Navalkatha - Read Stories, Poems And News

રાગસિદ્ધિ ૧

આકાશ માં ચાંદની પુર બહાર માં ખીલી હતી. માગશર સુદ તેરસ ની આ હાડકા ખખડાવી નાખે તેવી કાતિલ ઠંડી થી ભરપુર રાત હતી. પવન ના ધીમા ધીમા સુસવાટા ને દુર થી આવતા શ્વાનો ના અવાજ રાત ને વધુ જવાન બનાવી રહ્યા હતા.
આજ થી સાડા ત્રણ હજાર વર્ષ પહેલા નું આ ભારત હતું. ઉદયગીરી ની રાજધાની સ્વસ્તિકા નગરી રાત ની ચાદર ઓઢી ને સુઈ ગઈ હતી. આવી કડકડતી ઠંડી માં ક્યાંય કોઈ જાગતું હોય તેવા કોઈજ અણસાર નહોતા પરંતુ રાજભવન માં પશ્ચિમ તરફ ના ઉદ્યાન માં મદિરા અને મદિરાક્ષિઓ ની મહેફિલ જામી હતી. 
ઉદયગીરી ના મહારાજ ની એક ની એક ભત્રીજી કૌમુદીનીના પતિદેવ યુવરાજ રજતસેન એક મોટા આસન પર પ્રસન્ન મુદ્રા એ મદિરાપાન કરી રહ્યા હતા. તેમની આસપાસ અન્ય ૬ સામંતપુત્રો અને શ્રેષ્ઠીપુત્રો બિરાજમાન હતા.
10 જેટલી નવયૌવન મદિરાક્ષીઓ પ્યાલામાં મદિરા ભરી વાતાવરણની ઉષ્મા અકબંધ રાખવાનું કામ કરી રહી હતી.
યૌવન અને મદિરાની આ મહેફિલમાં બધાના મન માં એક જ સવાલ રહી રહીને થઈ રહ્યો હતો કે યુવરાજે આ મહેફિલ અત્યારે ક્યાં કારણોસર રાખેલી છે પરંતુ કોઈ પૂછવા અગ્રસર નહોતું થતું.
ત્યાં જ એક સેવક ઉદ્યાન માં ઉપસ્થિત થયો.
“કુમાર શ્રી, દૈવિક કુમાર નો અશ્વ મહેલમાં પ્રવેશી ચુક્યો છે.” સેવકે રજતસેન સામે જોઈ કહ્યું ને મસ્તક નમાવી ચાલ્યો ગયો.
સેવકના જતાં જ રજતસેન પોતાના આસનથી ઊભા થઈ બધા શ્રેષ્ઠીપુત્રોની વચ્ચે જઇ ઘોષણા કરવાની અદાથી બોલ્યા,
“તમને અહીં સુધી બોલાવવાનું કારણ અહીં આવી ગયું છે મિત્રો, તમે બધા જાણો જ છો કે અમરાપુરી ની નર્તકી વૃશાલી બેજોડ સુંદરી છે અને ક્લાનીપુણ છે.” આટલું કહી રજતસેન અટકી ગયા અને વૃશાલીનું નામ પડતાં જ બધા શ્રેષ્ઠીપુત્રોની આંખોની સામે સર્વાંગસુંદરી વૃશાલીની કલ્પનાની ઊર્મિઓ રમવા લાગી. બધાએ સાંભળ્યુ હતું કે વૃશાલીનું રૂપ પીગળતું સોનું હતું. અષાઢના પહેલા વરસાદ જેવી તેની યુવાની, અપ્સરાઓને પણ દુર્લભ એવી સપ્રમાણ દહયોષ્ટિ, કમાન આકારની આંખો, ગુલાબની પાંખડીઓ જેવા કોમળ અધરો, પાની સુધી પહોંચતા તેના કેશ અને ઉપરાંત સંગીત અને નૃત્યમાં સાધેલી તેની બેજોડ સિદ્ધિ… 
“દેવી વૃશાલી અંહી આવવાના છે??” વૃશાલીની સૌંદર્ય કલ્પનાઓથી બહાર આવી એક શ્રેષ્ઠીપુત્રએ યુવરાજને પ્રશ્ન કર્યો.
“હા, મિત્ર આવતીકાલ ના મારા જન્મદિવસ નિમિતે તેને લઇ આવવા મેં દૈવિક કુમાર ને મોકલ્યો હતો. તેના દર્શન અર્થે જ આપણે હજી સુધી રોકાયા છીએ.” રજતસેન અતિ પ્રસન્ન સ્વરે બોલી રહ્યા.
ત્યાં ઉપસ્થિત સર્વે ના ચેહરા પર ખુશી અને આશ્ચર્યની લ્હેર ફરી વળી તેઓ હજી કઈ સમજે તે પહેલા જ દૈવિક કુમાર આવી પહોંચ્યા. પણ તેને એકલો આવેલો જોઈ બધાને નવાઈ લાગી રહી હતી. ના કોઈ રથ ના કોઈ રસાલો. વૃશાલી આવી હશે કે નહીં તે પણ પ્રશ્ન હતો. બધા અવઢવમાં હતા કે યુવરાજના પરમ મિત્રને પ્રશ્ન કઈ રીતે કરવો…
“દેવી વૃશાલી અતિથીગૃહમાં ગયા?”અંતે થોડી ચુપકીદી પછી એક શ્રેષ્ઠીપુત્રે પ્રશ્ન કર્યો.
“યુવરાજ, વૃશાલી ના આવી…” યુવરાજની સામે જોઈ દુખી સ્વરે દૈવીક બોલ્યો.  પછી સહેજ અટકી ઉમેર્યું,
“મને માફ કરજો યુવરાજ… આપે મારા પર ખૂબ વિશ્વાસ મૂકી આ કામ સોંપેલું પણ એ કામ પણ હું ના કરી શક્યો. આવતીકાલના ઉત્સવ માટે, આપના જ્ન્મદિવસ નિમિતે હું વૃશાલીને ના લાવી શક્યો… ”
“કુમાર તારાથી કોઈ કામ ના થયું હોય તો તે કામ ખરેખર અસંભવ હોય તો જ થઈ શકે. બાકી તું તારા પ્રયાસોમાં કચાશ રાખી જ ના શકે” યુવરાજ રજતસેને શ્રધ્ધાથી તેને કહ્યું. અને દૈવીકના ચેહરા પર સ્મિત રેલાઈ ગયું.
“પણ વૃશાલી આવી કેમ નહીં?” વૃશાલીને જોવાના અરમાનો પર પાણી ફરી વળતાં ક્રોધમિશ્રિત સ્વરે એક શ્રેષ્ઠીપુત્રે પૂછ્યું.
“દેવી વૃશાલી નૃત્યમંડપ સિવાય કોઈપણ વ્યક્તિ ને મળતા નથી. એટલે તેના ભવનમાં મને અનેકો પ્રયાસ પછી પણ પ્રવેશ ના જ મળી શક્યો. એ પછી હું પ્રેક્ષક બનીને તેના ભવનની નૃત્યશાળામાં તેની એક મુલાકાતના આશયથી ગયો પણ ફક્ત એક મુલાકાત માટે પણ મારે ખુબજ આજીજી કરવી પડી. અંતે મેં આપનું નામ આપ્યું ત્યારે મને મુલાકાત અર્થે પ્રવેશ મળ્યો. મેં તેને તમારા જન્મદિવસ નિમિતે પધારવાનું આમન્ત્રણ આપ્યું પણ તેણે આગળ કઈ જ સાંભળ્યા વિના મારો પ્રસ્તાવ ઠુકરાવી નાખ્યો. મે તેને કહ્યું કે તેને યોગ્ય સમ્માન, પુરસ્કાર અને ધન પણ આપવામાં આવશે પણ તેણે ઉદયગીરી આવવાની સાફ સાફ ના કહી દીધી અને બે સેવિકાઓ મને ભવન ની બહાર મૂકી ગઈ.” દૈવિકે એકીશ્વાસે બધું કહી સંભળાવ્યું.
“વૃશાલી તેના નગરની બહાર જ નહિ જતી હોય?” એક શ્રેષ્ઠીપુત્રે પ્રશ્ન કર્યો.
“તે તો કંઈ હું નથી જાણતો પરંતુ તેણે ઉદયગીરી આવવાની સાફ ના પાડી દીધી. પછી મે ત્રણ વખત તેની ફરી મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે નિષ્ફળતા જ સાપડી.
કોઈ બીજો માર્ગ ના સુઝતા હું તેના નૃત્ય મંડપ માં એક ચિત્રકાર ને લઈને પ્રેક્ષક બની ને ફરીથી ગયો અને આપ માટે તેનું ચિત્ર તૈયાર કરાવ્યું યુવરાજ. હું તે અભિમાની નારીને તો ના લઈ આવી શક્યો પણ તેનું એક ચિત્ર જરૂર લાવ્યો છું” દૈવિકે તાંબા ની ભૂંગળી માંથી ચિત્ર નું કોકળું ખોલી યુવરાજના હાથમાં આપતા કહ્યું
રજતસેન ના હાથે ચિત્ર ખુલતા જ ત્યાં ઉપસ્થિત બધા વૃશાલી ને અપલક નયને તાકી રહ્યા. ૧૬ વરસ ની વૃશાલી ભુવનમોહિની સમી દેખાતી હતી. તે બધાજ શ્રેષ્ઠીપુત્રો જે કલ્પના કરતાં હતા તેના કરતાં અનેકગણી સુંદર હતી તે…
“પદ્મિની…” ઘણી વાર ચિત્ર સામે જોયા પછી એક શ્રેષ્ઠીપુત્ર માંડ બોલી શક્યો.
“આ પદ્મિની હોય કે ના હોય તેને અહીં સુધી લાવવી તો પડશે જ.” રજતસેન ચિત્રનું કોકળું વાળતા કઇંક નિશ્ચય કરતાં હોય તેમ બોલ્યા.
“ચલો હવે વિશ્રામ કરીએ.” એટલું કહી રજતસેન ચિત્રને તાંબાની ભૂંગળીમાં નાખી બહાર નીકળી ગયા.
*
અમરાવતી પોતાની શાંતિપ્રિયતા અને કલાપ્રેમ માટે ખુબ જાણીતું રાજ્ય. અને તેમાં પણ તેનું ખાસ આકર્ષણ હતી નર્તકી વૃશાલી. તે ભારતવર્ષ ની બેનમુન સુંદરી તો હતી જ ઉપરાંત તેની સંગીત અને નૃત્યસાધના પણ બેજોડ હતી.
વૃશાલી ફક્ત રૂપ અને કળા ની જ નહિ, ગુણ, યશ, વૈભવ, ઐશ્વર્ય ને શૌર્યની પણ સ્વામિની હતી.
200 થી વધુ પરિચારિકાઓ, દાસીઓ, સૈનિકો, સ્ત્રી રક્ષકો અને પાક શાસ્ત્રીઑ થી સુસજ્જ આ નયનરમ્ય અને ભવ્ય ભવન આજે દુલ્હન ની જેમ શણગારાયું હતું. વૃશાલી ની સૌથી પ્રિય સખી અને તેના ભંડારિક સ્વપ્નદતની દીકરી નંદીનીના લગ્ન અમરાવતી ના સેનાપતિ આર્ય જયવંત સાથે થવાના હતા.
“ચાલ હવે થોડું જ છે, ખાઈ લે જલ્દી થી.” વૃશાલી નંદીની ને પોતાના હાથ થી જમાડી રહી હતી. અને સ્વપ્નદત્ત આ દ્રશ્ય નિહાળી પોતાને ધન્ય અનુભવી રહ્યા હતા. જેના ભવનમાં બેઠક પણ સોનાથી મઢેલી હોય ને જેના દર્પણો પણ રત્નજડિત હોય તેવી ઐશ્વર્યશાલીની વૃશાલી રૂપ ને ધનની સ્વામિની હોવા છતાં આડંબર ને અભિમાનથી કોષો દૂર રહી સ્વપ્નદત્તનું પોતાના પિતાની જેમ માન કરતી અને નંદીની ને હંમેશા મોટી બહેન જ સમજતી.
લગ્નની બધી વિધિઓને માણતી, સખીઓ સાથે ખડખડાટ હસ્તી આ ૧૬ વરસની ભુવનમોહિની વૃશાલી ને સ્વપ્ને ય ખ્યાલ નહોતો કે તેના એક નિમંત્રણના અસ્વીકારનું પરિણામ શું આવવાનું હતું…
*
(ક્રમશઃ)

Subscribe for our new stories / Poem

દર્શીતા જાની

2 comments


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com