Navalkatha - Read Stories, Poems And News

રાગસિદ્ધિ ૬

તંત્ર શબ્દ સાંભળતાજ ત્યાં ઉપસ્થિત બધાજ લોકોના ચેહરા પરથી નૂર ઊડી ગયું. બધાજ એકબીજાની સામે જોવા લાગ્યા…
“આપણાં વંશમાં આજસુધી કોઈએ તંત્ર વિદ્યાની આરાધના નથી કરી… આપણે શિવપંથી છીએ. ઉમાના ઉપાસક છીએ. આ વંશ યુગોથી ફ્ક્ત અને ફકત પશુપતિનાથની ભક્તિ કરતું આવ્યું છે. તંત્રના માર્ગે જવું મતલબ શિવને છોડીને અન્ય કોઈ શક્તિ સામે મસ્તક નમાવવું… આપણે આ માર્ગ આચરીને યોગ્ય કરીશું?? આપણાં વંશને આવા માર્ગો ના જ શોભી શકે.” અત્યાર સુધી સાક્ષીભાવે બધુ જોઈ રહેલા મહારાજે દ્રઢતાથી પોતાની વાત મૂકી.
“મહારાજ, આપ જે કહો તેમાં શંકા હોય જ ના શકે. પરંતુ સ્વયં પાંચાલનરેશને પણ જો પુત્રપ્રાપ્તિ યજ્ઞ કરવો પડતો હોય અને તેના માટે પદ્મિનીની માંગ કરવી પડતી હોય તો આપણે તો પોતાની શું વાત જ કરીએ?? દ્રુપદ પણ શિવભક્ત જ હતાને…” વરદાયને ધીમેથી પોતાની દલીલ રજૂ કરી.
“પુત્રપ્રાપ્તિ યજ્ઞ સામે મને બાધ નથી ગુરુવર… પણ એક સ્ત્રીને તંત્રશક્તિથી હાસલ કરવી એ ક્ષત્રિયધર્મથી વિરુદ્ધ છે.” મહારાજને હવે ક્રોધ આવી રહ્યો હતો.
સમયસૂચકતા પારખી રજતસેન બહુ ધીમેથી મહારાજની નજીક ગયો અને ફ્ક્ત તેઓ જ સાંભળી શકે તેટલા ધીમા અવાજે બોલ્યો,
“કાકાશ્રી, આ સ્ત્રી અન્ય કોઈ રીતે પામી શકાય એમ હોત તો અત્યારે આપની સમક્ષ હોત… યુધ્ધ આપણે કરવું નથી ને સમજાવટથી આ અભિમાની સ્ત્રી આવશે નહીં… એટ્લે તંત્ર જ એકમાત્ર માર્ગ છે અંહી.”
મહારાજની આંખો સામે જોઈ રજતસેન સમજી શક્યો કે મહારાજનું મન પીગળી રહ્યું છે. પુત્રપ્રાપ્તિની તડપ તેમને પણ એટલી જ છે જેટલી મહારાણીને છે. પણ ફકત પુત્રપ્રાપ્તિ માટે તે કોઈ સ્ત્રીને મંત્રશક્તિથી બોલાવવા રાજી નહીં થાય…
*
મેઘાવીનું રુદન શાંત થયાની અર્ધઘટિકા પર્યત પણ તેના કંઠમાંથી એક સ્વર પણ નીકળ્યો નહોતો. તે એમજ શૂન્યમાં તાકતી બેઠી રહી હતી. વૃશાલીને આ મૌન અક્ળાવી રહ્યું હતું. તેના પિતા માટે તેના મનમાં સાવ ધીમે ધીમે ધૃણા જ્ન્મ લઈ રહી હતી. તેની સાફ કાળી આંખોમાં રક્તવર્ણી રેખાઓ બની રહી હતી…
“દેવી, કુમારી નંદિની આપના વિષે પૂછી રહ્યા છે… આપ ક્યારે પધારશો?” એક પરિચારિકાના શબ્દોએ વૃશાલીને તેના વિચારોમાથી બહાર કાઢી
“ઓહ! નંદિની… “ વૃશાલીનું મસ્તિષ્ક બમણી જડપે ચાલવા લાગ્યું. તે સમજી ના શકી કે પોતાની પ્રિયસખીના સૌથી મહત્વના દિવસે જ ત્યાં અનુપસ્થિત રહેવા માટે શું કારણ આપે…
“તેને કહો વૃશાલી અર્ધ ધટિકામાં આવી પહોંચશે…” મેઘાવીએ કહ્યું અને પરિચારિકા મસ્તક નમાવી ચાલી ગઈ.
“માં, આપને શ્રમ પડતો હોય તો આપણે આ વિષય પર પછી ક્યારેક વાત કરીશું. આપ અત્યારે આરામ કરો.” વૃશાલીએ પોતાના બધાજ લાગણીઓના આવેગોને કાબુમાં લેતા કહ્યું.
“સમય જ તો નથી હવે પુત્રી…” એક મ્લાન સ્મિત સાથે સ્થિર બેસતા પલાઠી વાળી મેઘાવીએ તદ્દન સ્વસ્થતાથી વાત શરૂ કરી.
“રેવંતિકા ના કાને ગુરુમાં ના શબ્દો પડતાં જ તે સ્તબ્ધ થઈ ગઈ. તેના ક્રોધ અને આક્રોશની બધી જ સીમાઓ વતી ચૂકી હતી. તેના પ્રેમીનો અંશ મારી કૂખમાં તેનાથી સહેવાતો નહોતો. તેણે ઉગામેલી કટાર તેણે ગુરુમાં તરફ ફેંકીને તે ત્યાંજ ઢળી પડ્યા… હું કઈ સમજુ તે પહેલા જ તેણે બાજુમાં પડેલા કુંજમાંથી અંજલિ ભરી મારા પર છાંટી અને મારા શરીરમાં દાહ લાગવા માંડી. તેના એક એક શબ્દ મને હજી યાદ છે
તારી માં સમાન ગુરુ તો હવે આ પૃથ્વી પર છે નહીં. તારો પ્રેમી પણ તને માત્ર ઉપભોગ સમજે છે. તું એ સ્ત્રી છે જેના કારણે મારા પ્રેમીના શરીરમાં મારે ભાગ પાડવો પડ્યો છે એટ્લે હું તને નહીં મારુ કજાત. આ બાળક જ છેને જેના સહારે તું જીવી શકે હવે? તો તારા સંતાનનો અભિશાપ જ તને મારી નાખશે. તારી કૂખે જ્ન્મેલું બાળક શ્રાપિત હશે. તેના રંગમાં રંગાયેલા વ્યક્તિનું પતન નિશ્ચિત હશે. ના તે પ્રેમ કરી શકશે ના પોતાનું સંતાન પેદા કરી શકશે. ફ્ક્ત જીવશે. તું પણ તેની નજીક નહીં જઈ શકે… તેની અંદર વહેતી અગ્નિ જ તારું ભક્ષણ કરી નાખશે…
તે બોલતી રહી. મારા પર અંજલિ છાંટતી રહી ને હું ત્યાંજ મૂર્છિત થઈ ઢળી પડી. જ્યારે ભાનમાં આવી ત્યારે બધાજ જઈ ચૂક્યા હતા. ગુરુમાંનું અર્ધચેતન શરીર મને પોકારી રહ્યું હતું. હું તરત જ તેમની પાસે ગઈ.
તેમણે ક્ષણનો ય વિલંબ કર્યા વિના મારા ઉદર પર પોતાનો હાથ રાખી દીધો. મારી દાહ એમનો સ્પર્શ પામતા જ શાંત થઈ ગઈ. મને ત્યારે ખબર પડી કે મારા ગુરુમાં તો સ્વયં મંત્ર નિષ્ણાંત હતા…
મેઘાવી તારા બાળકના જન્મ પછી આ અગ્નિ ફરી પ્રગટશે… હું તે જ્વાળાતો શાંત નહીં કરી શકું પણ તારા બાળકની અગ્નિ સામાન્ય મનુષ્યોને સદેહે ભસ્મ નહીં કરે… તને આ અગ્નિ અસર કરશે કારણકે તું તેની માં છો, તે સિવાય તેના પિતાને અને તેની કામના કરનાર કોઈપણ વ્યક્તિને આ બાળકનો શ્રાપ અસર કરશે…
તેના જ્ન્મ પછી તરત જ તું મહેન્દ્ર પર્વત પર જઇ સાધના આરંભ કરજે. તારી સાધના જ આ બાળકની નિયતિ નક્કી કરશે.
ગુરુમાંના વચનો સાંભળી હું રડી પડી. હું માત્ર એટલું જ પૂછી શકી કે શું હું તારું મુખ ક્યારેય નહીં જોઈ શકું ત્યારે ગુરુમાંએ પોતાનું સમગ્ર પુણ્ય આપી જીવનપર્યત ચાર વખત તને મળવાની મને સવલત કરી આપી છે.
હું આ જન્મમાં ત્રણ વખત તને મળી ચૂકી છું…
હવે ચોથી વખત તું યાદ કરીશ ત્યારે હું આવીશ અને એ મારા જીવનની અંતિમ ક્ષણ હશે…” મેઘાવી આટલું કહી ચૂપ થઈ ગઈ.
એક ભયાનક સન્નાટો પૂરા ખંડને ઘેરી વળ્યો. વૃશાલી અને મેઘાવી બંને કઇંક બોલવા માઠી રહ્યા હતા પણ બોલી શકતા નહોતા.
“એટ્લે આપે મને કહ્યું હતું કે હું પુરુષ જાતિનો અભિશાપ છું?? શું આ જ મારો શ્રાપ છે?” વૃશાલી ખૂબ મહેનત કરી આટલું બોલી શકી.
“હા, જે પણ પુરુષ તને પામવાની કામના કરશે તેનું પતન નિશ્ચિત છે. તારા અગ્નિની દાહ તેને અબજો કોષો દૂર બેઠા પછી પણ અડશે અને તેનું પતન કરશે જ…” મ્લાન સ્મિત સાથે મેઘાવી કહી રહી.
“કોઈપણ પુરુષ…?” વૃશાલી પૂછી રહી
“તારા મનમાં વસેલો, તારી કામના રાખનારો કોઈપણ પુરુષ…” મેઘાવીની આંખો છલકાઈ ગઈ. “હજી એક વાત તને કહેવાની છે…
સ્વર્ણપ્રભાએ મારા ઉદર પર હાથ મૂકી મૃત્યુ સ્વીકાર્યું છે. તને બચવવા એક રીતે તેમણે પોતાના પ્રાણની આહુતિ આપી છે. એટ્લે એ આહુતિના કારણે તેમની બધી જ કળાઓ તારી અંદર જન્મથી જ આવી ગયેલી છે… ઉપરાંત હું જે કુલની પુત્રી છું તેના પણ તમામ લક્ષણો તારી અંદર સામેલ છે. અને તે ઓછું હોય તેમ તારા પિતાના વંશનું પણ તને ઉત્તરદાયિત્વ મળ્યું છે.” મેઘાવીએ ગંભીર થતાં કહ્યું.
“હું આનો અર્થ ના સમજી માં.” વૃશાલીએ કહ્યું
“અર્થાત તું મંત્રરક્ષિત છે. ભુવનમોહિની છે. દુનિયાનો કોઈ જ મંત્ર, કોઈ જ તંત્ર કે ત્રાટક તારી નજીક પણ ના આવી શકે… તું ચીરયૌવના છે. સ્વયં રાગિણી છે અને આ ભવનની સાચી ઉત્તરાધિકારી છે. અને તું એક નર્તકી નહીં રાજકન્યા છે.” મેઘાવી બોલી રહી પણ વૃશાલીને હજી કઈ સમજાઈ રહ્યું નહોતું.
મેઘાવી પોતાની બેઠકથી ઊભી થઈ મુખ્યદ્વાર તરફ ચાલતી થઈ.
“મારો જવાનો સમય થઈ ગયો છે. તારા ઉત્તરો તારે જાતે જ શોધવા પડશે. અને રાજદરબારથી તેની શરૂઆત થશે. જયવંત તને આ વિષે વધુ કહી શકશે.” જતાં જતાં તે આટલું જ બોલી અને મુખ્યદ્વારથી બહાર નીકળી ગઈ.
*
(ક્રમશઃ)

Subscribe for our new stories / Poem

દર્શીતા જાની

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com