Navalkatha - Read Stories, Poems And News

લખ્તર – એક રજવાડી ગામ.

You can download pdf file for this article here

લખ્તર – એક રજવાડી ગામ

“ગામડું” – મને કાયમ આકર્ષે. નાનો વિસ્તાર, નાના મકાનો, નાના રોડ, પણ લોકોના દિલ અને મન મોટા.”
ફરવા જવા માટે હું હંમેશા શહેરની સામે ગામડા ને જ પસંદ કરું. શહેર તો આપણને કાયમ દોડાવે જ છે, પણ આવા નાના ગામડા થોડો “પોરો” ખવડાવે. હાડમારી વળી લાઈફ થી એકદમ દૂર પહોંચી ગયા હોઈએ એવો એહસાસ થાય.
હમણાં થોડા સમય પહેલા મારા એક કઝીન શિરીશભાઈ એ મને ‘લખતર’ જવા નો પ્રસ્તાવ મુક્યો. હું તો આવું ઇચ્છતો જ હતો એટલે મેં એમને ઘડીભરનો વિચાર કર્યા વગર હા પાડી દીધી. આખરે 22.4.18 ને રવિવારે અમારે જવાનું નક્કી થઈ ગયુ. બસ પછી તો અમે ત્રણેય આણંદ થી અમદાવાદ ગયા અને ત્યાંથી શિરીશભાઈ, ભાભી અને એમની ડોટર અમે બધા સાથે લખતર જવા નીકળ્યા.
અમદાવાદમાંથી કાર લઈને બહાર નીકળવું એટલે સાત કોઠા વીંધ્યા બરાબર થાય. જેમ જેમ અમે અમદાવાદ થી દુર નીકળતા ગયા એમ ટ્રાફિક અને ઘોંઘાટ ઓછો થતો ગયો. કોન્ક્રીટ ના જંગલોમાંથી નીકળી પ્રકૃતિ ના માહોલમાં પ્રવેશ્યા. રસ્તામાં લખતરની વાતો પરથી એની વર્ચ્યુઅલ ટુર તો ભાઈએ અમને કરાવવાની ચાલુ કરી જ દીધી હતી, અને અમને મજા આવતી હતી. એટલામાં રસ્તામાં એક ચુડેલ દેવી નું મંદિર આવ્યુ. સાંજના સમયે તો નામ સાંભળીને અને એ જગ્યા જોઈને જ બીક લાગે. ત્યાંથી આગળ જતાં એક નાની લોજ હતી ત્યાં અમે થોડીવાર ઉભા રહી, ફ્રેશ થઈને અમારી ગાડી લખતર તરફ હંકારી.

ફાઈનાલી, ગામનો કિલ્લો દેખાવા લાગ્યો. એ ગામ ફરતે આજે પણ દીવાલ છે અને ચારેય દિશાઓમાં એના દરવાજા છે. એવું કહેવાય છે, કે જો આજુબાજુના ડેમ ફૂલ થાય અને પુર જેવી સ્થિતિ થાય તો જો બધા દરવાજા બંધ કરી દેવાય, તો પાણી ગામમાં પ્રવેશી શકે નહીં. પણ અમે એક દરવાજામાંથી ગામમાં દાખલ થયા. અંદર પેસતા જ સીધું ગામનું મુખ્ય બજાર આવ્યું. ત્યાં અમારે જેમના ઘરે જવાનું હતું એમની દુકાન એ બજારમાં જ હતી. અમે અમારી કાર ત્યાં પાર્ક કરીને ચાલતા ઘરે ગયા. સાંકડા રસ્તા, નાની નાની દુકાનો, ઓટલે બેઠેલા લોકો અમને જોતા અને અમે એમને જોતા અમે ઘરે પહોચ્યા.
નાની ગલીમાં અંદર સામે જ ઘરનો કોતરણી વાળો ડેલો દેખાયો. એ અમારા ભાભીનું ઘર છે. એ ઘરને આ વર્ષે જ ૧૦૧મુ બેઠું હતું. શહેરમાં ક્યાય જોવા ના મળે એવી એ ઘરની પેટર્ન હતી. ઘરમાં લગભગ ૭૦% બાંધકામ માં સાગના લાકડાનો ઉપયોગ થયો હતો. ૧૦૦ વર્ષ જુનું ઘર હતું, પણ એ ભારે સચવાયેલું હતું.

ઘરનું બાંધકામ “એક ઓસરીએ બે ઓરડા” જેવું હતું. એટલે સળંગ ઓટલા જેવી ઓસરી, એની ઉપર જોડે જોડે બે ઓરડા પડે. એ ઓસરી ની સામે થોડી ખુલ્લી જગ્યા છોડીને સામે બીજા ઓરડા. હવે, આ ઓસરી અને ઓરડામાં આટલા ઉનાળામાં પણ ગરમી નહોતી થતી અને પંખાની પણ જરૂર પડે એમ નોહ્તું લાગતું. હવા-ઉજાસ અને પવન ની અવરજવર ને કોઈ રોકટોક થાય એમ નહોતું.

“ ઓસરીના કઠોડે ( રેલીંગ ) ટેકવેલી પાટ ઉપર બેઠા હોય, એક હાથ માં ગરમા ગરમ મસ્ત આદુ વાળી ચા હોય, બીજા હાથમાં બુક હોય અને સામસામે બે ઓરડાની વચ્ચે ખુલ્લી છત માંથી દેખાતા આકાશમાંથી ઝરમર ઝરમર વરસાદ પડતો હોય. આ મજા લેવા ફરી ત્યાં જવાનું છે. “

અમે ત્યાં પહોચ્યા ત્યારે જમવાનો સમય થઇ ગયો હતો. પણ ઘર જોવાની થોડી ઇન્તેઝારી હતી એટલે અમે પહેલા એ કામમાં લાગી ગયા. લાકડાના દાદરા, રંગીન કાચ વાળી બારીઓ, બારીને નીચે ઓઠીકાણ ( ટેકો દેવાની જગ્યા). આ બધું જોયું, માણ્યું, ફોટા પડ્યા એટલી વારમાં જમવાનો સાદ પડ્યો. એટલે અમે જમવા બેઠા. જમવાનું બધું જ મસ્ત હતું પણ, સૌથી સરસ દહીં હતું. એકદમ પ્યોર, જાડી મલાઈ વાળું દહીં. એ ખાધા પછી હવે અમુલ નું મસ્તી દહીં તો જોવાની પણ ઈચ્છા ના થાય.

પછી થોડી વાર એ ઓસરી અને ઓરડામાં આરામ કરી અને પછી અમારે ધ્રાંગધ્રા જવાનું હતું, એટલે થોડું જલ્દી નીકળવું પડ્યું, અને અમારી કર બજારો ની નાની ગલીઓ વીંધતી વીંધતી એક દરવાજે થી ગામની બહાર નીકળી અને ગામની “રાંગે રાંગે” ( દીવાલે દીવાલે ) અમે સીધા રોડ પર નીકળ્યા ધ્રાંગધ્રા જવા.
ચોમાસામાં એક વાર ત્યાં જવાની અને એ ઓસરીને ફરી માણવાની ઈચ્છા છે.

Subscribe for our new stories / Poem

સુશાંત ધામેચા

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com