી રહી પણ મેઘાવીએ નકારમાં મસ્તક હલાવી જળ ગ્રહણ કરી લીધું.
“બહુ ઓછો સમય છે બેટા, મારી પાસે… મને મારી વાત કહી લેવા દે…” મેઘાવી પલંગનો ટેકો લઈ બેસતા બોલી અને વૃશાલી સજળ આંખે તેની તરફ જોઈ રહી.
“હું જે પ્રતિયોગિતામાં નૃત્ય નિપૂણા તરીકે ગઈ હતી તેમાં દેશ વિદેશથી કલાકારો આવે અને દર સપ્તાહે બે પ્રતિદ્વંદી વચ્ચે નૃત્ય થાય. જે હારે તેને તેના દેશ પરત મોકલવામાં આવે અને જીતે તે બીજા સપ્તાહે પોતાનો ક્રમ આવવાની પ્રતિક્ષામાં રહે…
તારા પિતાના રાગમાં ભાન ભૂલતા પહેલા હું બધી જ જ્ગ્યા એ અવ્વલ રહી હતી. મેઘાવીનું નૃત્ય જોવા નૃત્યશાળામાં હંમેશા માનવ મહેરામણ જોવા મળતું.
પણ… તે પછી તો પ્રેમનો પહેલો રંગ ચડ્યો હતો મને… પ્રતિયોગિતા તો બહુ દૂરની વાત છે. હું તો મારૂ નામ સુધ્ધાં ભૂલી ચૂકી હતી તે પ્રેમની ઘેલછામાં. તેણે મને વચન આપ્યું હતું કે તે મારી સાથે જીવન વિતાવશે. લગ્ન કરશે. આ વચન મળ્યા પછી કોઈ જ પ્રતિયોગિતા કે પદગરિમાની મને જરૂરિયાત નહોતી લાગતી.
તે યુવક ના સાનિધ્યમાં વધુ ને વધુ રહેવા હું નૃત્ય કે સંગીતના કોઈજ અભ્યાસમાં ન જતી… દિવસ રાત બસ તેના સંગાથે જ રહેવા લાગી હતી. એક વારુણી ને બીજું એ…
એના સિવાય હું કઈંજ જોવા માંગતી નહોતી.
અને એક દિવસ હું મારા જ હાથે મારા પતનના માર્ગનો નક્શો તૈયાર કરી બેઠી. ફક્ત પાંચ દેશો વચ્ચે હવે પ્રતિયોગિતા રહી હતી અને તેમાં એક સમય તો એવો આવી ગયો કે હું પ્રતિયોગિતામાં નૃત્યમંચ પર વારુણીનું સેવન કરીને ગઈ. ના મને મારા વસ્ત્રોનું ભાન હતું ના કેશગુંફનનું… ના પગની મુદ્રાનું કે હાથના વળાંકનું… હું લાખ કોશિશે પણ ત્યાં યોગ્ય પ્રદર્શન પણ ના કરી શકી…
કરોડો હ્રદય પર રાજ કરતી હું હાસ્યનું પાત્ર બની રહી હતી.
છ્તા એ નસીબની કેવી કરની હશે કે આટલું બેડોળ નૃત્ય હોવા છતાં મારી પ્રતિદ્વંદીના ખરાબ સ્વાસ્થ્યના કારણે ના હાજર રહી શકવાથી હું પ્રતિયોગિતામાં અકબંધ જ રહી…
પરંતુ હવે તે પ્રતિયોગિતામાં કઈંજ પહેલા જેવુ નહોતું રહ્યું…
જે નિર્ણાયકોને મારા પર, અમરાવતીની રાજનર્તકી સ્વર્ણપ્રભાની શિષ્યા પર અનહદ માન હતું. તે એક ક્ષણમાં જ ઓસરી ગયું. તેઓ મારા આ વર્તનને સહી ના શક્યા. મેઘાવી આવી રીતે વર્તે તે તેઓ માટે અસહનીય હતું. તેમણે મને પ્રતિયોગિતાથી દૂર કરવી હતી પરંતુ સ્વર્ણપ્રભાની મંજૂરી વિના તેની શિષ્યા સાથે આવું કાઇજ ના થઈ શકે તરત જ દુત મારફતે સ્વર્ણપ્રભાને પત્ર મોકલ્યો….
નિયતિને પણ દુષ્કર ખેલ રમવો હશે કે શું… મને ખબર પડી કે હું માં બનવાની છું અને એ જ સમયે ગુરુમાતા મારી નજરની સામે આવી ગયા…
તેમને એક ક્ષણ પણ ના લાગી મારી પરિસ્થિતી સમજતા. તે માતૃભાવે મને ખીજાઈ રહ્યા પણ મને કોઈ અસર જ નહોતી થતી તેમની વાતોની…
તે સમજાવતા રહ્યા મને કે મારો પ્રેમી મને પ્રેમ નથી કરતો, તેના અનુરાગનો આશય કઇંક અલગ જ છે. હું આંધળી દોટ મૂકી રહી છું. હું બસ ભૂલ કરી રહી છું.
પણ હું તેમની કોઈ જ વાત સ્વીકારવા કે સાંભળવા તૈયાર જ નહોતી. મારો પ્રેમી જ મારો ઈશ્વર એ જ માનતી હતી…
મને તેમની કોઈપણ વાત કે શિખામણમાં રસ નથી તે જોઈ તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તે મારો હાથ જાલી સીધા જ મારા પ્રિયતમના કક્ષમાં લઈ ગયા… અને ત્યાં…. તે કોઈ બીજી જ સ્ત્રી સાથે યૌવનવિહાર કરી રહ્યો હતો… કમાડ તો અંદરથી બંધ હતું પણ તેના ઉન્માદથી ભરેલા શબ્દો મને અને ગુરુમાતાને સાફ સાફ સંભળાઇ રહ્યા હતા.
તે સ્ત્રી જ્યાં સુધી મારા મોહમાં કેદ છે ત્યાં સુધી આ પ્રતિયોગિતાની વિજેતા તું જ રહીશ મારી રાણી… કુલવધૂના સપના જોતી તે મૂર્ખ સ્ત્રી નથી જાણતી કે તેની સાથે શું થઈ રહ્યું છે…
હું આથી વધુ સાંભળી ના શકી. પૂરી તાકાતથી જોર લગાવી મે કમાડ ખોલી નાખ્યું અને પાસે પડેલી કટારથી મારા પ્રિયતમને જ ઘાયલ કરી બેઠી… તે તૈયાર નહોતો મારા આમ અચાનક આવી જવા વિષે… તે ડરી ગયો અને પળવારમાં જ પલાયન કરી ગયો. હું તેની પાછળ જાઉં તે પહેલા જ એક કટાર મારી પીઠમાં ખૂંચી અને મારુ ધ્યાન ગયું સામે ઊભેલી સ્ત્રી પર…
તે મારી જ પ્રતિસ્પર્ધી રેવંતિકા હતી. ક્યાંક ને ક્યાંક મારી ઉત્તમ સખીઓ માંથી એક… તે કક્ષની વચ્ચોવચ્ચ કટાર લઈ ઊભી હતી અને ત્યાંજ બીજી થોડી વિચિત્ર દેખાવની સ્ત્રીઓ તેની આસપાસ ઘેરાઈને ઊભી રહી ગઈ હતી. અમે બે ગુરુ શિષ્યા ઘેરાઈ ચૂક્યા હતા અને આગળ શું થશે તેની કલ્પના પણ કરી શકીએ તેમ નહોતા…
શું સંભાળું ને શાના પર વિલાપ કરું તે જ હું સમજી શક્તી નહોતી…
માં બનવાનો એ એનેરો અવસર, પીઠ પર વાગેલું ખંજર ને વહેતું રક્ત, ઉપરથી દિલ પર થયેલો પ્રહાર, મિત્રતા પર મળેલો દગો ને મારા હાથે થયેલું મારા ગુરુમાતાના વિશ્વાસનું કતલ….
હું કઈ સમજુ તે પહેલા જ રેવંતિકા ઘસી આવી મારી તરફ કટાર લઈને કે ગુરુમાતાએ તેનો હાથ રોકી દીધો. તે માત્ર એટલું જ બોલી શક્યા કે મેઘાવીને કઈ જ ના કરો તે માં બનવાની છે…” મેઘાવી ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી…
વૃશાલીએ પણ તેને રડવા દીધી. ભૂતકાળની સફર કેટલી પીડાદાયક હોય તેનો અનુભવ તે દરેક પળમાં કરી રહી હતી. અંદરથી એમજ તૂટી રહી હતી.
*
કૌમુદીની સાથે વાત કરી રત્નવતી ફરી આચાર્ય વરદાયન પાસે ગઈ. અને કૌમુદીની પણ તેની પાછળ ચૂપચાપ ચાલી આવી.
“ગુરુવર, જરૂરી ના હોય ત્યાં સુધી રાજાજ્ઞાનો આશરો આપણે નહીં લઈએ એ વાત સાચી છે. પણ સમજાવટથી આ અભિમાની સ્ત્રી આવશે નહીં તે પણ સત્ય જ છે ને…” રત્નવતીએ વાતની શરૂઆત કરી.
“હા, અત્યારે તો એવું જ લાગે છે કે સમજાવીને કે પ્રલોભનથી છેતરાઈને આ સ્ત્રી નહીં આવે… તો એક માર્ગ થઈ શકે.” વરદાયને રત્નવતી માટે તોડ કાઢવાની કોશિશ કરતાં કહ્યું.
“એક તો એ કે કોઈ વ્યક્તિ અંહીથી જાય, વૃશાલીનો વિશ્વાસ હાસિલ કરે અને તેને અંહી આવવા સમજાવે…”
“પણ આપણી પાસે એટલો સમય નથી …” રજતસેન વચ્ચેથી જ બોલી ઉઠ્યો.
“હા, એટ્લે જ એવું થઈ શકે કે તેનું અપહરણ કરી લાવે…” વરદાયને વાત આગળ ચલાવતા કહ્યું અને દૈવીકના ભવા તણાઇ ગયા…
“માફ કરજો પણ તેના ભવનમાં સહસ્ત્રાધિક રક્ષકો છે. તે અમરાવતીની અમુલ્ય સંપતિ છે. તેને આવી રીતે છળથી લઈ આવવી એ આપણાં માટે અણધારી મુસીબતોને આમંત્રણ આપવા સમાન છે…”
સહેજ જુકી તે વરદાયનની નજીક આવતા બોલ્યો અને ઉમેર્યું
“અને આ યજ્ઞની વાત જેટલી ગોપનીય રહે તે જ સારું રહેશે ગુરુવર”
“દૈવીક સાચું કહે છે… આપણે કોઈ અન્ય માર્ગ વિચારવો પડશે
“તો એક જ અંતિમ માર્ગ છે તંત્ર…” વરદાયન બોલી રહ્યા ને ઉપસ્થિત સર્વે અચંબિત થઈ ઉઠ્યા.
*
(ક્રમશઃ)

Subscribe for our new stories / Poem

દર્શીતા જાની

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com