Navalkatha - Read Stories, Poems And News

IC – 814

પ્રસ્તાવના

મિત્રો તમે ઘણી બધી ઇતિહાસની ઘટનાઓ વાંચી હશે, સાંભળી હશે કે પછી સ્ક્રિન પર જોઈ હશે પણ આજે જે ઈતિહાસ હું રજૂ કરવાનો છું એ બહુ ઓછા લોકો જાણે છે કદાચ મારી માન્યતા ખોટી પણ હોઈ શકે પણ એ જે હોય તે પણ આ ઇતિહાસ લગભગતો જાણીતો નથી. જે ઘટનાની હું વાત કરી રહ્યો છું એ ઘટના આપણા દેશની છે. આ ઘટના માનવતાના પુરાવાઓ રજૂ કરે છે. ધારો કે આપણે એક ખુરશી પર 10 થી 12 કલાક સુધી બેસી રહેવાનું છે. જરા પણ હલવાનું નથી. આ કલાકોમાં ખાવાં-પીવાનું પણ નથી. તો શું આ આપણે સહન કરી શકીએ? મારા મુજબ ન કરી શકીએ. હવે તમે જ વિચારશો કે હું આવા પ્રશ્નો શા માટે કરી રહ્યો છું. તો આ પ્રશ્નો આ ઘટના સાથે સંબંધ ધરાવે છે.
પ્રસ્તુત સ્ટોરી ભારતના વિમાન ‘IC 814’ની છે. જેનું 1999માં હાઇજેક અર્થાત અપહરણ થયું હતું. એ ઘટનામાં ભારત સરકારે શું નિર્ણય લીધો હતો? લોકોની સ્થિતિ કેવી હતી? શા માટે વિમાનને હાઇજેક કરવામાં આવ્યું હતું? વગેરે પ્રશ્નોનો જવાબ આપતા મને પ્રાપ્ય માહિતી અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપને આ ગમશે અને કંઈક નવું જાણવા મળશે એવી આશા રાખું છું. આભાર.
-હાર્દિક વી. પટેલ

તારીખ 24 ડિસેમ્બર 1999ના રોજ નેપાળના કાટમાંડું ખાતે આવેલા ‘ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈમથક’ પરથી ઇન્ડિયન એરલાઇન્સ I. C. 814 ફરી ભારતના ‘ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક- દિલ્હી’ જવાની તૈયારીમાં હતું. આ વિમાનમાં 176 મુસાફરીઓ અને 15 કર્મચારીઓ એમ કુલ 191 લોકો મુસાફરી કરી રહ્યા હતા. મોટા ભાગના લોકો નેપાળમાં રજાઓ માણવા આવેલા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો અને યુગલોથી ભરેલું આ વિમાન એક મોટો ઇતિહાસ બનવાનું હતું.
વિમાનના બધા મુસાફરો આનંદિત હતા. ઘણા ખરા મુસાફરો નાતાલનો તહેવાર ઉજવવા ભારત જવા માટે આતુર હતા. ટેકઓફના સમય પહેલાં વિમાનના કર્મચારીઓ એટલે કે એરહોસ્ટેસે પીણાં આપવાના શરૂ કરી દીધા. આ કલાકની મુસાફરી માટે આ કામ બહુ ઓછા સમયમાં પૂરું કરવાનું હોય છે. કલાક કે દોઢ કલાકની અંદર આ વિમાન ભારત પહોંચી જશે એવું મુસાફરોએ નક્કી રાખ્યું હતું પણ એમને ક્યાં ખબર હતી કે તેઓની સાથે આ કલાકની અંદર ભયંકર ઘટના ઘટવાની છે.
કોકપીટમાં કેપ્ટન દેવી શરણ, કો- પાયલોટ સિંઘ અને ફ્લાઇટ એન્જિનિયર જાગીયા ઉડાન પહેલાની તપાસ કરી રહ્યા હતા. ચીફ સ્ટીવર્ડ ત્યાં કોકપિટના કર્મચારીઓને ચા અને કોફી આપવા આવ્યા. તેંમને થયું કે આનાથી કેપ્ટન અને તેમના સાથીઓનું મન હળવુ થઈ જશે.વિમાન નેપાળની બોર્ડર પાર કરી ભારતની બોર્ડર પર આવી ચૂક્યું હતું.

તે ચા કોફી દઈ કોકપિટમાંથી બહાર આવ્યા તો તેમણે જોયું કે પાંચ માણસોએ કાળા નકાબ પહેરેલા છે અને તેઓ પાસે ઘાતક હથિયારો જેવા કે બંદૂક અને છરી વગેરે છે. તે લોકોએ યાત્રીઓ પર આ હથિયારો ટાંગી રાખ્યા અને તેમને ચૂપ રહેવા કહેતા હતા. ચીફ સ્ટીવર્ડ સમજી ગયા કે વિમાનને હાઇજેક કરવામાં આવ્યું છે. તે હજુ કેપ્ટનને જણાવા જાય તે પહેલાં પાંચમાંથી એક હાઈજેકર કોકપિટમાં આવી ગયો.
તેણે કેપ્ટન દેવી શરણ પર પિસ્તોલ રાખી અને વિમાનને પશ્ચિમ તરફ પાકિસ્તાનમાં લાહોર લઈ જવા સૂચવ્યું. દેવી શરણ મૂંઝવણમાં મુકાયા. આ સમયે તેમણે ખતરનાક રમત રમી. હાઈજેકરને ખબર ન પડે તેમ તેમને ઇમરજન્સી ટેલીપોર્ટર દ્વારા ATC(એર ટ્રાફિક કન્ટ્રોલર)ને સંકેત આપ્યો કે વિમાન ic 814 હાઇજેક થઈ ગયું છે. શુ નિર્ણય લેવો એ તેમને સમજાતું ન હતું. હાઈજેકર તેમને કહેવા લાગ્યો કે જો એ તેમ નહિ કરી તો એ પાંચેય વિમાનના બધા યાત્રીઓને મારી નાખશે. દેવીશરણ માટે જલ્દી નિર્ણય લેવો જરૂરી હતો. તે કોઈપણ ભોગે પાકિસ્તાન જવા રાજી ન હતા. પણ સવાલ યાત્રીઓની જિંદગીનો હતો. તેમણે હાઇજેકરને કહ્યું કે, “લાહોર જઇ શકે તેટલું ઇંધણ તેમની પાસે નથી.”

હાઈજેકરે ગુસ્સે થઈ પૂછ્યું કે, “કેટલું ઇંધણ છે. તેના જવાબમાં કેપ્ટન દેવીશરણ બોલ્યા કે, “દિલ્હી સુધીનું ઇંધણ છે.” હાઈજેકર કોઈપણ સંજોગે દિલ્હી જવા નહતા માંગતા. તે કહેવા લાગ્યો કે, “તો પછી દિલ્હી સિવાય ક્યાં જઈ શકીએ?” દેવીશરણ જવાબ આપતા બોલ્યા, “આપણે મુંબઈ કે અમદાવાદ સુધી જઇ શકીએ.” દેવીશરણને પણ જાણ હતી કે હાઈજેકર વિમાનના રૂટથી વાકેફ છે. હાઈજેકર કહેવા લાગ્યો, “જો આપણે અમદાવાદ સુધી પહોંચી શકતા હોઈએ તો એટલા ઇંધણમાં લાહોર કેમ નહિ? જો અમારી સાથે ચાલાકી તને મોંઘી પડશે.” દેવીશરણ બોલ્યા કે, “મને અમૃતસર વિમાન ઉતારવા દો. ત્યાંથી ઇંધણ પુરાવીને આપણે લાહોર જઇ શકીશું.” દેવીશરણને વિશ્વાસ હતો કે ATC દ્વારા ભારત સરકારને જાણ થશે કે વિમાનનું અપહરણ થયું છે અને તે જરૂરી પગલાં લેશે.
હાઈજેકર માની ગયો અને તેણે વિમાનને દિલ્હી ઉતારવા મંજૂરી આપતા કહ્યું કે, “માત્ર ઇંધણ ભરાવવા જ ભારત જઈએ છીએ. ઇંધણ ભરાતા જ ત્યાંથી લાહોર રવાના થઈશું.” કેપ્ટને તે માન્ય રાખ્યું. વિમાનને અમૃતસર હવાઈમથક પર ઉતારવામાં આવ્યું. ઇંધણ ભરાતું હતું. તે સમય દરમ્યાન દેવીશરણ જેમ બને એમ વધુ સમય ત્યાં રોકાવા ઈચ્છતા હતા. તેમને માનતા હતા કે ભારતીય સેના NSG ત્યાં આવવાની તૈયારીમાં છે. એ સમય દરમ્યાન ભારતના વડાપ્રધાન અટલ બિહારી બાજપેઈ હતા. તેમણે ATCને ખાતરી આપી હતી કે NSGને એરપોર્ટ પર મોકલી છે. દેવીશરણ વધુને વધુ સમય ત્યાં પસાર કરવા લાગ્યા. ઇંધણ ભરાતા ભરાતા 45 મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો હતો. પણ NSG આ સમયમાં ત્યાં ન આવી.
હાઈજેકરને લાગ્યું કે દેવીશરણ ઈંધણના બહાને રમત રમી રહ્યા છે. તેણે દેવીશરણને તાત્કાલિક વિમાનને લાહોર લઈ જવા સૂચવ્યું. દેવીશરણે તેને સમજાવતા કહ્યું કે, “હજુ એન્જીનની તપાસ કરવી પડશે. નહિ તો વચ્ચે બધાનો જીવ જઈ શકે છે.” પણ હાઈજેકર એકનો બે ન થયો અને તેણે જણાવ્યું કે તે પાંચ મિનિટમાં વિમાનને ટેકઓફ નહિ કરે તો તે વારાફરતી બધા યાત્રીઓને મારી નાખશે. દેવીશરણે તેમને ઘણા સમજાવ્યા. તે ન માન્ય તે ન માન્ય આખરે પોતાની ધમકીનો પુરાવો આપવા એક હાઇજેકરે યાત્રી રિપન કતયાલની હત્યા કરી નાખી અને ચાર પાંચ યાત્રીને જખમી કર્યા.

ફ્લાઇટ એન્જિનિયર જાગીયા જ્યારે તેની તપાસ કરવા બહાર આવ્યા તો તેમને ખબર પડી કે તે લોકો સાચેજ યાત્રીઓને હાની પહોંચાડી રહ્યા છે. હાઇજેકરે એન્જિનિયર જાગીયાને કહ્યું કે “તે હવે જટ વિમાનને લાહોર ભેગું કરે નહિતર તે બધાને મારી નાખશે.” એન્જિનિયર જાગીયાએ ખબર દેવીશરણને આપી. દેવીશરણની NSG પ્રત્યેની આશા ભાંગી પડી અને ના છૂટકે તેમને વિમાનને ટેક ઓફ કરવું પડ્યું.આ સમયે ભારતે 190 માણસોને બચાવવાની મોટી તક ગુમાવી દીધી.
રાત્રીનો સમય થઇ ગયો. વિમાન પાકિસ્તાનમાં આવી ગયું હતું. રાહ માત્ર લાહોરના હવાઇમથકના ATCની મંજૂરીની હતી. પરંતુ લાહોરના ATCએ સ્પષ્ટ ના પાડી દીધી કે, “આ પ્લેન હાઇજેક થઈ ગયું છે. અમે આમાં પડવા નથી માંગતા. માટે અમે આ પ્લેનને અહીં ઉતરવા નહિ દઈએ.” દેવીશરણે કહ્યું કે, “અમારી પાસે પૂરતું ઇંધણ નથી. જો હવામાં ઇંધણ પૂરું થઈ ગયું તો. જાનહાનિ થઈ શકે છે.” પરંતુ પાકિસ્તાનનું ATC ન માન્યું તે ન જ માન્યું. તેમણે વિમાન ન ઉતરે તે માટે રન-વેની બધીજ લાઈટો બંધ કરી નાખી.
હવે વિમાનની સ્થિતિ બહુ ગંભીર બની ગઈ અને તેને ગમે ત્યાં ઉતારવાની ફરજ પડી. ચારેકોર અંધારું હતું. દેવીશરણને કઈક તો નિર્ણય લેવાનો હતો. તેમણે વિમાનની બાહ્ય લાઈટો ચાલુ કરી નાખી અને નીચે શહેરના પ્રકાશ તરફ વિમાન નીચું લીધું કે તેમને દેખાયું કે ત્યાં તો રોડ આવી ગયો હતો. માંડમાંડ વિમાનને ઊંચુ લીધું. આ પરિસ્થિતિ દેખાતા પાકિસ્તાન ATCએ રન-વે વિમાન માટે ખુલ્લો મુક્યો અને વિમાન ઉતારવાની મંજૂરી આપી.
વિમાન ઉતરતા જ દેવીશરણે ઘાયલ યાત્રીઓની સારવાર માટે માંગણી કરી પણ ATCએ કહ્યું કે, “તમારે ઇંધણ જોઈએ છે તો ઇંધણ અમે આપીશું પણ તમે જેમ બને તેમ વિમાન અહીંથી લઈ જાવ.” તે એકના બે ન થયા. હાઈજેકર પણ આ બાબત પર કઈ કરી શકે તેમ ન હતા. તેણે કહ્યું કે, “લાહોરમાં ન રહેવા દે તો કઈ નઈ. હવે પ્લેન સંયુક્ત અરબ અમીરાત(UAE) એટલે કે દુબઈ લઈ જાવ.” દેવીશરણ પાસે માત્ર એક જ વિકલ્પ હતો કે તે માત્ર હાઇજેકરના હુકમનું પાલન કરે.
વિમાનને ત્યાંથી દુબઈ લઈ જવામાં આવ્યું. દુબઈ પહોંચતા સવાર થઈ ગઈ હતી. દુબઈની સરકારને જાણ થઈ કે ત્યાં આવેલ વિમાન હાઇજેક થઈ ગયું છે. દુબઈ ATC ને દેવીશરણે જાણ કરી કે વિમાનના ઘાયલ યાત્રીઓને સારવાર આપવામાં આવે. ઘણી આજીજી પછી ATCએ એ સ્વીકાર્યું. ભારત સરકારે દુબઈ સરકારને વિનંતી કરી કે તે ભારતના કમાન્ડો ત્યાં પહોંચે ત્યાં સુધી વિમાનને રોકવામાં આવે. પણ હાઈજેકર કોઈ કિંમતે ત્યાં રહેવા ન હતા માંગતા. દુબઈ સરકારે નિર્ણય કરતા કહ્યું કે, “વિમાનના ઘાયલ યાત્રીઓને અમે સાચવી લઈશું. ઉપરાંત ઇંધણ પણ આપશું પણ આ વિમાનને રાખવું એ અમારા માટે શક્ય નથી.” ભારત સરકાર માટે આટલી મદદ પણ બહુ હતી. દેવીશરણે હાઈજેકરને ઘાયલ યાત્રીઓને મુક્ત કરવા વિનંતી કરી. તે લોકો માની ગયા અને છેવટે તમામ ઘાયલ યાત્રીઓ અને રિપન કતયાલની લાશને દુબઈના હવાઈમથક પર ઉતારવામાં આવ્યા. હાઈજેકરે વિમાનને અફઘાનિસ્તાન લઈ જવા કહ્યું.

તારીખ 25 ડિસેમ્બર, 1999ના રોજ દેવીશરણ વિમાનને અફઘાનિસ્તાન લઈ આવ્યા. અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર આવતા તેમને જાણ થઈ કે તેમના વિમાનને તાલિબાન આર્મીએ ઘેરી લીધા હતા. શરૂમાં ભારતને લાગ્યું કે તે ભારતની મદદ કરી રહી છે પણ પાછળથી જાણ થઈ કે તે ISI સાથે મળેલી છે. ભારતને જાણ થઈ કે આ હાઇજેકરોની માંગને લઈને વિમાનને હાઇજેક કરવામાં આવ્યું છે. તેથી ભારત સરકારે ત્યાં રિપોર્ટરની એક ટિમ મોકલી. જેથી તે હાઇજેકરોની માંગને ભારત સુધી પહોંચાડી શકે.તેમાં ઘણા છુપા કમાન્ડો પણ હતા. ભારત સરકાર આતંકવાદીઓ પર હુમલો કરવા પણ તૈયાર હતી.
હાઇજેકરોએ પોતાની માંગ રજૂ કરતા કહ્યું કે, “અમને મૌલના મસુદ અઝહર અને બીજા 35 લોકોની રિહાઈ, અફઘાનિ આતંકવાદીઓની લાશ અને 20000 કરોડ અમેરિકન ડોલર જોઈએ છે.” મૌલાના મસુદ અઝહર કશ્મીર ઘાટીમાં હુમલો કરતા ઉગ્ર આતંકવાદી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીનનો સેક્રેટરી જનરલ હતો. તેને 1994માં જમ્મુની કોટ ભલવાલ જેલમાં રાખવામાં આવ્યો હતો. માત્રને માત્ર આ વ્યક્તિને કારણે જ ભારત- પાકિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધ થયા છે. 27 ડિસેમ્બર સુધીની વાટાઘાટો પછી ભારત સરકાર આતંકવાદીઓ પાસેથી બધી માંગ જાણવા સક્ષમ રહી.

તાલિબાન આર્મીએ હાઇજેકરોને જણાવતાં કહ્યું કે, “તમે રિહાઈની માંગ કરો છો એ બરાબર છે પણ તમે અફઘાનિ આતંકવાદીઓના શવ અને પૈસાની માંગને રદ કરો. કારણ કે તે ઇસ્લામની વિરુદ્ધ છે.” હાઇજેકરોએ તાલિબાન આર્મીના હુકમને માન્ય રાખતા સદ્દભાવના વ્યક્ત કરતા નિર્ણય કર્યો કે વિમાનમાં બેઠેલા તમામ મહિલા અને બાળ યાત્રીઓને મુક્ત કરવામાં આવે અને ફક્ત પુરુષોને જ વિમાનમાં રાખવામાં આવે. આમ તો આ નિર્ણય ભારત માટે આનંદમય હતો પણ સાથે ડર વધી ગયો. કારણ કે તેમાં માત્ર પુરુષો હોવાથી આતંકવાદી તેમની સાથે કઈ પણ કરી શકે છે. ઘણા દિવસથી ભૂખ તરસ વેઠતા યાત્રીઓ માટે એક આશાની કિરણ ઊગી હતી. પણ જેવા મહિલા અને બાળકોને ઉતારવામાં આવ્યા કે તરત હાઇજેકરોએ તેમને ફરી વિમાનમાં દાખલ કરવા સૂચવ્યું. એ નિર્ણયથી દેવીશરણને લાગ્યું કે કંઈક ગડબડ થઈ છે. તપાસ કરતા જાણ થઈ કે ભારત સરકાર સાથે વાટાઘાટો બંધ થઈ ગઈ છે.

તાલિબાન આર્મી હાઇજેકરોના સપોર્ટમાં હતી છતાં પણ હાઇજેકરો અફઘાનિસ્તાનમાં રહેવા રાજી ન હતા. પણ આ વખતે તે કેપ્ટનની જીદ સામે ઝૂકી ગયા હતા. દેવીશરણે સ્પષ્ટ ઇન્કાર કર્યો કે ડાબી બાજુનું એન્જીન ખરાબ થઈ ચૂક્યું છે. તેથી હવે વિમાન હવામાં વધુ સમય ટકી શકે તેમ નથી.
વાટાઘાટો બંધ થઈ ગઈ હોવાથી હાઇજેકરોએ નિર્ણય કરી લીધો હતો કે તે હવે તમામ યાત્રીઓને મારી નાખશે. તેમણે યાત્રીઓને પોતાના હથિયારોથી ઘેરી લીધા. યાત્રીઓએ હાઇજેકરોનો વિરોધ કરતા જણાવ્યું કે તે હવે મારવા માંગતા હોય તો બધાને મારી નાખે પણ હવે આ ભૂખ તરસ સહન કરવી ખૂબ મુશ્કેલ છે. સતત બેઠા રહેવાથી યાત્રીઓ બીમાર થઈ ચૂક્યા હતા. શરીરના ભાગો સોજી ગયા હતા. અન્ય ઘણી મુશ્કેલી થઈ હતી જેને સાંભળી પણ ન શકાય. આખરે હાઇજેકરોએ કહ્યું કે તે લોકોને વારાફરતી મારી નાખશે. તે લોકોને મારવાનું શરૂ કરતા જ હતા કે એક હાઈજેકર કોકપિટમાંથી બહાર આવી કહેવા લાગ્યો કે, “કોણ જાણે કોની દુઆઓ તમને લાગી હશે? ભારત સાથે ફરી વાટાઘાટો શરૂ થઈ ગઈ છે અને સરકારે અમારી માંગ માન્ય કરી છે માટે હવે તમે આઝાદ છો.”
એક મડદામાં ફરી પ્રાણ આવ્યો હોય એમ લોકોમાં આનંદ વ્યાપી ગયો. પણ આ આનંદ પાછળ ભારત સરકારે શુ ચૂકવ્યું હતું? ભારત સરકારે હાઇજેકરોની માંગને માન્ય રાખતા જણાવ્યું કે, “તે વિમાનના તમામ યાત્રીઓના જીવને બદલે ત્રણ વ્યક્તિ મૌલાના મસુદ અઝહર, અહેમદ ઓમર સૈયદ શેખ અને મુસ્તાક અહેમદ ઝર્ગરની રિહાઈ મંજુર કરી છે. અહેમદ ઓમર સૈયદ શેખ મૌલનાનો સાથી હતો જેણે જેલની મુલાકાતે આવેલા બે વિદેશી પર્યટકોને મોતને ઘાટે ઉતાર્યા હતા. મુસ્તાક અહેમદ ઝર્ગર હરકત-ઉલ-મુજાહિદ્દીન સંગઠનનો તાલીમ પામેલ અને કાર્યરત આતંકવાદી હતો. આમ ગણો તો આ ત્રણ પ્યાદા સમગ્ર વિશ્વને આતંકવાદની આગથી બાળવા સક્ષમ હતા.
31 ડિસેમ્બર 1999ના રોજ IC 814 ફરી ભારત પરત આવ્યું. ભારતીયોના આનંદનો પાર ન રહ્યો તે ઉત્સવ મનાવવા લાગ્યા. તાલિબાન આર્મીએ હાઇજેકરોને અફઘાનિસ્તાન છોડવા દસ કલાકનો સમય આપ્યો. 8 દિવસની આ ઘટનાએ એક ઈતિહાસ રચી નાખ્યો.
એક વર્ષ બાદ કેપ્ટન દેવીશરણે આ ઘટનાના યાદરૂપે પત્રકાર શ્રીન્જોય ચૌધરીના સહયોગથી “ફ્લાઈટ ઇનટુ ફિઅર- અ કેપ્ટન’સ સ્ટોરી(ભયમાં ફ્લાઇટ- એક કેપ્ટનની કથા)” નામનું પુસ્તક લખ્યું. ફ્લાઇટ એન્જિનિયર જાગીયાએ સૌરભ શુક્લાના સહયોગથી ઘટનાને વ્યક્ત કરતા “IC 814 હાઇજેકડ!” નામનું પુસ્તક લખ્યું.

આ ઘટનાને આજ અઢાર વર્ષ થઈ ગયા છે પણ હાઈજેકરો ફ્લાઈટમાં હથિયાર ક્યાંથી લાવ્યા હતા? કેવી રીતે આ અઘરું કાર્ય સરળ બન્યું હશે? શુ કોઈ ભારતીયે એમની મદદ કરી હતી? આ બધા પ્રશ્નોનો ખુલાસો હજુ સુધી થયો નથી. મિત્રો તમને લાગે છે એક હાથે તાળી પડી શકે? આ ઘટના સમયે ભારત સરકારે જે નિર્ણય લીધો એ પછી તો આ આતંકવાદીઓએ ઘણી આતંકી પ્રવૃત્તિઓ કરી છે. એ તમારી નજર સમક્ષ છે. શુ ભારત સરકારનો એ નિર્ણય યોગ્ય હતો? પણ જે હોય એ હું તો ફક્ત એટલું જ જાણું છું કે અન્ય દેશો આવી ઘટનામાં બુદ્ધિથી નિર્ણય લે છે પરંતુ ભારત હંમેશા દિલથી જીવે છે અને દિલથી નિર્ણય લે છે. લોકો કહે છેને “દિલ હંમેશા સાચો નિર્ણય કરે છે.” માટે ભારતની આ બાબત પર હંમેશા મને અને તમને ગર્વ હોવો જોઈએ. હા, બની શકે કે તે નિર્ણય ખોટો પણ હોઈ શકે પણ ભારત એટલું ક્રુર નથી જ કે લોકોને બચાવવાના 1% ચાન્સ હોય તો પણ તેની નજર સમક્ષ તેના ભારતીયોને મરતા જુએ. આવા તો ઘણા ઇતિહાસ છે જેનો ખુલાસો બહુ ઓછા પ્રમાણમાં થયો છે.
હું કેપ્ટન દેવીશરણ, કો-પાઈલેટ સિંઘ અને ફ્લાઇટ એન્જિનિયર જાગીયા તથા તમામ કર્મચારીઓ અને યાત્રીઓને સલામ કરું છું કે જેમણે આવી કપરી અને અસહ્ય પરિસ્થિતિમાં પણ હિંમતથી કામ લીધું.

વાંચવા માટે આભાર. જય હિન્દ..જય ભારત..વન્દેમાતરમ.

Subscribe for our new stories / Poem

હાર્દિક વી પટેલ

1 comment


  • ખૂબ સરસ. ઈતિહાસ ની આવી અજાણી ઘટનાઓ વધુ ને વધુ ઉજાગર કરતા રહો. આભાર.

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com