Navalkatha - Read Stories, Poems And News

રાગસિદ્ધિ ૨

“કુમાર, આપને જ્ન્મદિવસની ખૂબ ખૂબ વધામણી” મહેલના ઉદ્યાનની એકતરફ ઊભીને ઊગતા સૂરજને જોતાં દૈવીકે રજતસેનને કહ્યું…
આખી રાત દૈવીક અને રજતસેન આ ઉદ્યાનમાં ચૂપચાપ ઊભા હતા. બન્નેને ઘણું બધુ કહેવું હતું એકબીજાને પણ પહેલું મૌન કોણ તોડે તેની પ્રતિક્ષામાં જ સૂર્યોદય થઈ ગયો. અને આ જ તકનો લાભ લઈ દૈવીકે મૌન તોડતા યુવરાજને કહ્યું.
“હવે આટલા વર્ષે શું જ્ન્મદિવસ દૈવીક… તું તો મારો સૌથી જૂનો મિત્ર છે એમાં પણ…” સ્મિત વેરતા રજતસેન બોલ્યા.
દૈવીક બસ યુવરાજ તરફ જોઈ હસી રહ્યો.
“હું વૃશાલીને ના લાવી શકવા માટે ફરીથી ક્ષમા યાચુંછું કુમાર. આપના ઉત્સવ માટે હું તેને ના લાવી શક્યો…” દૈવીક ફરી ભાવાવેશ થતાં બોલ્યો.
“દૈવીક, તારે કશું જ ચિંતા કરવાની કે દિલગીર થવાની જરૂર નથી. તે હશે રૂપની સ્વામિની પોતાના સામ્રાજ્યની તો શું? રજતસેનના દરબારમાં તેને આવવું જ પડશે. આજ સુધી કોઈએ મને ક્યારેય ઇનકાર નથી કર્યો. અને આ એક નાચવાવાળી મારો પ્રસ્તાવ ઠુકરાવે તે કેમ ચાલે?? તે આ મહેલમાં પણ આવશે, નૃત્ય પણ કરશે અને…” રજતસેનના અવાજમાં ક્રોધ ભળી રહ્યો હતો.
“અને મારી મુખ્ય ગણિકા પણ બનશે.” યુવરાજે મન મક્કમ કરતાં ઉમેર્યું.
“કુમાર, આપ જે કરશો તે યોગ્ય જ હશે…” દૈવીકે યુવરાજને સમર્થન આપતા કહ્યું પછી સ્હેજ અટકીને ધીમેથી ઉમેર્યું “પણ દેવી કૌમુદીનીના સ્વભાવથી આપ વાકેફ જ છો. કોઈ સ્ત્રી તમારી સમક્ષ આવે એ પણ તે સાંખી નથી શકતા. એમનો આપના પ્રત્યેનો પ્રેમ અસીમ છે. વૃશાલી વિષે તેને જરા પણ શંકા ગઈ તો તે ધૈર્ય નહીં રાખી શકે…”
“કેટલા વરસ થયા આપણી મિત્રતાને દૈવીક?” થોડીવાર એમજ મૌન રહ્યા પછી એક સ્મિત સાથે યુવરાજે દૈવીકને પૂછ્યું.
“કેમ યુવરાજ શું થયું?” દૈવીક અસમંજસમાં બોલ્યો
“૧૭ વરસ ઉપર થયું હશે મિત્ર, તું હજી પણ નથી જાણી શક્યો મને…” રજતસેનની આંખોમાં સ્હેજ ક્રૂરતા છવાઈ. “યાદ છે એક શબ્દ કીધો હતો થોડીવાર પહેલા… પદ્મિની”
દૈવીક હજુસુધી અસમંજસમાં હતો
“આ પદ્મિની શબ્દ જ વૃશાલીની જિંદગીમાં તોફાન લઈ આવશે. અને કૌમુદીની પોતેજ તે વૃશાલીને અંહી આ મહેલમાં મારી સમક્ષ લઈને આવશે. તું ફ્ક્ત જો આ સવાર કઇં કેટલુય નાવીન્ય લઈને આવી રહીછે…” સૂરજને સ્થિર નજરે જોતાં કઇંક દ્રઢ નિર્ણય સાથે રજતસેન બોલી રહ્યા.
*
ગોળ ગુંબજના આકારમાં ગોઠવાયેલો સામિયાણો. અને તેની વચ્ચે રહેલી યજ્ઞવેદી પૂરા ભવનની શોભામાં ચાર ચાંદ લગાવતી હતી. ફૂલોથી શણગારેલો ભવ્ય શૃંગારખંડ અને તેમાં નંદિનીને પોતાના હાથોથી સજાવી રહેલી વૃશાલી
“સખી, આવતીકાલે તારી વિદાય પછી સાચે આ ભવનમાં ગમે તેટલા લોકો રહેશે, મને આ ભવન ખાલી જ લાગવાનુ છે. અંહીની તો રોનક જ ચાલી જશે.” વૃશાલી નંદિનીનો સાડીનો પાલવ સરખો કરતાં અશ્રુભીની આંખે બોલી પડી.
“તું તો સ્વયં અમરાવતીની રોનક છે. અને તું આમ કહે તે કેમ ચાલે?” પોતાની અશ્રુભીની આંખોને આંગળીથી લૂછતા નંદિની સમજાવી રહી.
“વરસાદને પણ ક્યારેક તરસ લાગે, વૃક્ષ પણ ક્યારેક છાયાને તરસી જાય એમ આ અમરાવતીની રોનક પણ એની પ્રિય સખીને તરસી શકે.” નંદિની સામે જોઈઆટલું બોલતા વૃશાલીની આંખો ફરી છલકાઈ ગઈ.
“તો આ વર્ષે તું પણ લગ્ન કરી લે. એટ્લે તારા જીવનમાં પણ રોનક ફેલાવવા માટે આજીવન કોઈ હોય…” નંદિની વૃશાલીને છેડતા બોલી.
“એ શક્ય નથી સખી…” એક ફિક્કા હાસ્ય સાથે વૃશાલી બોલી.
“વૃશાલી, ગમે તેવી રૂપગર્વિતા હોય, ગમે તેવી ઐશ્વર્યશાલિની હોય, ગમે તેવી શૌર્યવાન કે ચરિત્રવાન હોય, કોઈપણ સ્ત્રીને જિંદગીના એક ક્ષણે એક એવા પુરુષની અપેક્ષા હોય જ છે જે તેને સમજી શકે. તેના રૂપ, ગુણ, ઐશ્વર્ય, શૌર્ય અને ચરિત્રને પેલે પાર જઇ તેને પ્રેમ કરી શકે…
કોઈપણ સ્ત્રી તેના ગમતા પુરુષ પાસે સમર્પણ કરી ધન્ય જ થવાની ને…” નંદિની સમજાવતી રહી.
“પણ જો કોઈ સ્ત્રી પુરુષજાતિનો અભિશાપ જ હોય તો? પ્રેમ, સમર્પણ કે ધન્ય થવાની આ ભાવના કોઈકના જીવન માટે ફ્ક્ત શબ્દમાત્ર બનીને રહેતી હોય તો…?” વૃશાલી સ્થિર નજરે દર્પણમાં જોતાં બોલી
નંદિનીના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું.
તે ક્ષણભર માત્ર વૃશાલીને જોઈ રહી. તેનું ગળું સુકાવા લાગ્યું છતાં હિંમત કરી તે વૃશાલીને પોતાની તરફ ફેરવતા પૂછી બેઠી…
“તું કહેવા શું માંગે છે વૃશાલી? કઈરીતે તું પુરુષ જાતિનો અભિશાપ હોઈ શકે??”
વૃશાલી કઇં જ જવાબ આપે તે પહેલા જ સ્વપ્નદત્ત શૃંગારખંડમાં પ્રવેશ્યા. તેમને જોતાં જ વૃશાલીએ પોતાનું ભુવનમોહિની સ્મિત ચિંતાના આવરણો હટાવતા પહેરી લીધું.
નંદિની હજુ સજળ નયને વૃશાલી તરફ જોઈ રહી હતી તેને ઈશારો કરી સ્વપ્નદત્ત તરફ ફરવા કહ્યું.
“પૂર્વ સંધ્યાની બધી તૈયારીઓ થઈ ગઈ છે બેટા… હવે આપ બન્ને ચાલો તો કાર્યક્ર્મ શરૂ કરીએ. મહારાજ થોડીજ ક્ષણોમાં પધારશે. એટ્લે આપ બન્નેને હું જ જાતે બોલાવવા આવી ગયો.” સ્વપ્નદત્ત બન્નેને માહિતગાર કરતાં બોલ્યા.
“હા કાકાશ્રી ચાલો. હું તૈયાર જ છું. આખરે આપણે યજમાન છીએ. મહેમાનોનું સ્વાગત તો વ્યવસ્થિત જ થવું જોઈએ.” ઉતાવળા પગે શૃંગાર ખંડની બહાર આવતા વૃશાલી બોલી
*
ઉદયગીરીના મહેલમાં સૂર્યોદય પછીની બે ઘટિકા વીતી હતી. પૂરો મહેલ યુવરાજ રજતસેનના જ્ન્મદિવસ નિમિતે થવાના ઉત્સવ માટે સજાવાયો હતો.
રાજકુમારી કૌમુદીની પ્રત્યેક વસ્તુઓનું નિરીક્ષ્ણ જાતે કરી રહી હતી. યુવરાજના મનપસંદ ફૂલો, દીપમાલિકાઓ અને મીઠાઈઓ બધુ જ યોગ્યરીતે યોગ્ય જ્ગ્યાએ હોય તે જોવા માટે તે સતત ત્રીજી વખત પૂરા મહેલની પરિક્રમા કરી રહ્યા હતા.
“બધુ બરાબર જ છે રાજકુમારી કૌમુદીની…” મુખ્યદ્વારથી અભ્યંતર ગૃહમાં આવતા મહારાણી રત્નવતી સ્હેજ ટીખળ કરતાં કૌમુદીનીને કહી રહ્યા.
“અરે કાકીશ્રી બધુ બરાબર છે એ જ જોતી હતી. તમે તો જાણો જ છો યુવરાજ ના જ્ન્મદિવસ માટે હું કેટલા દિવસોથી પ્રતિક્ષા કરતી હતી… આજે આખરે આ દિવસ આવી જ ગયો.” સહેજ શરમાઈને કૌમુદીનીએ કહ્યું અને તેના ગાલ લાલ થઈ ગયા.
“ચાલો કોઈકની પ્રતિક્ષાનો તો અંત આવે છે…” ફિક્કા સ્મિત સાથે રત્નવતી બોલી પડ્યા.
“તમારી પ્રતિક્ષાનો અંત પણ બહુ જ જલ્દી આવશે કાકીશ્રી…” રત્નવતીનું દુખ સમજતા તેના ખભા પર હાથ રાખી આશ્વસ્ત કરતાં કૌમુદીની બોલી રહી.
“પોકળ શબ્દો માત્ર બેટા…” પોતાના ડૂસકાંને શમાવતા રત્નવતી કહી રહી.
“હા, કાકીશ્રી આ પોકળ શબ્દો જ છે અત્યારે… પણ એ શબ્દોના એક એક અર્થને સાર્થક હું કરીને રહીશ. તમારી પ્રતિક્ષાનો અંત બહુ જ જલ્દી હું લાવીશ. આ રાજ્યને ઇનો ભાવિ વારસદાર મળશે જ… તમારો અને કાકાશ્રીનો પુત્ર, ઉદયગિરિનો રાજકુંવર બહુ જલ્દી મારા ખોળામાં રમશે એ મારૂ વચન છે તમને. આટલી ધીરજ ધરી છે તમે… બસ એક માસ વધુ આપી દો મને… હું કોઈ પણ ભોગે તમારી આ શેર માટીની ખોટ પૂરી કરીશ…” રત્નવતીને આશ્વસ્ત કરતી કૌમુદીની બોલી રહી.
તેના મગજમાં બસ એકજ વિચાર સ્થિર હતો કોઈપણ રીતે ઉદયગિરિને રાજકુંવર આપવો અને તેના માટે થઈ શકે તે બધા જ પ્રયાસ કરવા…
*
“તું અભિશાપ છે સમગ્ર પુરુષજાતિનો, જે પણ પુરુષ તારી કામના કરી તને પામવાની કોશિશ કરશે તેનું પતન નિશ્ચિત છે. કરી લે કોશિશ પ્રેમ કરવાની પણ ક્યારેય સ્વીકારશે નહીં કોઈ તને એ યાદ રાખજે…” નંદિનીના લગ્નની પૂર્વસંધ્યામાં ખોવાયેલી વૃશાલીને ફરી ફરીને એક જ વાક્ય સંભળાઇ રહ્યું હતું.
*
(ક્રમશઃ)

Subscribe for our new stories / Poem

દર્શીતા જાની

1 comment


  • સરસ વાત કરી. ..દ્રષ્ટિકોણ અનુસંધાને કહું તો દ્રષ્ટિ એ જુએ છે જે તમારા સંસ્કાર છે. .જેવાં સંસ્કાર તેવા વિચાર. .અને જેવાં વિચાર એવી દ્રષ્ટિ. . પોતપોતાના વિચાર પ્રમાણેએનું અવલોકન કરશે. .જીવનમાંથી ફરિયાદો દુર કરવા વિચારોમાં બદલાવ લાવવો પડે. 😊

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com